Oct 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-635

સર્વ પ્રાણીઓના નામ ધરાવનાર,સર્વ-રૂપ,સર્વને સ્ફુરણ આપનાર,અને સર્વને સત્તા આપનાર-એ સ્વયં-પ્રકાશ દેવ (પરમાત્મા કે બ્રહ્મ) જ પ્રણામ કરવા કે પૂજવા યોગ્ય છે.
જયારે  પુરુષ એ દેવને જાણે છે,ત્યારે એ દેવ,સર્વ-કાળમાં અને સર્વ-દેશમાં તે પુરુષને પ્રકાશે છે.અને પ્રત્યેક વસ્તુમાં-તેનું સ્ફુરણ થવાથી,તે એ જ વિષય-રૂપ થાય છે.

સર્વ-વ્યાપક અને સર્વદા સ્ફુરણ-રૂપ હોવાને લીધે-
એ દેવનું આવાહન (પરમાત્માને બોલાવવા માટે)  કરવાની કે તેને માટે મંત્રો ભણવાની કશી જરૂર નથી.
એ સ્વયંપ્રકાશ દેવ (પરમાત્મા) સર્વ વસ્તુમાં અને સર્વ કાળમાં પાસે જ છે અને સર્વત્ર મળે એમ છે.

હે વસિષ્ઠ મુનિ,જે જે વસ્તુનું અવલોકન કરવામાં આવે,તે તે વસ્તુમાંથી તે દેવ મળી આવે છે.
વિષયો તેમ જ વિષયોનાં દર્શનો,મન નો અને સાક્ષીનાં સ્વરૂપોને એ દેવ જ ધરે છે.
એ મોટો દેવ જ આદ્ય,પૂજ્ય,નમસ્કાર કરવા યોગ્ય,સ્તુતિ કરવા યોગ્ય અને
જે જે મોટામોટા જાણવાના પદાર્થ છે તેઓની પણ -તે-પરાકાષ્ઠારૂપ છે.એમ સમજો.

વૃદ્ધાવસ્થા,શોક તથા ભયને મટાડનારા-એ દેવનું અવલોકન કરવામાં આવે,
તો,તેવું અવલોકન કરનારા પ્રાણીને ફરીવાર જન્મ લેવો પડતો નથી.
જાણવામાં આવવાથી સર્વ પ્રાણીઓને અભય દેનાર,આદ્ય,યત્ન વગર સેવી શકાય તેવું,
જન્મ-રહિત અને પોતામાં જ રહેલું એ પરમાત્મા-રૂપ જે પરમ-પદ છે-તે તમે જ છો,
માટે બહારની દ્રષ્ટિઓમાં શા માટે મોહ પામો છો?

(૩૬) ઈશ્વર-સ્વ-રૂપ-નિરૂપણ

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,આમ છે,એટલા માટે,સર્વમાં સામાન્ય-સત્તા-રૂપે રહેલા,પોતાના જ અનુભવ-રૂપ અને શુદ્ધ જે એક ચૈતન્ય છે,તે જ પોતાના દર્શન-માત્રથી સંસાર-રૂપી રોગને ટાળે છે,
તે પ્રકાશ-મય છે અને સરનું સ્વામિત્વ ધરાવે છે-એવો બ્રહ્મ-વેત્તાઓએ નિર્ણય કરેલ છે.


એ જ નિર્મળ ચૈતન્ય-રૂપ મૂળ તત્વ,
તે સઘળાં કારણોના કારણ-રૂપ,સંસારના પરમ-સાર-રૂપ,પામવાના સઘળા પદાર્થોમાં મુખ્ય,
સઘળા બીજોના બીજ-રૂપ,પોતે કારણથી રહિત,નિર્દોષ,પોતાની સત્તાથી સઘળા પદાર્થોને સત્તા આપનાર,
મન આદિથી અગમ્ય,સંસારના સ્પર્શથી રહિત,સર્વની બુદ્ધિઓની વૃત્તિઓને પ્રકાશ આપનાર,
જીવના પણ અંદરના સાર-રૂપ,પોતા-રૂપ સઘળાં દૃશ્યોને પ્રગટ કરનાર,દ્રશ્યોના પરમ અધિષ્ઠાન-રૂપ અને
માયાથી પોતાની જ અનેક પ્રકારે ભાવના કરનાર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE