એમ સિદ્ધાંત-પક્ષમાં માનવામાં આવે છે.(એટલે કે એવો સિદ્ધાંત બનાવેલો છે)
માટે કલ્પિત વિકારો અધિષ્ઠાન-રૂપ-સાર-વાળા હોવાને લીધે,અધિષ્ઠાન થી જુદા પડતા નથી.આ સઘળો વિકાર-વગેરે,વિકલ્પ-સદ-વસ્તુ (બ્રહ્મ)માંથી ઉઠીને જ જુદાજુદા કાર્યોમાં ઉપયોગી થવાથી,ભોગમાં મળી જાય છે,એમ ભોગનું ચૈતન્યમાં મિલન થાય છે.માટે સઘળા વિકલ્પોનો સાર ચૈતન્ય-માત્ર જ છે.
જળ-તરંગ-વગેરે 'વ્યવહારિક પદાર્થો' છે,ઝાંઝવાના પાણીના તરંગો 'પ્રાતિભાસિક પદાર્થો' છે,અને
સસલાના શિંગડા-વગેરે 'બિલકુલ ન સંભવે' તેવા પદાથો છે,
આવી રીતના પેટા-વિભાગોના ભેદો એ કેવળ મૂર્ખ ને જ થાય છે,કેમ કે
સઘળા પદાથો પોતાની સત્તાથી મિથ્યા (અસત) હોવામાં અને બ્રહ્મ ની સત્તાથી સત હોવામાં સરખા જ છે.
પરસ્પરથી વિલક્ષણ જણાતા જગત સંબંધી સઘળા પદાર્થોને-તત્વ-બોધ એક જ પ્રકારના કરી નાખે છે,
માટે આવા વિષયમાં વધારે યુક્તિઓ કહેવામાં કશું પ્રયોજન નથી.
પદાર્થોના ભેદો તો 'ભ્રમ' હોવાથી પ્રત્યક્ષ-રીતે દેખાય છે,તેનું મૂળ કારણ અજ્ઞાન જ છે,
તે દુર ના થાય ત્યાં સુધી ભેદ-ભાવો (બીજી કોઈ) યુક્તિથી દુર થતા નથી.
હે વસિષ્ઠમુનિ,તત્વ-દૃષ્ટિથી જોઈએ,તો,
બ્રહ્મની સર્વ શક્તિઓ અને જગતો-રૂપી આકાર-વાળું માયિક-રૂપ,એ બ્રહ્મથી જુદાં પડતા નથી.
દેશ,કાળ,તથા વિકાર આદિ-જે કોઈ ભેદ ચૈતન્યમાં પ્રતીત થાય છે,તે ચૈતન્યની સત્તાથી સત છે અને
પોતાથી અસત છે-માટે "તે ચૈતન્યમાં દ્વિત્વ કેમ આવ્યું?" એવી રીતનું તમારું પૂછવું જ ઘટતું નથી.
ચૈતન્યમાં દ્વિત્વ મુદ્દલે આવ્યું જ નથી,દેશ,કાળ,ક્રિયા અને નિયમ વગેરે-શક્તિઓ, એ ચૈતન્યથી જ સત્તા પામેલી છે, માટે તે ચૈતન્ય-રૂપ જ છે.ચિત્ત,વિષયો,ચિત્તની ચેષ્ટાઓ અને બ્રહ્મથી માંડીને તરણા સુધી સર્વ ચૈતન્ય જ છે.
પરમ-ચૈતન્ય-રૂપ-મહાસાગરમાં તરંગની જેમ વિવર્ત થાય છે,તે જ દૃશ્ય (જગત) નો સંબંધ છે.
એ જ પરબ્રહ્મ,સત્ય,ઈશ્વર,શૂન્ય અને એક પરમાત્મા-વગેરે નામોથી કહેવામાં આવે છે.
એ પ્રમાણે રૂપો અને નામથી પર જે પરમાત્મા નું નિર્મળ રૂપ છે,તે જ વાસ્તવિક રીતે મારું તત્વ છે.
આ જે આકાર (શરીર) જોવામાં આવે છે-તે હું નથી.મારા તત્વ ને મન કે વાણી -પહોંચી શકે તેમ નથી.
જે આ જગત જોવામાં આવે છે-તે મારામાં (બ્રહ્મમાં) જ કલ્પાયેલાં હોવાને લીધે,તે (બ્રહ્મ)નાં જ છે.