ચંચળ અને ઇષ્ટ-અનિષ્ટ-રૂપ-વગેરે ગમે તેવી સ્થિતિઓ પ્રાપ્ત થવા છતાં પણ,હું વિક્ષેપ-રહિત જ રહું છું,અંતર્મુખ જ રહું છું,અને સ્વછંદી-પણે પોતામાં જ રહું છું.
કોઈ સમયે સઘળા જગતનો વાયુ રોકાઈ જતાંપણ,અમે ગંગા-આદિ નદીઓના પ્રવાહો અટકી જતાં પણ-આ સમાધિનો ભંગ થયો હોય-તેનું મને સ્મરણ નથી.
હે મહામુનિ,શ્વાસ-ઉચ્છવાસ ની ગતિને અનુસરવાથી,અને પરમાત્મા ના અવલોકનથી-
હું શોક વગરના આદ્ય-પદને પામેલો છું.મહા-પ્રલયથી માંડીને પ્રાણીઓની જે જે ઉથલપાથલ થયા કરે છે-તેઓને ધીરજથી જોયા કરતો હું આજ દિવસ સુધી જીવું છું.હું કદી ભૂત-ભવિષ્યનું ચિંતન કરતો નથી,
પણ મનથી કેવળ વર્તમાન-સ્વ-ભાવ-વાળું અખંડિત સાક્ષી-પણું રાખીને-રહ્યા કરું છું.
આવી પડેલાં જરૂરી કાર્યોમાં પણ કોઈ જાતની ફળની ઈચ્છા નહિ રાખતાં,
નિરાભિમાન-પણાને (હું દેહ નથી-તેવા નિરાભિમાનને) લીધે,કેવળ સુષુપ્ત જેવી બુદ્ધિથી-વર્તુ છું.
ઉદય અને અસ્તોથી ભરેલી તથા અનેક કર્તવ્ય-અકર્તવ્યો વાળી આ સંસારની ચિંતાને-
ત્યાજ્ય ગણીને આત્મામાં જ રહું છું-અને નિર્વિઘ્ન-પણે લાંબા કાળથી જીવ્યા કરું છું.
શ્વાસ-ઉચ્છ્વાસની સંધિમાં સ્પષ્ટ પ્રકાશતા-બ્રહ્મનું જ અનુસંધાન કર્યા કરતો-હું પોતાની મેળે જ પોતામાં
સંતુષ્ટ રહું છું અને વિઘ્ન-રહિત થઈને લાંબા કાળથી જીવ્યા કરું છું.
"આજ મને આ મળ્યું અને હવે પછી ઉત્તમ વસ્તુ મેળવીશ" એવી રીતની ચિંતા મને કદી પણ થતી નથી.
હું પોતાના અથવા પરાયા કોઈ પદાર્થને વખાણતો નથી કે નિંદતો નથી,તેથી લાંબા જીવનને પામ્યો છું.
સર્વદા મારું મન સમતામાં જ રહેનારું હોવાને લીધે-સુખની પ્રાપ્તિમાં રાજી થતું નથી કે દુઃખની પ્રાપ્તિમાં
ખેદ પામતું નથી-સઘળી રીતે પરમ ત્યાગનું અવલંબન કરીને
મેં જીવનના આગ્રહ-વગેરેને છોડી દીધા છે,તેથી હું ચિરંજીવી થયો છું.
હે,મહામુનિ,મારું મન ચપળતાથી રહિત છે,શોક વગરનું જ રહે છે,સ્વસ્થ છે,સમાધિ-વાળું છે,અને શાંત છે-
તેથી જ હું વિઘ્ન રહિત થઈને લાંબા કાળથી જીવું છું.
હું સર્વ સ્થળમાં,કાષ્ઠને,સ્ત્રીને,પર્વતને,ખળને,અગ્નિને,હિમને,અને આકાશને -બ્રહ્મ-રૂપ જ દેખું છું.
"આજ મને શું મળ્યું?અને પાછું સવારે મને શું મળશે?" એવી ચિંતા-રૂપી-જવર મને નથી-
તેથી જ વિઘ્ન રહિત થઈને જીવું છું.
વૃદ્ધાવસ્થા,મરણ અને દુઃખથી હું બીતો નથી અને રાજ્યની પ્રાપ્તિ-જેવાં સુખથી હું રાજી પણ થતો નથી,
આ બંધુ છે-આ શત્રુ છે,આ મારો છે કે આ પારકો છે-એવું હું કંઈ જાણતો નથી -
અને તેથી લાંબો કાળથી વિઘ્ન-રહિત જીવું છું અને મને રોગ-આદિ જેવું નથી.
ચૈતન્ય-કે જે સર્વ--રૂપ છે,સર્વ પદાર્થોના અધિષ્ઠાન-રૂપ છે,આદિ-અંતથી રહિત છે અને
જેમાં દુઃખનું નામ નથી-તે હું છું-એમ હું જાણું છું,તેથી વિઘ્નરહિત થઈને જીવું છું.