સર્વ-વ્યાપક-બ્રહ્મ-ચૈતન્ય,એ,બુદ્ધિમાં પ્રતિબિમ્બિત થયેલા "અંશ" થી,જીવ-રૂપ થઈને મન-રૂપ થાય છે.(મન-એ-"લિંગ-સ્વ-રૂપી-રથમાં ગોઠવાય છે) અને આમ થવાથી જગત થાય છે.(જગત ઉત્પન્ન થાય છે)
જેમ,વેતાલ શબની અંદર પેસીને શબને ઉઠાડે છે,તેમ,જયારે વાયુની પ્રધાનતા-વાળું-લિંગ-શરીર,દેહની અંદર પેસીને દેહને ઉઠાડે છે-ત્યારે લોક,"દેહ જીવે છે" એમ કહે" છે.
જીવ પોતાના સ્વભાવને લીધે,અજર-અમર-બ્રહ્મપણાને ભૂલીને પરવશ થાય છે.અને,
જેમ પાંદડું કાળ-વશ સુકાઈ જાય છે-તેમ, અશક્ત બની જાય છે.
વાસના શક્તિનો સ્પર્શ ન થવાથી,હૃદય-કમળ-રૂપી-યંત્ર અટકી જતાં,
અને પ્રાણ રોકાઈ જતાં,માણસ મરી જાય છે.
હે વસિષ્ઠ મુનિ,જેમ,ઝાડનાં જુદાંજુદાં,નવાં થતાં,પાંદડાં કાળની ગતિથી નષ્ટ થયા કરે છે,
તેમ,જીવોનાં નવાં થતાં જુદાંજુદાં શરીરો કાળની ગતિથી નષ્ટ થયા કરે છે,માટે તેઓની શી ચિંતા કરવી?
બુદ્ધિમાન પુરુષે તેના (એટલે કે તે શરીર) પર બહુ ભરોસો રાખવો નહિ.
જેમ,અરીસા (જેવા કાચ) સિવાય,બીજો કોઈ પદાર્થ -એ-પદાર્થોનું પ્રતિબિંબ ગ્રહણ કરવાને યોગ્ય નથી,
તેમ,ચિત્ત વિના બીજું કોઈ પણ ચૈતન્યનું પ્રતિબિંબ ગ્રહણ કરવાને યોગ્ય નથી.
ચૈતન્ય સર્વ-વ્યાપક છે,પણ,ચિત્તમાં જ પ્રતિબિમ્બિત થાય છે.
"ભરપૂર-ચૈતન્ય-રૂપ-નિર્મળ-આકાશ" માં,પૂર્વ-જન્મનાં કરેલાં કર્મોના પરિણામ-રૂપ,અનિર્વચનીય,
ઉપર-ઉપરથી જ સારી લાગે એવી-અને-અનેક પ્રકારના આકારો-વાળી,જીવ તથા જગત-રૂપ "કલ્પનાઓ"
જન્મ-મરણ-આદિની ભ્રાન્તિઓથી,આત્માને મૂઢ બનાવી દેવા (અને તપાવવા) માટે જ પ્રતીત થાય છે.
(૩૩) દ્વૈત-નિવારણ ની યુક્તિઓ
વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,ચૈતન્ય-તત્વ કે જે સઘળા આકારોથી ભરપૂર છે,અને સજાતીય-વિજાતીય-સ્વગત,એ ત્રણે ભેદો થી રહિત છે,તેને "જીવ-રૂપ સજાતીય" અને "જડ-જગત-રૂપ ભેદ વિજાતીય" ભેદ કેવી રીતે થયો?
(એક ગાય,બીજી ગાયથી જુદી પડે-તે સજાતીય,ગાય ભેંસથી જુદી પડે તે વિજાતીય અને ગાય પોતાના જ અવયવોથી જુદી પડે તે સ્વગત-અહી કહેવા માગે છે કે-બ્રહ્મ આ ત્રણે ભેદોથી રહિત છે)
જો એમ કહેશો કે "આ બે-પણું થવાને કોઈ કારણ નથી" તો એક શંકા થશે કે-
આ ભેદ અનંત-કોટિ બંધનોથી દૃઢ થયેલો છે,અને લાંબા કાળના સંસર્ગથી તે પોતાનો સ્વભાવ બની ગયો છે,
એટલે તત્વ-જ્ઞાન મળવા છતાં-પણ-દુઃખનો નાશ થશે નહિ-કારણ કે તત્વજ્ઞાન તો બહારથી જ "નવું" આવે છે.