Aug 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-581

વસિષ્ઠ કહે છે કે-હે કાક-ભુશુંડ,પોતાના પ્રવાહોમાં સૂર્ય-ચંદ્રને પણ તાણી જનારા-પ્રલય-વાયુઓ ભારે વેગથી નિરંતર ચાલ્યા કરતા હોય છે,ત્યારે તમે મૂંઝાતા નથી? પ્રલય કાળમાં ઉદયાચળ-અસ્તાચળના પણ અનેક વનો બાળી નાખનારાં સૂર્યનાં કિરણો,તમારી અત્યંત સમીપમાં હોય ,ત્યારે તમે મૂંઝાતા નથી?
જેનું ઝાકળ (હિમ-શિલાઓ) કુહાડાઓથી પણ માંડ કપાય એવું દૃઢ થતું હશે,એવાં પ્રલય કાળનાં મેઘ-મંડળો નિરંતર આ શિખર પર વિશ્રાંત  થતાં,તેનાથી તમે મૂંઝાતા નથી?અત્યંત ઊંચા સ્થળ પર રહેલું,આ ઊંચું કલ્પવૃક્ષ- પ્રલય-કાળમાં જગતના વિષમ પ્રકારના અનેક ક્ષોભોથી પણ શું ક્ષોભ પામતું નથી?

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,જેમાં સર્વદા અધ્ધર જ રહેવું પડે,અને જે સર્વ-લોકોનાં અપમાનનું -પાત્ર છે-
એવું આ પક્ષીઓનું જીવન સર્વ પ્રાણીઓમાં તુચ્છ છે.અમારી સ્થિતિ,આવાં અધમ પ્રાણીઓના સમુદાયમાં,નિર્જન વનોમાં અને આકાશના ઉજ્જડ માર્ગમાં વિધાતાએ ગોઠવેલી છે.
આવી જાતિમાં જન્મેલો અને વળી લાંબા કાળ સુધી જીવનારો પક્ષી (હું)
તે જો, આશાઓ-રૂપી પાશોથી,બંધાયેલો હોય તો તે શોક વગરનો કેમ જ રહે?

પણ અમે (હું) તો સર્વદા આત્મજ્ઞાન-રૂપ સંતોષમાં જ રહેલા છીએ અને આશા-રૂપી પાશોથી બંધાયા નથી,
તેથી અમે પોતાના સ્વ-રૂપ-ના બોધથી સંતુષ્ટ રહીએ છીએ.
કોઈ પ્રકારે પર-પીડાન વગેરે દુષ્ટ-કૃત્યો કરતા નથી અને પોતાના માળા માં જ કાળ વ્યતીત કરીએ છીએ.
અમે જીવવાની -કે કોઈ પ્રકારની આ લોક સંબંધી કે પરલોક સંબંધી-ક્રિયા કરવાને પણ ઈચ્છતા નથી,
પરંતુ નિત્ય-સિદ્ધ-નિરતિશય-આત્મ-સ્વ-ભાવ થી જ રહીએ છીએ.અને હવે પછી પણ એમ જ રહીશું.

આ જગતના લોકોની જન્મ-મરણ-આદિ સઘળી અનર્થ-રૂપ દશાઓ મારા,જોવામાં આવેલી છે
ને બીજા પણ ઘણા ઘણા દાખલાઓ જોવામાં આવેલા છે,
તેથી મારું આ વિનાશી શરીર જાણે મનથી રહિત થઇ ગયું છે.
નિરંતર સ્વાભાવિક પ્રકાશ-વાળા અને કદી પણ જેમાં ક્ષોભ થતો નથી,
એવા કલ્પ-વૃક્ષની ઉપર બેઠેલો હું સર્વદા કાળના-યુગના-આદિ વિભાગોની ગતિ હું જાણું છું.

રત્ન-મય ગુચ્છોના ભારે પ્રકાશ-વાળા આ કલ્પ-વૃક્ષના લતામય ઘરમાં-
જો કે-રાત્રિ-દિવસના વિભાગો જણાય તેમ નથી
પણ શ્વાસ-ઉચ્છવાસ ના પ્રવાહ પરથી કલ્પ-ની સ્થિતિને પણ હું બરાબર જાણું છું.
અને આ રીતે ઊંચા પર્વત પર રહેવા છતાં હું પોતાની બુદ્ધિથી કાળની ગતિને હું જાણું છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE