બ્રહ્મવેત્તા પુરુષ સર્વ પદાર્થોમાં બાધિત-ભાગને ત્યજી દઈને -તે પદાર્થોમાં રહેલા બ્રહ્મ-પણાને જ સ્વીકારે છે.એટલા માટે-માત્ર તે બાધિત ભાગને નહિ ત્યજી દેવાને માટે આ મિથ્યાભૂત સંસારમાં "રુચિ" રાખવી નહિ.
જો રુચિ રાખવામાં આવે તો-રુચિથી જીવ બંધાઈ જાય છે.
તમે કે જે મહા-બુદ્ધિમાન છો,તેમણે લીલાથી જ રુચિ-અરુચિ ને ત્યજી દઈને,
જેમ,સૂર્યનો તાપ પતી જતાં,સઘળું ભુવન શીતળ થઇ જાય છે-
તેમ,આ સઘળું જગત,આભાસ-માત્ર જણાતાં પુરુષનું મન શીતળ થઇ જાય છે.
સઘળા પદાર્થોમાં રહેલા -તેના વિશેષ આકારોને ત્યજી દઈને-સતા-સામાન્ય-રૂપનું જ અવલોકન કરો.
હે રામચંદ્રજી,આ જગત આભાસ-માત્ર છતાં,કેવળ ચિત્તે કરેલી,કલ્પનાઓથી કલંકિત થયું છે,
માટે ચિત્તને પણ ત્યજી દો-કે જેથી જગતની પ્રતીતિ થાય જ નહિ.
તમને જયારે,જગતની-જગત-રૂપે-પ્રતીતિ પણ છૂટી જશે,
ત્યારે તમે સર્વદા સર્વ-વ્યાપક,સર્વથી રહિત,અત્યંત નિર્મળ અને ચિદાકાશ-મય થશો.
"હું દેહ નથી અને મારા આ ભોગો સાચા નથી" એવી દૃઢ ભાવના થાય તો-
આ જગત-રૂપી સઘળો વ્યર્થ આડંબર-અનર્થ આપનાર થતો નથી.
અથવા "જે કંઈ છે તે સઘળું ચૈતન્ય છે અને જે ચૈતન્ય છે તે હું છું"એવી ભાવના દૃઢ થાય-
તો પણ આ જગત-રૂપી-મોટો-ખોટો-ભપકો,કંઈ પણ નુકશાન કરતો નથી.
ચૈતન્યમાં-સર્વના બાધનું ચિંતન અને સર્વ ચિદ્રુપ-પણાનું ચિંતન-એ બંને વિચારો સત્ય છે.
અને અત્યંત સિદ્ધિ આપનારા છે-માટે આ બંનેમાંથી જે તમને રમણીય જણાય-તે વિચારનો આશ્રય કરો.
અને રાગ-દ્વેષ નો ક્ષય કરીને આ સંસારમાં વિહાર કરો.
હે રામચંદ્રજી,ત્રણે લોકમાં જે કંઈ-સુખ-આદિ છે-તે,સઘળું રાગ-દ્વેષ દુર કરવાથી મળે છે.
રાગ-દ્વેષથી ખરાબ થયેલી બુદ્ધિ વડે,જે કંઈ કાર્ય કરવામાં આવે-તે વિપરીત ફળ આપનારું જ છે.
જેઓ સમજુ,નિયમોવાળા,ચતુર અને શાસ્ત્રના અભ્યાસી છતાં,જો રાગ-દ્વેષથી ભરેલા હોય તો-
તેમને શિયાળ જેવા જ ગણવા.એવા લોકોને ધિક્કાર છે.
"મારા ધન ને બીજો કોઈ ખાઈ ગયો,અને અમુક પાસથી લેવાનું ધન મેં ગફલતથી છોડી દીધું"
એવા એવા પ્રકારની વ્યવહારની ખટપટો-તથા રાગ-દ્વેષના ક્રમો-અત્યંત તુચ્છ છે.
ધન,બંધુઓ,મિત્રો-વગેરે વારંવાર આવે છે અને જાય છે-માટે વિવેકી પુરુષ એમાં શા માટે રુચિ-અરુચિ રાખે?
પ્રિય વસ્તુઓમાં રુધિ અને અપ્રિય વસ્તુઓમાં અરુચિ-થી ફેલાયેલી
આ પરમેશ્વરની માયા-રૂપ સંસારની રચના,આસક્તિ-વાળાઓને અત્યંત નીચે પાડી નાખે છે.