Sep 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-616

મનુષ્ય-યોનિ પ્રાપ્ત થયા છતાં પણ-"વ્યવહારની વિદ્યા" મેળવીને અર્થશાસ્ત્રના (ધન કમાવાના) અભ્યાસમાં પડી,ધન તથા ઘર-આદિ બનાવવામાં રચ્યા રહી-પોતાના બંધનોને વધારવામાં જ રચ્યો-પચ્યો રહે છે.
વૃદ્ધ થાય ત્યારે ચારે બાજુથી મરવાનો ડર રાખ્યા કરે છે,ધન ખૂટી જતાં તરફડ્યા કરે છે.
આમ, બાલ્યાવસ્થા માં પરાધીન રહે છે,યૌવનમાં ચિંતાથી ઘેરાયેલો રહે છે અને
વૃદ્ધાવસ્થામાં અત્યંત દુઃખથી પીડાય છે.મરી ગયા પછી કર્મોને વશ થઇ અનેક યોનિઓમાં ફર્યા કરે છે.

હે વસિષ્ઠ,તમારી પાસે મેં જે આ જીવ-શક્તિનું નિરૂપણ કર્યું,કે જે જીવ-શક્તિ,પ્રાકૃત કર્મોને પરવશ,
રાંક-પશુઓના જેવા ધર્મ-વાળી,"કર્માત્મા" એ નામને પામેલી,તેનો વાસ્તવિક રીતે વિચાર કરતાં અફસોસ કરવાનું જ પાત્ર,અને પોતાની મેળે જ ઘણાં દુઃખોવાળા અનંત વિભ્રમ ને પામેલી છે.

અવિદ્યા કે જેની -સત્તા અને સ્ફુરણ-તે પોતાનાથી ન્યારાં નથી -તેને લીધે જ,જીવ-શક્તિએ,
મિથ્યા અને વિનાશી અનિયમિત મેલ નો આશ્રય કર્યો છે-કે જેથી જીવ-પણાને પામીને,
એ વ્યાપક-પણાથી ભ્રષ્ટ થઇ છે,દુર્ભાગ્ય ને પામ્યા કરે છે,અને શોક કર્યા કરે છે.
એ જડ અવિદ્યાનું સામર્થ્ય જુઓ કે-જેથી,જીવ-શક્તિ પોતાના સ્વ-રૂપનું સ્મરણ નહિ પામતાં,
રેંટ ના ઘડાના આકાશની પેઠે,નીચે નીચે ઉતરવાને માટે જ -દુઃખોને વેઠ્યા કરે છે.

(૩૧) શુદ્ધ ચૈતન્ય-નિદર્શન

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,જેમ,સ્વપ્નમાં પીધેલી મદિરાના ઘેનમાં પડેલી સ્ત્રી "હું દુઃખ-વાળી છું"
એવી ભાવનાથી ખોટા દુઃખને જ મેળવી લે છે,તેમ અજ્ઞાનમાં પડેલી "ચૈતન્ય-શક્તિ" "હું વિકલ્પો-વાળી છું"
એવી ભાવનાથી મિથ્યા-ભૂત જીવ-પણા અને જગત-પણા ને મેળવી લે છે.
જેમ,મદિરા ના મદથી ફરી ગયેલી બુદ્ધિ-વાળી સ્ત્રી પોતા જીવતી હોવા છતાં "હું મરી ગઈ રે" એમ માનીને રડે છે,તેમ,અજ્ઞાનથી સ્વ-રૂપને ભૂલેલી "જીવ-શક્તિ" પોતે નષ્ટ ન થયા છતાં "હું નષ્ટ છું" એમ માનીને રડે છે.

જેમ,કારણ વિના જ અકસ્માત જ વિપરીત થયેલી બુદ્ધિ વાળી સ્ત્રી-ભમતા પદાર્થને પણ સ્થિર દેખે છે,
તેમ,અહંતાના ભ્રમમાં પડેલી જીવ-શક્તિ,અસ્થિર જગતને પણ -તે-સ્થિર હોય તેમ જુએ છે.
ચૈતન્ય-રૂપ-જીવ-શક્તિ ને સંસારનો અનુભવ થવામાં ચિત્ત જ કારણ છે,પણ વાસ્તવિક રીતે જોતાં તે ચિત્ત એ કંઈ જ નથી.તે  ચિત્તને સત-કે અસત પણ કહી શકાતું નથી, તેથી તે ચિત્ત તુચ્છ જ છે.

આ રીતે મુદ્દલે ચિત્ત જ નહિ હોવાને લીધે,અને તેમ હોવાને લીધે દૃશ્ય-રૂપ જગત પણ નહિ હોવાથી,
યત્ન-પૂર્વક ચિત્તને ચેતાવનારી -ચૈતન્ય-શક્તિ,પોતે પણ ચિત્ત-રૂપ નથી,પણ શુદ્ધ જ છે.
જેમ પથરામાં તેલ નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં દૃશ્ય-દર્શન કે દ્રષ્ટા-પણું નથી.
જેમ,ચંદ્રમાં કાળા-પણું નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં કર્તા-કર્મ કે કરણ-પણું નથી,
જેમ,આકાશમાં નવા અંકુર નથી,તેમ,ચૈતન્ય-શક્તિમાં પ્રમાતા-પ્રમાણ-પ્રમેય-પણું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE