Oct 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-633

(૩૫) સર્વોત્કૃષ્ટ પરમાત્મા નું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી,બે ઘડીવાર પછી મને બોધ આપીને,સદાશિવ સમાધિમાં સરી ગયા અને થોડીક વાર પછી સમાધિમાંથી જાગ્રત  થઈને તેમણે (સદાશિવે) મને કહ્યું કે-હે વસિષ્ઠ મુનિ,તમે પ્રથમ વિચાર કરીને "પ્રમાણો"થી પ્રત્યાગાત્માના વાસ્તવિક સ્વરૂપનો તરત જ નિર્ણય કરો,એ પ્રત્યાગાત્માને બહિર્મુખી વૃત્તિ મલિન કરી અને અનર્થો ઉત્પન્ન કરે છે,માટે તે જડ ભાગનો સ્વીકાર કરશો નહિ.ભ્રાંતિ-રૂપ-જડ ભાગોની બાબતોમાં  જે કંઈ જાણવું જોઈએ તે સઘળું તમે જાણી ચુક્યા છો,તો હવે તે ભ્રાંતિ-રૂપ-જડ ભાગોનો વિચાર કરવાનું કશું પ્રયોજન નથી.

તત્વવેત્તા પુરુષને ભ્રાંતિ-રૂપ-જડ-પદાર્થોમાં લેવા જેવું કે છોડી દેવા જેવું કશું નથી,
તે જડ-પદાર્થો-રૂપ-વિકલ્પો કે જે  ક્ષણિક સુખ-દુઃખોથી ભ્રરેલા છે,
તેઓને કાપી નાખવામાં જો તમે તલવાર-રૂપ થશો-તો ધીર કહેવાશો,
માટે આસ્થા રાખીને ધીર તથા આત્મ-દ્રષ્ટા થાઓ.

દૃશ્યોના સ્પર્શ વગરના -પોતાના ચૈતન્ય આત્મામાં રહેવું એ જ મુખ્ય સંકલ્પ છે.
એ સ્થિતિમાં રહેવા તમે જો અસમર્થ હો તો-
આત્માના બોધને માટે શ્રવણ-આદિમાં અનુકુળ આવે એટલી જ બાહ્ય દૃષ્ટિ રાખીને
નિરંતર આત્માની પ્રાપ્તિને માટે યત્ન કરો.
આત્માની પ્રાપ્તિ માટે મુદ્દલ યત્ન નહિ કરતાં બેસી રહેવાથી શો પુરુષાર્થ છે? (કશો નથી)

આ દેહ-રૂપી ઘર પ્રાણને લીધે,યંત્રની જેમ ક્રિયા (ગતિ) કર્યા કરે છે
ને જો (દેહ) પ્રાણથી રહિત થાય તો-ગતિનો ત્યાગ કરીને મૂંગાની જેમ રહે છે.
ગતિને અનુકૂળ જે "ક્રિયા-શક્તિ" છે તે "પવન"ની છે અને જે "જ્ઞાન-શક્તિ" છે-તે "આત્મ-ચૈતન્ય" છે.

એ "જ્ઞાન-શક્તિ" અથવા ચિદાત્મા,નિરાકાર,આકાશથી પણ સ્વચ્છ અને સર્વ જગતના કારણ-રૂપ છે.
"ક્રિયા-શક્તિ"ના મૂળ-રૂપ "પ્રાણ અને તેના આશ્રય-રૂપ દેહ"  એ-
પરસ્પરથી છૂટાં પાડીને નષ્ટ થઇ જતાં-ક્રિયા-શક્તિ પણ નષ્ટ થઇ જાય છે,પરંતુ ચિદાત્મા,નષ્ટ થતો નથી.
એટલા માટે આત્મા વિના બીજાને સત્ય સમજવા-રૂપ ભ્રાન્તિને ત્યજી દો.
જેમ નિર્મળ અરીસામાં પ્રતિબિંબ દેખાય છે,તેમ લિંગ-દેહથી યુક્ત થયેલા સ્થૂળ-દેહમાં ચૈતન્ય સ્પષ્ટ દેખાય છે.

હે મહામુનિ,જેમ મેલ-વાળા અરીસામાં પાસે પડેલી વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી,
તેમ,લિંગ-દેહ વિનાના સ્થૂળ-દેહમાં ચૈતન્ય દેખાતું નથી.
જો કે ચૈતન્ય સર્વ-વ્યાપક છે,તો પણ બહારના આકાર-રૂપે ખીલેલી બુદ્ધિની વૃત્તિના કારણથી જ-
દેહાદિક નું ચલન કરવામાં તે સમર્થ થાય છે.
એ આત્મ-ચૈતન્ય (જીવ-ચૈતન્ય) બ્રહ્માકાર બોધથી માયા-રૂપ-કલંક ને છોડીને નિર્મળ થાય -
તો પોતે પરમ-કલ્યાણ-કૈવલ્ય-રૂપ થઈને રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE