હે વસિષ્ઠ મુનિ,મનોરાજ્ય અને ગંધર્વનગરની જેમ,જે પોતાના સંકલ્પથી મિથ્યા રચાયેલ હોય છે,તે સંકલ્પ ન કરવાથી નષ્ટ થઇ જાય છે.
સંકલ્પની રચના કરવામાં પરિશ્રમ નડે છે પણ સંકલ્પનો નાશ કરવામાં પરિશ્રમ પડતો નથી,કેમ કે ઉદાસીન-પણા માત્રથી સંકલ્પનો ક્ષય -પોતાની મેળે જ થાય છે.
મનોરથથી રચાતી નગરી ની સૃષ્ટિમાં સંકલ્પ-રૂપ કારીગરની જરૂર પડે છે,
પણ તે નગરીનો ક્ષય કરવામાં તે કારીગરનો ખપ પડતો નથી.
પુષ્ટ થયેલા સંકલ્પથી જે દુઃખ પ્રાપ્ત થયું છે તે સંકલ્પ ટળી જવાથી દૂર થાય છે.
તેનો ક્ષય કરવામાં બીજી કશી મહેનત કરવી પડતી નથી.
મનુષ્ય જો કોઈ સંકલ્પ કરે તો દુઃખમાં ડૂબે છે અને જો કોઈ સંકલ્પ ના કરે તો અક્ષય સુખ પામે છે.
જો તમારું મન,સંકલ્પ-રૂપી સર્પથી રહિત નહિ થાય તો સદ્દગુણોવાળા નંદનવનમાં રહેવા છતાં પણ તમને શાંતિ મળશે નહિ.પોતાના વિવેક-રૂપી-પવનોથી સંકલ્પ-રૂપી વાદળાં નો ક્ષય કરી,નિર્મલ-પણા ને પ્રાપ્ત થાઓ.સંકલ્પો-રૂપી ભરપૂર નદીને,સંકલ્પ-રહિત ચિંતામણિ મંત્રથી સુકવી નાખો,અને
તેમાં તણાતા જતા આત્માને આશ્વાસન આપી અને મન વગરના થાઓ.
ચિદાત્મા -કે જે હૃદય-રૂપી આકાશમાં સંકલ્પ-રૂપી પવનથી ચલિત થઈને ભમ્યા કરે છે તેને પકડી લઈને તેના ખરા સ્વરૂપનું અવલોકન કરો.પોતામાં પોતાના જ સંકલ્પોથી થયેલા મલિન પણાને પોતાથી જ ટાળી નાખીને ,પરમ સ્વચ્છ-પણા ને પ્રાપ્ત થઈને પરમ આનંદ -વાળા થાઓ.
આત્મા પોતે પરમ શક્તિમાન હોવાને લીધે,પોતાના સંકલ્પથી જે વસ્તુની જયારે અને જેવી રીતે ભાવના કરે,
તે વસ્તુને,પોતાના સંકલ્પના બળથી,તેવી રીતની દેખે છે.
બ્રહ્માકારની ભાવના કરે તો બ્રહ્માકાર દેખે છે,અને ભોગવવાના આકારની ભાવના કરે તો ભોગ્યાકાર દેખે છે.
હે વસિષ્ઠ મુનિ,આ જગત-રૂપી-ભ્રમ સંકલ્પ-માત્રથી ઉઠ્યો છે,માટે સંકલ્પના ત્યાગથી તદ્દન નિર્મૂળ થઇ જાય છે.જેમ ગંધર્વ-નગર પ્રતિભાસ થી ઉઠે છે અને પ્રતિભાસથી જ ક્ષય પામે છે,
તેમ,સંસાર-રૂપી-ભ્રમ પ્રતિભાસથી ઉઠે છે અને પ્રતિભાસથી ક્ષય પામે છે.
આમ હોવા થી "દ્રષ્ટિ-સૃષ્ટિ" (જેવી નજર તેવું જગત) પક્ષ સિદ્ધ થાય છે.