જેમ નંદન-વનમાં ખેરનું (કાંટા-વાળું)ઝાડ નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં બુદ્ધિ-બોધ આપનાર કે બોધવ્ય-પણું નથી.જેમ,આકાશમાં પર્વત-પણું નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં હું-તું- કે તે -પણું નથી.
તે ચૈતન્ય-શક્તિમાં,પોતાનું કે અન્યનું દેહ-પણું નથી,દ્વૈત-અદ્વૈત નથી,નામ-રૂપ નથી,
"કરવા-કે ના કરવા" લાયક કંઈ નથી,વસ્તુ હોવાનો ધર્મ કે વસ્તુ ના હોવાનો ધર્મ નથી,
જીવ-શક્તિ,એ ચૈતન્ય-હિરણ્યગર્ભના ચિત્તથી પ્રગટ થઇ છે,
એટલે તે જીવ-શક્તિને સંસારનું સુખ પ્રાપ્ત થયું છે તેમ નથી,
પણ કેવળ સંસારની ભાવના-માત્રથી સંસાર-રૂપ સુખ પ્રાપ્ત થયું છે.
જ્ઞાની પુરુષ,સંસારની ભાવના ત્યજી દે છે કે તરત જ તેનો સંસાર-રૂપી અનર્થ શાંત થઇ જાય છે.
"ખડ પણ નથી અને ત્રૈલોક્ય પણ નથી" એવી ભાવના કરવી તે તો પોતાને આધીન છે,છતાં એવી ભાવના નહિ કરવાથી અને સંસારની જ ભાવના કરવાથી અજ્ઞાનીઓ સંસાર-રૂપી રોગ ને કદી મટાડી શકતા નથી.
સંસારની ભાવનાનો ત્યાગ અતિ-સુલભ હોવા છતાં,પણ-
જો તેને માટે પ્રયત્ન જ ના કરવામાં આવે તો,તેનો ત્યાગ કેવી રીતે શક્ય બને?
જે સર્વ-વ્યાપક ચૈતન્ય છે તે-અદ્વિતીય,પરમ,એક,સર્વથી પર,અતિ સ્વચ્છ,
અને સૂર્ય આદિ તેજો ને પણ પ્રકાશ આપનાર છે.એ પ્રકાશ આપનાર ચૈતન્ય સર્વમાં રહે છે,
જેમ, દીવો પ્રકાશ કરે છે,બીજી કશી ક્રિયા કરતો નથી,
તેમ ચૈતન્ય,એ સાક્ષીની જેમ જ રહે છે અને કશી ક્રિયા કરતુ નથી.
એ ચૈતન્ય,નિર્મળ હોવા છતાં,દેહાદિકની ભાવનાથી મલિન જેવું થઇ ગયેલ છે,નિર્વિકલ્પ છતાં પણ
દેહાદિ ની ભાવનાથી,સવિકલ્પ જેવું થઇ ગયેલ છે,ચેતન હોવા છતાં,જડ જેવું થઇ ગયેલ છે.
તે,નિર્વિકલ્પ,સૂક્ષ્મ અને સર્વ-વ્યાપક ચૈતન્ય,લિંગ-દેહમાં "પ્રતિબિંબ-ભાવ" થી આવીને,
હાથ-પગ વગેરે અંગોમાં તથા મર્મો-વગેરેમાં વ્યાપીને,સર્વમાં વ્યાપેલી પોતાની સંવિત (જ્ઞાન-શક્તિ)ને,
તેટલામાં જ સમેટાયેલી જેવી કરીને "સંકોચ" ને પ્રાપ્ત કરે છે.(જાણે,સંકોચાયેલા જેવી થઇ જાય છે)
એ ચૈતન્ય-શક્તિ,જાગ્રતમાં વિષયોના દર્શનથી તથા સંકલ્પોથી વ્યાપ્ત રહે છે,સ્વપ્નમાં વાસનામય વિષયોના દર્શનથી તથા સંકલ્પોથી વ્યાપ્ત રહે છે અને સુષુપ્તિમાં અજ્ઞાનના સાક્ષી-પણા-રૂપ-બોધ સ્વરૂપે રહે છે.
જેમ,સજ્જન ચિત્તમાં દુર્જનની સંગતિનો લાંબો સંસ્કાર લાગતાં,તે દુર્જનની પદ્ધતિઓને પામીને દુર્જન થઇ જાય છે,તેમ,એ અત્યંત સ્વચ્છ બ્રહ્મ ચૈતન્ય જ દેહાદિક ની ભાવનાના લાંબા સંસ્કારને લીધે,
દેહાદિકની અહંતા-મમતાઓને પામીને-અનુકુળ પદાર્થો મેળવવાની
અને પ્રતિકુળ પદાર્થો ને ટાળવાની ચિંતા ને પ્રાપ્ત થાય છે.