અને અમે પણ પિતાના ચરણોમાં પ્રણામ કરીને,અમે પ્રથમ સ્વર્ગ-લોક અને પછી બ્રહ્મલોકમાં ગયા- ત્યાં જઈને અમારી જનનીને અને ભગવતી બ્રહ્માણી દેવીને અમે પ્રણામ કર્યા અને અમે પિતાએ જણાવેલી વિગત કહી સંભળાવી.
તેઓએ પણ અમને સ્નેહ-પૂર્વક આલિંગન અપાઈ અને આશીર્વાદ આપ્યા-
પછી "ભલે જાઓ" એમ આજ્ઞા આપી.ત્યારે અમે પણ તેમને પણ પ્રણામ કરી,
હે વસિષ્ઠમુનિ,અમે જે રીતે ઉત્પન્ન થયા,જે રીતે મારા સ્થાનમાં રહ્યા,અને જે રીતે અમે યથાર્થ બોધને પ્રાપ્ત થઈને,ઉપશાંત બુધ્ધિઓવાળા થયા,એ સઘળું વૃતાંત,મેં અનુક્રમથી આપને કહી સંભળાવ્યું,
હવે બીજું કંઈ કહેવાનું રહ્યું હોય-તો તે કહેવાની આપ આજ્ઞા આપો.
(૨૦) ભુશુંડનું ચિત્ત સુખ-દુઃખમાં સમાન રહે છે-તેનું વર્ણન
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,જે કલ્પમાં અમારો જન્મ થયો-તે કલ્પમાં,
તે વખત ના જગતના જે કોઈ પદાર્થ,લાંબા કાળ સુધી રહ્યા હતા,
તે પદાર્થો આ કલ્પ-ના,હાલ ના જગતના પદાર્થોના જેવી જ રચના-વાળા હતા,
તેથી તે (અમારા જન્મ વખત ના કલ્પ-ના જગતના) પદાર્થો અત્યાર સુધી,મારી દૃષ્ટિથી દુર ગયા નથી,
અને તેને લીધે આ કલ્પ-ના,આ કલ્પ-વૃક્ષો આદિ પદાર્થોને હું એના એ જ કહું છું.
આમ હોવાને લીધે,ભ્રાંતિના અભ્યાસથી,
મેં પૂર્વના જગતને પણ વર્તમાનકાળના જગતની સાથે,એક ગણીને વર્ણવ્યું છે.
હે મહામુનિ,લાંબા સમયથી સંપાદન કરેલા,મારા પુણ્યોએ મને આજ નિર્વિઘ્ન ફળ આપ્યુ છે-
કે-જેને લીધે મને આપનાં દર્શન ની પ્રાપ્તિ થઇ.
હું કે જે એક પક્ષી છું,તેણે આપેલા આ અર્ઘ્યનું અને પાદ્યનું આપ ગ્રહણ કરો અને,
આપના (કોઈ બીજા) પ્રશ્નો અને તેના ઉત્તરો આપવાની મને આજ્ઞા આપો.
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી મેં તેના અર્ઘ્ય અને પાદ્ય ગ્રહણ કરીને તેને પૂછ્યું કે-
હે તીવ્ર બુદ્ધિવાળા અને તેવા પૂર્ણબોધ વાળા-કાક ભુશુંડ,
તમારા ભાઈઓ અહી દેખાતા નથી અને તમે એકલા જ દેખાઓ છો,તેનું કારણ શું છે?
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,અમને અહી રહેતાં ઘણો સમય વીતી ગયો છે,અને યુગો ની પંક્તિઓ ની પંક્તિઓ પણ વહી ગઈ છે.એટલા કાળથી મારા સઘળા નાના ભાઈઓ-
પોતાના શરીરોને તરણાં ની જેમ ત્યજીને વિદેમુક્ત થઇ ગયા છે.
લાંબા આયુષ્ય-વાળા હોય,મોટા હોય,બળવાન હોય અને સજ્જનો હોય તો પણ,
તે સર્વને જેનું રૂપ સ્પષ્ટ રીતે દેખાતું નથી-તેવો-"કાળ" (સમય) ગળી જાય છે.