સંકલ્પથી પ્રવૃત્તિ થાય છે,સંકલ્પ એ મનન નો ક્રમ છે,અને મનનના ક્રમથી ચિત્તની મલિનતા થાય છે.એ પ્રવૃત્તિ-સંકલ્પ તથા ચિત્તની મલિનતા ને સાક્ષી-રૂપે જાણનાર જે આત્મ-ચૈતન્ય છે તે નિર્મળ છે,
અંદર તથા બહાર -જે અનેક પ્રકારના ભેદો જણાય છે,તેનું અધિષ્ઠાન જે સાક્ષી-ચૈતન્ય છે,
તે પ્રકાશ-સ્વ-રૂપ,નિત્ય,પોતાના સ્વરૂપમાં જ રહેલું છે,અને
જેમ,સ્ફટિક-મણિ,પ્રતિબિંબના આકારોને,પોતાની અંદર ધારણ કરે છે,
નિર્વિકાર-પણે આ સઘળા જગતને ધરી રહેલું,એ અદ્વિતીય ચૈતન્ય અસ્ત પામતું નથી,
ગતિ પામતું નથી કે વધતું પણ નથી.આ જીવ-પણું એ સંકલ્પ થી મળેલું છે,
એટલે જોદેહાદિ સંકલ્પનો ત્યાગ કરીને બ્રહ્મભાવ ની જ ભાવના થાય તો તે બ્રહ્મ-ભાવમાં જ રહે છે.
બ્રહ્મ-ચૈતન્ય નો રથ જીવ,જીવનો રથ અહંકાર,અહંકારનો રથ બુદ્ધિ,બુદ્ધિ નો રથ મન,મન નો રથ પ્રાણ,
પ્રાણ નો રથ જ્ઞાનેન્દ્રિયો નો સમૂહ,જ્ઞાનેન્દ્રિયોના સમૂહનો રથ દેહ અને દેહનો રથ કર્મેન્દ્રિયો નો સમૂહ છે.
એ સઘળા રથો સંસારમાં ભ્રમણ જ કરાવે છે,
મન નો રથ પ્રાણ છે-એમ જે કહ્યું તેનું કારણ એ છે કે-જ્યાં પ્રાણવાયુ (પ્રાણ) હોય ત્યાં જ કલ્પના રહે છે.
જેમ જ્યાં પ્રકાશ હોય ત્યાં જ રૂપ દેખાય છે,તેમ બળવાન પ્રાણ હોય ત્યાં જ સંકલ્પ રહે છે.
જેમ,જે વન-પ્રદેશમાં વંટોળ હોય તે વનપ્રદેશોમાં જ કંપ થાય છે,
તેમ,જ્યાં પ્રાણ હોય ત્યાં જ ચલન થાય છે.મન હૃદયાકાશમાં લીન થઇ જતાં,પ્રાણ કંઈ જ ચેષ્ટા કરતો નથી.
જેમ વંટોળ શાંત થતાં,ધૂળ રહેતી નથી,તેમ પ્રાણવાયુ શાંત થતાં,મન અંદર જરા પણ ચલિત થતું નથી.
જ્યાં પ્રાણ હોય છે ત્યાં જ મન હોય છે.પ્રાણ-પ્રેરિત મન ક્ષણમાં દુર જતું રહે છે.
પ્રાણ નો નિરોધ થાય તો મનનો ક્ષય થાય છે.નહિતર જ્યાં પ્રાણ જાય ત્યાં મન જાય છે.