Oct 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-629

જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ જગતનો પ્રતિભાસ દુઃખ-દાયી થાય છે
પણ અજ્ઞાન ટળી જતાં -તે દુઃખ-દાયી થતો નથી.
જેવી રીતે પોતાના "રાજા-પણા" ને ભૂલી ગયેલો રાજા ત્યાં સુધી જ શોક કરે છે,
કે જ્યાં સુધી તેના હૃદયમાં "હું રાજા  છું" એવી સ્મૃતિ પ્રાપ્ત થતી નથી,
તેવી રીતે,પુરુષ ત્યાં સુધી જ શોક કરે છે કે -જ્યાં સુધી હૃદયમાં "હું બ્રહ્મ છું" એવી સ્મૃતિ પ્રાપ્ત થતી નથી.

જેમ,શરદ-ઋતુ આવતાં,વર્ષા-ઋતુનાં વાદળો આકાશને ઢાંકી શકતાં નથી,
તેમ,"હું બ્રહ્મ છું" એના સ્મરણથી સંસાર દુર થયા પછી,સંસાર દુઃખ-રૂપ થતો નથી.કેમ કે-
જેમ,વીણાના સ્વરોમાં જે ઉચ્ચ સ્વર હોય તે જ સાંભળવામાં આવે છે,
તેમ,ચિત્તની જે ચેષ્ટા પ્રબળ પ્રવાહ-વાળી થાય -તે જ વધે છે.

"હું એક જ આત્મા છું" એવી દૃઢ ભાવનાને દૃઢ કરો,એ ભાવનાથી યુક્ત થશો,તો તમે બ્રહ્મ થઇ રહેશો.
આ ભાવના-રૂપ પૂજાથી જ પૂજ્ય દેવ-રૂપ થવાય છે,પણ બીજી પૂજાથી થવાતું નથી.
આ પ્રમાણે હોવાથી આ બાહ્ય-પૂજન તમારા જેવાઓને સંભવતું જ નથી.
જેઓને તુચ્છ ફળોમાં અનુરાગ હોય,તેઓએ જ બાહ્ય પૂજન કરવું જોઈએ.

એક પરમાર્થ સત્ય-પર-બ્રહ્મ-દેવ જ તમારા માટે ઉત્તમ પદ-રૂપ છે.
બાહ્ય-પૂજાઓમાં પૂજન કરનાર,ષોડોપચારથી જે પ્રતિમા તથા લિંગ આદિની પૂજા કરે છે,
તે સઘળું તુચ્છ જ હોય છે,
કેમ કે એ સઘળી સામગ્રી મનના સંકલ્પોથી જ ગોઠવાયેલી હોવાની કલ્પના-માત્ર જ છે.

(૩૪) પશ્યંતી ઇત્યાદિ ભૂમિકાઓનું વર્ણન

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,આ રીતે જગત બાધની દૃષ્ટિથી અસત છે,
અને અધિષ્ઠાન ની દૃષ્ટિથી સત અને બ્રહ્મ-રૂપ છે,તેમ જ પરમ-અર્થ (પરમાર્થ) માં દ્વિત્વ તથા  એકત્વ થી રહિત છે.અને,વ્યવહારમાં દ્વિત્વ અને એકત્વ ની સાથે પણ છે
આ રીતે વ્યવસ્થા માનવાથી શંકાઓને અવકાશ રહેતો જ નથી.

ચૈતન્ય ને મોહથી જે જડ-ભાવ થયો છે તે જ સંસાર છે.પણ જો,
ચૈતન્યને સંસાર જ નથી-એમ વિચારવામાં આવે તો તે ચૈતન્ય મોહ-રહિત જ છે અને અભિન્ન તથા અદ્વૈત છે.
"હું દૃશ્ય-દેહાદિક-રૂપ છું" એવું અભિમાન-રૂપ કલંક પ્રાપ્ત થવાથી ચૈતન્ય બંધાઈ (બંધન) જાય છે.અને,
"હું દૃશ્ય-દેહાદિક રૂપ નથી પણ તેઓના અધિષ્ઠાન-રૂપ છું-એટલે મારામાં એ દેહાદિક-સઘળું કલ્પિત જ છે"
એમ સમજવામાં આવે તો તે ચૈતન્ય મુક્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE