Aug 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-578

હે વસિષ્ઠ મુનિ,એ મોટી શક્તિ-વાળી,આઠ માતૃકોમાં,અલમ્બુષા નામની જે સાતમી માતૃકા છે-
તેનું વાહન-એ-વજ્રના ખીલા જેવી ચોંચ વાળો,પહાડ જેવો ઉંચો "ચંડ" નામનો કાગડો છે.

આ સિદ્ધિઓવાળી અને ભયંકર ચેષ્ટા-વાળી એ સઘળી દેવીઓ (માતૃકાઓ) કોઈ એક સમયે,વિહાર કરવાના હેતુથી,આકાશમાં ભેગી થઇ હતી.ત્યાં તેઓએ વામમાર્ગને અનુસરીને તુંબુરૂ નામના રુદ્રનું આવાહન કરીને-(ચિત્તની એકાગ્રતા દ્વારા સમાધિમાં વાસ્તવિક આત્મ-તત્વનો પ્રકાશ થાય છે-એવા) પ્રકાશ માટે,મદિરા પીવાનો મોટો ઉત્સવ કર્યો.

તુંબરૂ નામના રુદ્ર અને ભૈરવનું પૂજન કર્યા પછી મદિરાના મદથી સંતોષ પામેલી-
એ જોગણીઓ,પરસ્પરની સાથે વિચિત્ર વિષયો-વાળી વાતો કરવા લાગી.
તેઓમાં એવી વાત નીકળી કે-પાર્વતીના પતિ,સદાશિવ આપણી સામે અનાદર દૃષ્ટિથી જુએ છે,
માટે સદાશિવને આપણે એવો પ્રભાવ દેખાડવો કે-જેથી આપણને પ્રબળ શક્તિ-વાળી ગણીને ફરી
કદી પણ આપણું અપમાન કરે નહિ.

આ પ્રમાણે નિશ્ચય કરી-એ દેવીઓએ પોતાની "માયા-શક્તિ" ના બળથી,
સદાશિવના અંગમાંથી -પાર્વતી (શક્તિ)નું હરણ કર્યું.
એ પાર્વતીને સદાશિવ ઓળખી ના શકે-એટલા માટે -
તેમના મુખનો તથા અંગનો વર્ણ બગાડી નાખીને-પૂરી કાળજીથી,
જેમ,યજ્ઞમાં મારવાને માટે પશુનું પ્રોક્ષણ (મંત્રેલા જળથી સિંચન) કરવામાં આવે છે-
તેમ,તે દેવીઓએ પાર્વતીનું પ્રોક્ષણ કર્યું,અને પછી તે પાર્વતીને ભક્ષ્ય બનાવી દીધાં.
અને તે જોગણીઓએ વિચિત્ર રીતે માંસ-રુધિર-મધ્ય પીને ત્રૈલોક્ય ને આચાર-ભ્રષ્ટ કરવા લાગી.

(૧૯) ભુશુંડ ના જન્મ અને સ્થાન ની કથા

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,એ પ્રમાણે માતૃકાઓ આનંદ કરતી હતી -
ત્યારે,તેમનાં વાહનો પણ મત્ત થઈને,હસવા,નાચવા અને મદ્ય તથા લોહીનું પાન કરવા લાગ્યા.
એ ઉત્સવ માં બ્રહ્માણીના વાહનની કેટલીક હંસીઓ અને અલંબુષાના રથનું વાહન ચંડ નામનો કાગડો પણ,
હતા,મદ્યપાન થી ઉન્મત થયેલી સાત હંસીઓએ અનુક્રમે તે કાગડા સાથે રમણ કર્યું.

નાચ કરી રહેલી તે મોટી કાયાઓ વાળી માતૃકાઓ,તે ઉત્સવ પત્યા પછી,શાંત દેખાવ કરીને,
સદાશિવ પાસે આવી અને તેમના ભોજન ના પાત્રમાં,તેમની પ્રિય પત્ની પાર્વતી નું માંસ પીરસી દીધું.
સદાશિવને જયારે આ વાત જાણવામાં આવી ત્યારે તેમને માતૃકાઓ પર અત્યંત ક્રોધ થયો.
એટલે માતૃકાઓએ પોતપોતાનાં અંગો કાપીને ફરીવાર પાર્વતી ઉત્પન્ન કરી દીધી અને તે પાર્વતીની સાથે
સદાશિવ નો વિવાહ કરી દીધો.તે પછી તે સર્વ માતૃકાઓ પોતપોતાની સ્થાને પાછી ગઈ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE