આહાર કરતાં,વિહાર કરતાં,બેસતાં,ઉઠતાં,સૂતાં કે શ્વાસોચ્છવાસ કરતાં પણ "હું દેહ છું" એમ જાણતો નથી.સુષુપ્તની પેઠે રહેલો હું,સંસાર-સંબંધી કર્યો-તે "જાણે ન જ હોય" એમ હું જાણું છું,પોતપોતાના સમય પ્રમાણે પ્રાપ્ત થયેલા અર્થ-અનર્થ ને-હું, શરીરમાં રહેલા બે હાથની સમાન જ ગણું છું,ચલિત થાય નહિ એવી મનની સ્થિર શક્તિથી અને સર્વ પ્રાણીઓને "પોતા-સમાન-જોવા-રૂપ-સ્નેહ-દૃષ્ટિથી"સર્વ સ્થળમાં અને સરળ રીતે જોયા કરું છું,તેથી વિઘ્નરહિત થઈને જીવું છું.
અહંકાર-રૂપી-કાદવને ત્યજી દેવાને લીધે,પગથી તે માથા સુધીના આ દેહમાં મને મમતા નથી.
જો કે શરીરથી કર્તા-ભોક્તા છું-તો પણ-તેમાં અહંતા-મમતાને ત્યજી દેવાથી,મારું મન,અકર્તાપણા અને
અભોકતાપણાને સ્વીકારે છે-તેથી નિશ્ચિત પણે જીવું છું.
હે મહામુનિ,હું જયારે જયારે કંઇક જાણું છું,ત્યારે ત્યારે મારી બુદ્ધિ ઉદ્ધતપણાને પ્રાપ્ત થતી નથી,
હું સમર્થ છતાં પણ કોઈને દબાવતો નથી,કોઈએ મને પરિતાપ કરાવ્યો હોય-તો પણ સહનશીલ થઇ ને
તેના માટે શોક કરતો નથી,અને દરિદ્ર છતાં કંઈ ઈચ્છતો નથી.તેથી વિઘ્નરહિત થઈને જીવું છું.
આ શરીર કે જે ચેતન જેવું ગણાય છે-તેમાં પણ ચિદાત્મા ઉપર જ દૃષ્ટિ રાખું છું,
અને તે ચિદાત્મા,સર્વ પ્રાણીઓમાં સમાન હોવાને લીધે,
હું સર્વ પ્રાણીઓના આત્મા-રૂપ થઈને સર્વ પ્રાણીઓને પોતાના શરીર જેવા જોઉં છું,
હું સમાધિ લઈને આશાઓ-રૂપી-પાશોથી પ્રેરાયેલા ચિત્તની વૃત્તિને અંદર પ્રવેશ કરવા દેતો નથી,
હું બહારના વિષયોમાં સુષુપ્ત જેવો રહીને,જગતને મિથ્યા-ભૂત ધાર્યા કરું છું ને
હૃદયમાં જાગ્રત રહીને આત્માની સત્તાને હસ્તામલક ની જેમ જોયા કરું છું,તેથી ચિરંજીવી છું.
જીર્ણ થયેલા,તૂટેલા,શિથિલ,ક્ષીણ,ક્ષોભ પામેલા,અને ક્ષય પામેલાને પણ,
હું નિર્વિકાર આત્મ-તત્વ માત્ર જ દેખું છું.
લોકોને સુખિયા દેખીને સુખી થાઉં છું,લોકોને દુખિયા જોઇને દુઃખી થાઉં છું,
અને સર્વ નો મિત્ર બનીને રહું છું,તેથી વિઘ્ન-રહિત થઈને જીવું છું.
હું વિપત્તિને સમયે,અચળ-ધૈર્ય-વાળો થઈને રહું છું અને ગમે તેવા ઉદય-અસ્તો થાય પણ
આગ્રહથી રહિત જ છું.હું દેહ નથી,બીજો કોઈ મારો નથી અને હું બીજા કોઈનો નથી,
એવા પ્રકારની ભાવના મને નિરંતર રહ્યા કરે છે,તેથી વિઘ્નરહિત થઈને જીવું છું.
"જગત,આકાશ,દેશ,કાળ અને ક્રિયા પણ હું છું"
એવા પ્રકારની મને સર્વ પદાર્થોમાં પણ આત્મ-પણાની બુદ્ધિ રહે છે,
"ઘડો,વસ્ત્ર,આકાશ,વન અને જે કાંઇ છે તે સઘળું ચૈતન્ય છે"એવા પ્રકારનો મારો ભાવ છે,
તેથી હું વિઘ્નરહિત થઈને જીવું છું.