Sep 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-604

હે રામચંદ્રજી,ધન-સ્વજન અને દેહ -એ વાસ્તવિક રીતે સત્ય નથી,પણ મિથ્યા જ છે-એ સિદ્ધાંત છે.સઘળું જગત,એ આદિ-મધ્ય- કે અંતમાં નથી-એટલે કે તે અસ્થિર-અને અસત્ય છે.તથા ચિંતાઓને ઉત્પન્ન કરનારું છે-માટે વિવેકી પુરુષ તેમાં કેમ આસક્તિ બાંધે?
બીજાએ કલ્પેલા "આકાશના ઝાડ"માં વિવેકીને આસક્તિ થાય જ નહિ.
પ્રાણીઓની આ ચો-તરફની ગરબડ ભરેલી દોડાદોડ -આકાશમાં વાદળોથી બનતા  
ગાંધર્વ-નગરની રચના ના વિલાસ બરાબર છે-એમ વિદ્વાનોએ સિદ્ધાંત કરેલો છે.

જેમ સારી પેઠે ધન મળ્યા પછી,મનુષ્ય,કંગાળ-પણાને ત્યજી દે છે-તેમ સંસાર-રૂપી ભ્રમણ ને ત્યજી દો.
જેમ,પ્રાતઃકાલમાં સૂર્યને દેખીને કમળ ખીલે છે-
તેમ, તમે નિર્વિકલ્પ તથા સર્વદા પ્રકાશિત ચૈતન્ય-રૂપ આત્માને જોઇને સ્વપ્નમાંથી જાગૃત થાઓ
હે રામચંદ્રજી,જાગૃત થાઓ-જાગૃત થાઓ-હું તમને વારંવાર સમજાવું છું.

હે રામચંદ્રજી,આ જગત-રૂપી ખોટા ભ્રમને ત્યજી દઈને સત્યનું અવલોકન કરો.
તમને જન્મ-દુઃખ-દોષો-ભ્રમ-એમાંનું કંઈ પણ નથી.સઘળા સંકલ્પોને ત્યજી દઈને આત્મામાં જ સ્થિર રહો.
તમે કલ્પના-મય દોષોની જાળથી મુક્ત થયા છો,સુષુપ્તિની પેઠે,નિર્વિક્ષેપ-દૃષ્ટિ-વાળા થયા છો,
માટે વ્યાપક અને પરોક્ષ બ્રહ્મ-રૂપ જ છો.
તો હવે શુદ્ધિને માટે -એ ઉપશમ-રૂપ પોતાના સ્વ-રૂપમાં જ સમાધિ લઈને રહો.

(૨૯) જગત પરમાત્મા-સ્વ-રૂપ જ છે

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે બહુ સારું સમજ્યા છો,અને આત્માને પામી ચુક્યા છો-
તો હવે એ જ વિષયનું (આત્માનું) અવલંબન કરીને એમ જ રહેજો,સંસારમાં પડશો નહિ.
સંકલ્પ કે જે આ સંસાર-રૂપી પૈડાની શક્તિ છે-તેને રોકવામાં આવે તો આ સંસાર-રૂપી પૈડું ચાલતું નથી.
પણ,મન (કે જે સંકલ્પ કરે છે) રૂપી શક્તિ ને જરાક ગતિ મળે-તો
આ સંસાર-રૂપી-પૈડું -જો પ્રયત્ન-પૂર્વક રોકવામાં આવેલું હોય-તો પણ વેગથી ફરવા માંડે  છે.

યુક્તિથી પ્રબળ પુરુષાર્થ કરીને -અને તે બળ-બુદ્ધિનો આશ્રય કરીને -
આ સંસાર-રૂપી-પૈડાની શક્તિ-રૂપ,ચિત્ત (મન) ને જ રોકવું જોઈએ.
બુદ્ધિ થી અને શાસ્ત્રમાં કહેલા પુરુષાર્થ થી,જે વસ્તુ (આત્મા) મળે તે વસ્તુ બીજે ક્યાંય મળતી નથી.
મૂર્ખ લોકોએ કલ્પેલી કેવળ નસીબ પરની ભાવના ત્યજી દઈને,
પોતાના પ્રયત્ન નું (પુરુષાર્થનું) અવલંબન કરીને,પ્રથમ ચિત્તને (મનને) જ રોકવું જોઈએ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE