(૨૩) મૃત્યુ કોને બાધ કરતુ નથી?
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી મેં,એ કાગડાઓમાં ઉત્તમ ભુશુંડ ને ફરીવાર પૂછ્યું કે-
હે પક્ષીઓના રાજાધિરાજ,જગતના કોશમાં ફર્યા કરતા
ભુશુંડ કહે છે કે-હે મહારાજ,તમે સર્વજ્ઞ હોવાથી સઘળું જાણો છો,છતાં તમને જીજ્ઞાસા હોય તેમ મને પૂછો છો,
મહાત્મા પુરુષો પ્રશ્ન દ્વારા પોતાના દાસની ચાતુરી ને પ્રખ્યાત કરવાને માટે જ દાસના મોઢેથી વાત કરાવે છે,
તો પણ આપે પૂછ્યું એટલે-તેનો હું ઉત્તર આપું છું કેમ કે-
મહાત્માઓની આજ્ઞા માથે ચડાવવી તે જ મહાત્માઓની મુખ્ય સેવા છે.
દોષો-રૂપી-મોતીઓથી પરોવાયેલી વાસના-રૂપી-દોરી,જેના હ્રદયમાં ગૂંથાયેલી હોય નહિ,તેને મૃત્યુ નડતું નથી,ચિંતાઓ જેના દેહને કોતરી નાખે નહિ,અને દેહને તોડી નાખનારા નિશ્વાસો જેને ભેદે નહિ,
તે પુરુષને મૃત્યુ નડતું નથી,
આશાઓ જેના અંતઃકરણમાં દાહ ઉત્પન્ન કરે નહિ-તેને મૃત્યુ નડતું નથી.
રાગ-દ્વેષ-લોભ-ક્રોધ -કામ-વગેરે જેના મનમાં રહે નહિ-તે પુરુષને મૃત્યુ નડતું નથી.
પરમ-પવિત્ર અને નિર્મળ પદમાં જ જેના ચિત્તને શાંતિ મળી હોય-તેને મૃત્યુ નડતું નથી,
શરીરમાં રહેનાર મન-જો તેની ચંચળતા છોડી દે-તો તે મનુષ્યને મૃત્યુ નડતું નથી.
હે મહામુનિ,,ચિત્ત જો સમાધિ-વાળું થયું હોય-તો-
સંસાર-રૂપી વ્યાધિને ઉત્પન્ન કરનારા એ સઘળા મોટા દોષો-તે ચિત્તને જરા પણ ગભરાવી શકતા નથી.
ચિતાઓ અને વ્યાધિઓથી ઉઠતાં અને મોટા મોટા ભ્રમોને ઉત્પન્ન કરનાર -દુઃખો,
સમાધિ-વાળા ચિત્તને લુંટી શકતા નથી.
જે મનુષ્યનું ચિત્ત સમાધિ-વાળું થાય હોય-તે મનુષ્યનો અસ્ત પણ થતો નથી કે ઉદય પણ થતો નથી,
તેને સ્મરણ પણ થતું નથી,કે તેનાથી ભૂલ પણ થતી નથી,તેને માટે નિંદ્રા કે જાગૃતિ નથી.
જેનું ચિત્ત સમાધિ-વાળું થયું હોય-તેને-
હ્રદય-રૂપી આકાશમાં અંધારું કરનારી અને તૃષ્ણા અને
ક્રોધના વિકારોથી ઉત્પન્ન થતી ચિંતાઓ પીડી શકતી નથી.
તે પુરુષ વ્યવહારના સર્વ કાર્યો કરતો હોવા છતાં,પણ કશું આપતો નથી,લેતો નથી,ત્યજતો નથી-કે માંગતો નથી.
તે પુરુષને દુષ્ટ ધન,દુષ્ટ કાર્યો,દુર્ગુણો,દુર્વચનો,કે દુષ્ટ વર્તણુકો-દુઃખ આપી શકતી નથી.
તે પુરુષને પ્રકાશવાળાં અને ગુણોવાળાં સઘળાં સુખો પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે.