વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તે ભુશુંડ -બુદ્ધિ વડે જ મોહ-રૂપી સંકટમાં થી બહાર નીકળી ગયો છે.તમે પણ પ્રાણ-ચિંતન ના અભ્યાસથી,એ દ્રષ્ટિનો (બુદ્ધિનો) આશ્રય કરી-સંસાર-રૂપી સાગરને તરી જાઓ.
નિરંતર અભ્યાસથી ઉત્પન્ન થયેલા,જ્ઞાન અને યોગથી,જેમ ભુશુંડ પરમ-પદને પામ્યા છે-
તેમ તમે પણ પરમ-પદને પામો.પ્રાણ-અપાન નું અવલોકન કરનારા અને બુદ્ધિને વિષયોમાં આશક્ત નહિ રાખનારા (આવા વિજ્ઞાન ના વિચિત્ર પ્રકારોથી) સર્વે પુરુષો-ભુશુંડ ની પેઠે,પરમ-તત્વમાં વિશ્રાંતિને પ્રાપ્ત થાય છે.
રામ કહે છે કે-હે મહારાજ,હવે,અમે જાગ્રત થયા છીએ,પ્રસન્ન થયા છીએ,પોતાના સ્થાનમાં પેસી ચુક્યા છીએ અને તમારી જેમ જાણવા યોગ્ય વસ્તુને સંપૂર્ણ-રીતે જાણીને સ્થિર થયા છીએ.
હે મહારાજ,આપે આ ભુશુંડ ના ચરિત્રમાં માંસ-ચામડી-અસ્થિઓથી રચ્યેલું શરીર-રૂપી ઘર કહ્યું-
તે ઘર કોને રચેલું છે?ક્યાંથી ઉઠેલું છે?કેવા પ્રકારની સ્થિતિ પામેલું છે?અને તેમાં કોણ રહે છે?
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્ર,હાડકાં-રૂપી-થાંભલા-વાળું,નવ-દ્વારો-વાળું અને
માંસ તથા રુધીરના લેપ-વાળું,આ શરીર-રૂપી-ઘર કોઈએ પણ કરેલું (રચેલું) નથી
પણ "મિથ્યા આભાસ-માત્ર જ છે" એવી આપણને ખાતરી થયા કરે છે.
જેમ નેત્રના દોષને લીધે-બે ચંદ્ર દેખાય છે એટલે ચંદ્રમાં બે-પણું છે,પણ વાસ્તવિક રીતે ચંદ્ર એક જ છે,
તેમ,જેટલી વાર દેહ દેખાય છે-તેટલીવાર દેહ છે પણ વસ્તુતઃ દેહ મિથ્યા જ છે.
અને મિથ્યા હોવા છતાં ય તે પ્રતીત થતો હોવાથી અનિર્વચનીય (જેનું વર્ણન ના થઇ શકે તેવો) કહેવાય છે.
જેમ,સ્વપ્ન ના સમયમાં સ્વપ્ન છે,પણ બીજા સમયમાં તે મિથ્યા છે,
તેમ,દેહની પ્રતીતિના સમયમાં દેહ છે,પણ આત્મ-દર્શનના સમયમાં તે મિથ્યા છે.
"આ દેહ હું છું"એવી રીતે જેણે દેહ-રૂપ આકાર ગ્રહણ કર્યો છે-એવું મનન જ સંસ્કારની દૃઢતાને લીધે,
દેહ-રૂપે ખડું થાય છે.માટે "એ માંસ-હાડકાં થી ગોઠવાયેલો દેહ હું છું" એવા ભ્રમને ત્યજી દો.
કેમ કે માત્ર સંકલ્પોથી ગોઠવાતા-આવા-આવા-તો હજારો દેહ પ્રાપ્ત થાય છે.
હે રામચંદ્રજી,તમે સુખદાયી શયનમાં સૂતા હોવા છતાં -
સ્વપ્નમાં જે દેહથી અનેક દિશાઓમાં ભમો છો-તે તમારો દેહ ક્યાં રહ્યો છે?
જાગ્રતમાં મનો-રાજ્ય ના સમયમાં-તમે જે જે દેહથી સ્વર્ગ-વગેરેમાં ઘૂમો છો,તે તમારો દેહ ક્યાં રહ્યો છે?
એ સઘળા મનથી કલ્પ્યેલા દેહો જેમ પ્રતીતિ ના સમયમાં છે-પણ બીજા સમયમાં નથી,
તે પ્રમાણે,તમારો મનથી જ કલ્પાયેલો આ દેહ પણ પ્રતીતિના સમયમાં છે-પણ બીજા સમયમાં નથી.