Aug 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-584

ભુશુંડ કહે છે કે-હે મહામુનિ,મારે આ પ્રમાણે જ રહેવું અને બીજાઓને બીજા પ્રકારોથી જ રહેવું,
એવો જે -પ્રબળ પ્રારબ્ધને અનુસરનારો- ઈશ્વરનો નિયમ છે-તેનું કોઇથી પણ ઉલ્લંઘન થાય તેમ નથી.જે અવશ્ય થવાનું હોય તેનું માપ કોઈની પણ બુદ્ધિથી કરી શકાતું નથી.
પ્રારબ્ધની ગતિથી જે જેમ થવાનું હોય-તે તેમ જ થાય છે,એવો ઈશ્વરના નિયમનો નિશ્ચય છે."પ્રારબ્ધના મૂળ-રૂપ" મારો જે "સંકલ્પ" છે-તેને લીધે જ પ્રત્યેક કલ્પ-માં -
વારંવાર આ શિખરમાં આ ઝાડ આ રીતે જ પ્રગટ થાય છે.

વસિષ્ઠ કહે છે કે-તમે વિદેહ-મુક્તિ પર્યંત લાંબા આયુષ્ય-વાળા છો,જૂનાં વૃતાંતો કહી સંભળાવવામાં
ઉત્તમ છો,જ્ઞાન-વિજ્ઞાન વાળા છો,ધીર છો અને યોગને લગતી મનની ગતિ-વાળા છો.
તમે અનેક પ્રકારોની ઘણીઘણી સૃષ્ટિઓની ઉથલ-પાથલ જોઈ છે-
માટે હું પૂછું છું કે-આ જગતની રચનામાં તમને કયાં કયાં આશ્ચર્યોનું સ્મરણ છે?

ભુશુંડ કહે છે કે-હે મહામુનિ,નીચેની આ પૃથ્વી,શિલાઓ,વૃક્ષો,પર્વતો અને વનોના સમૂહોથી રહિત હતી,
અને તેમાં પહાડ કે લતાઓ વગેરે પણ ઉત્પન્ન થયા નહોતાં,તેનું મને સ્મરણ છે.
સૂર્ય-ચંદ્ર કે દિવસના પ્રકાશનો વિભાગ પણ થયો નહોતો-તેનું મને સ્મરણ છે.
તો-દૈત્યોનો સંગ્રામ વૃદ્ધિ પામ્યો તે સમયમાં આ પૃથ્વી મધ્યમાં ક્ષીણ થઇ હતી-
અને નાસી જવા લાગેલા લોકોથી ચારે બાજુ વ્યાપ્ત થઇ હતી-તેનું પણ મને સ્મરણ છે.

આ જગત-રૂપી-ઝૂંપડી- એ મેરુ પર્વત સિવાય અનુક્રમે સમુદ્રના જળોથી સઘળા પ્રદેશોમાં ઢંકાઈ ગઈ હતી,
અને તેમાં બ્રહ્મા-વિષ્ણુ-રુદ્ર-એ ત્રણ દેવતાઓ જ અવશેષ રહ્યા હતા તેનું મને સ્મરણ છે.
બીજા બે યુગો સુધી આ પૃથ્વી જંગલના વૃક્ષોથી ચારે બાજુ ઢંકાઈ ગઈ હતી અને
તેમાં બીજા કોઈ પણ પદાર્થ ની રચના થયેલી જોવામાં આવતી નહોતી-તેનું મને સ્મરણ છે.

આ પૃથ્વી,દશ હજાર વર્ષ સુધી,મરણ પામેલા,દૈત્યોના હાડકાંના પહાડોથી ચારે બાજુ અત્યંત વ્યાપ્ત હતી,
તેનું મને સ્મરણ છે.તો જયારે આ પૃથ્વી ક્યારેક અંધકારમય અને વૃક્ષોથી રહિત હતી અને આકાશમાંથી પણ વિમાનોમાં બેસીને ફરનારા સઘળા દેવતાઓ બીકથી છુપાઈ ગયા હતા તેનું પણ મને સ્મરણ છે.
ઉપર કહેલા અને બીજા અનેક વૃતાંતોનું મને સ્મરણ છે,
પણ હવે વધુ લંબાણથી કહેવામાં કંઈ સાર નથી માટે હું હવે સંક્ષિપ્ત માં કહું છું તે તમે સાંભળો.

હે વસિષ્ઠ મુનિ,ભારે ભારે પ્રભાવો-વાળા અસંખ્ય મનુઓ પણ સેંકડો-વાર જતા રહયા
અને યુગોની ચોકડીઓ પણ સેંકડો-વાર વીતી ગઈ,તેનું પણ મને સમરણ છે.
કોઈ સૃષ્ટિ એક જ હતી,શુદ્ધ હતી,અને પુરુષો-દેવો વગેરેથી પણ રહિત હતી,અને સઘળા સૂર્ય-આદિ-
પ્રકાશક પદાર્થોનો સમૂહ પણ સમષ્ટિ-સ્વ-રૂપ હતો-તેનું પણ મને સ્મરણ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE