ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,સઘળાં જ્ઞાનોમાં,એક "બ્રહ્મ-વિદ્યા" જ અવિનાશી ફળને આપનારી,ભ્રાંતિ વગરની અને ઊંચાઈ વાળી હોવાથી,સઘળા અંશોમાં-શ્રેષ્ઠ છે.
સાક્ષાત્કાર પર્યંત,"આત્મ-વિચાર" જ સઘળાં દુઃખોનો અંત કરનાર છે,અને-
બધી ચિંતાઓમાં -એક "આત્મ-ચિંતા" જ નિષ્કલંક છે,
જ્યાં મન પણ પહોંચતું નથી,એવા મોટા નિરતિશય આનંદના માર્ગમાં (તે આત્મ-ચિંતા) વિચરનારી છે,
સઘળાં દુઃખોનો,ચિંતાનો-અનર્થોનો વિનાશ કરનારી છે.
જેમાં કોઈ સંકલ્પ હોતો નથી-એવી અને શ્રેષ્ઠ કોટિમાં રહેલી,એ આત્મ-ચિંતા,
આપના જેવોથી તો-સહેજે પામી શકાય તેવી છે-પણ-
અમારા જેવાં સામાન્ય બુદ્ધિ-વાળા પ્રાણીઓ,કલ્પનાથી પર એ આત્મ-ચિંતન-રૂપી પદને કેમ પામી શકે?
એટલે-આત્મ-ચિંતનમાં સમાન-પણું ધરાવનારી-
"આત્મ-ચિંતા"ની કેટલીક સખીઓમાંની-એક "પ્રાણ-ચિંતા" નામની સખી (મિત્ર)
કે જે સઘળાં દુઃખોનો નાશ કરનારી છે,સઘળાં સૌભાગ્ય ને વધારનારી છે અને
જીવનના કારણ-રૂપ છે-તેનો મેં આશ્રય કર્યો છે.
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તે પછી,પ્રાણ-ચિંતાનો વિષય મારા જાણવામાં હતો છતાં,પણ કૌતુકને લીધે,
ધીરજથી એ કાક ભુશુંડ ને પૂછ્યું કે-તે પ્રાણ-ચિંતા કેવા પ્રકારની છે-તે મને કહો.
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,તમે સઘળાં વેદાંતોને જાણો છો તથા સઘળા સંશયો ને દુર કરનાર છો,
તે છતાં તમે મને (કાગડાને) પૂછો છે- માટે હું ધારું છું કે-તમે મારી મશ્કરી કરવા પૂછો છો -અથવા તો-
મારી પાસેથી -પ્રાણ-ચિંતા ના વિષય-પરના મારા વિચારો-વિશેષ રીતે જાણવા માગો છો-
તો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપું તો તેમાં મને શું હાનિ છે?
જેથી મને લાંબા કાળ સુધીનું જીવન મળ્યું છે-અને આત્મ-લાભ થયો છે-
એવી પ્રાણ-ચિંતા વિષે હું તમને જણાવું છું તે તમે સાંભળો.
હે મહામુનિ,આ દેહ-રૂપી ઘરને જુઓ કે જે-ઘર વાત-પિત્ત-કફ-રૂપી મોટા થાંભલાઓ વાળું છે,
મુખ-આદિ નવ-દ્વાર-વાળું છે,અહંકાર-રૂપી ગૃહસ્થે ચારે બાજુથી પાળેલું છે,
કાનની બૂટો-રૂપ અગાસીઓ વાળું છે,કેશો-રૂપી છાજ-વાળું છે,નેત્રો-રૂપી મોટા ગોખ-વાળું છે,
અને- જે દેહનો તમે સાક્ષી-રૂપે અનુભવ કરો છો.