Oct 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-632

હે વસિષ્ઠ મુનિ,હવે હું ત્રીજી ભૂમિકા કહું છું તે તમે સાંભળો.
બ્રહ્માકાર-અખંડ-વૃત્તિ અને વૃત્તિથી વ્યાપ્ત-બ્રહ્મ, એના એકીભાવને લીધે,
જે ગ્રહણ કરે છે (ગ્રાહક) અને જેનું ગ્રહણ થાય છે (ગ્રાહ્ય) તે બંને ભાગથી રહિત,
બ્રહ્મ તથા આત્મા ઇત્યાદિ શબ્દોથી તથા તેઓના અર્થોથી અતીત,
છ પ્રકારના ભાવ-વિકારો (અસ્તિ-જાયતે-વગેરે) થી રહિત-પણાને લીધે કાળથી સ્થિર,
અજ્ઞાન-પણાથી પર,પોતાના સ્વ-રૂપથી જ નિષ્કલંક તુર્યાતીત (તુર્યા અવસ્થાથી પર) નામ વાળી હોવાથી પરમ પુરુષાર્થ-રૂપ,પરથી પણ પર,પરમ અવધિ-રૂપ,સઘળાં મંગળમાં પ્રધાન મંગળ-રૂપ,મુખ્ય અને,નામ-રૂપ આદિ (વિચ્છેદ) થી રહિત-
જે ચૈતન્યમાં પવિત્ર સ્થિતિ થાય છે-તે "તુર્યાતીતા" નામની જીવનમુક્ત ની ત્રીજી ભૂમિકા કહેવાય છે.

આ ત્રીજી ભૂમિકા -તે-અખંડ ઉપાસના ના સઘળા માર્ગોથી તથા તે તે માર્ગોથી ઉંચી પદવીઓ પામેલાઓથી
પણ દૂર છે,અને મેં પોતે (સદાશિવે) અનુભવેલી હોવા છતાં પણ મારાથી તેનું વર્ણન થઇ શકતું નથી.
હે વસિષ્ઠ મુનિ,જાગૃત-આદિ -માર્ગોથી તથા તુર્યાથી પણ અતીત (પર) આ જે પદ મેં તમને કહ્યું,
તેમાં જ તમે સર્વદા રહો.એ પદ જ અવિનાશી દેવ છે-બીજો કોઈ અવિનાશી દેવ નથી.

આ સઘળા જગતનું ઉપાદાન-કારણ એ પદ જ છે,માટે સઘળું જગત તન્મય જ  છે,પણ,
વાસ્તવિક-રીતે તે પદને ઉપાદાન-કારણ-પણું પણ સંભવતું નથી.
અને આમ વિચારવાથી આ જગત બ્રહ્મ-મય નથી પણ "મિથ્યા" છે-એમ સિદ્ધ થાય છે.

વળી (જો વિચારવામાં આવે તો) જે મિથ્યા પદાર્થ હોય તે અધિષ્ઠાનથી ભિન્ન હોય એમ તો સંભવે જ નહિ,
એટલે જગત કેવળ કલ્પિત હોવાથી અધિષ્ઠાન-રૂપ જ છે,
માટે જો -અધિષ્ઠાન-રૂપે  જોઈએ તો-જગતથી કંઈ સૃષ્ટિ થતી નથી અને કંઈ લય પણ થતો નથી,
પરંતુ સઘળું જગત શાંત છે,સઘળા સમ પદાર્થો કરતાં પણ સમ છે,અને,
સ્વ-રૂપના ખજાના જેવું જ દેખાય છે.

દ્વિત્વ તથા એકત્વથી રહિત-પણા ને લીધે,સ્વ-રૂપમાં ક્ષોભનો સંભવ ન હોવાને લીધે,
અખંડ ચૈતન્ય-પણાને લીધે,વિકારો વગેરે થી રહિત-પણાને લીધે,અને,
લાંબા કાળ સુધી રહેનારા આકાશ-આદિ નિત્ય પદાર્થો પણ તેની સામે અનિત્ય હોવાને લીધે-
તે સ્વ-રૂપ સિવાય બીજું કંઈ છે જ નહિ.

બાળકોએ મનોરાજ્ય થી કલ્પેલાં-શિલાઓની અંદરનાં ઘરો-કે જેઓને આપણે અસત માનીએ છીએ,અને,
આ પ્રત્યક્ષ દેખાતા જગત સંબંધી પદાર્થો કે જેઓને આપણે સત માનીએ છીએ,
તેઓમાં  પણ,સર્વ વસ્તુ ચિદઘન હોવાને લીધે- જરા પણ ભેદ નથી.
જે કંઈ છે તે,સઘળું મહા-મંગલ-રૂપ,શાંત વાણીના વિલાસથી અગમ્ય,
અને જે ॐકાર ની અર્ધ-માત્રાની નાદ-બિંદુ શક્તિ છે -તે જ પરમ-ગતિ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE