અને તેણે તરત જ પોતાના સંકલ્પ-માત્રથી ઉત્પન્ન થયેલા બે હાથ વડે,મને પુષ્પાંજલિ આપી,અને કોઈ નોકરને આજ્ઞા નહિ કરતાં,જાતે જ,ઉઠીને કલ્પવૃક્ષનાં પાંદડાં લાવી અને "આ આસન" એમ બોલીને મને આસન આપ્યું.કે જે મેં ગ્રહણ કર્યું,પછી સર્વ કાગડાઓની સભાએ પણ આસન લીધું.પ્રસન્ન થયેલા મનવાળા એ મહા-તેજસ્વી ભુશુંડે,મારું પૂજન-અર્ચન કર્યા પછી-મધુર વચને પૂછ્યું-
ભુશુંડ કહે છે કે-અહો,આપે લાંબા કાળે અમારા પર કૃપા કરી,આપનાં દર્શનથી અમે પાવન થયા છીએ.
હે મુનિ,આપ કે જે સઘળા પૂજયોમાં મુખ્ય છો-તે મારાં લાંબા કાળના પુણ્યોના સમુહથી પ્રેરાઈને,
હમણાં ક્યાંથી પધારો છો?
આ મહામોહ-રૂપી જગતમાં લાંબા કાળથી વિહાર કરતા હોવા છતાં,આપના ચિત્તમાં સમતા તો અખંડિત
રહી છે ને? આપ શરીરને કષ્ટ આપીને અહી શા માટે પધાર્યા છો?
અમે આપનાં વચનો સંભાળવા આતુર છીએ.માટે અમને આપે આજ્ઞા કરવી જોઈએ.
હે મહામુનિ,હું આપના ચરણનાં દર્શન ના પ્રભાવથી,આપના અહીં પધારવાનું સઘળું કારણ જાણી ચૂક્યો છું,
આપે અહી પધારી અમને પુણ્યવાન કર્યા છે.
જગતના ચિરંજીવીઓની ચર્ચા ચાલી હતી-તેથી અમે આપના સ્મરણમાં આવ્યા છીએ.અને તેથીજ,
આપે આપના ચરણ-કમળથી આ અમારા નિવાસને પવિત્ર કર્યો છે.
તો પણ (છતાં) હું પૂછું છું,તેનું કારણ એ છે કે-મને આપનાં વચનામૃતોનો સ્વાદ લેવાની આતુરતા વધી છે.
વસિષ્ઠ કહે છે કે-હે રામ, ત્રણે કાળના નિર્મળ જ્ઞાનવાળા એ ચિરંજીવી -ભુશુંડે,એ પ્રમાણે કહ્યું-
એટલે,મેં તેને કહ્યું કે-
હે પક્ષીઓના મહારાજ,તમે જે કહ્યું તે સાચું કહ્યું છે,હું લાંબા કાળ સુધી જીવનારા તમને જોવા માટે જ -
આજે અહી આવેલો છું.તમે અત્યંત શીતળ અંતઃકરણ વાળા છે,કુશળ છો,અને આત્મ-જ્ઞાની હોવાને લીધે,
આ ભયાનક સંસાર-રૂપી જાળમાં પડ્યા નથી-એ સારું છે.
પણ હવે,હે મહારાજ,,તમે મારા મનમાં ઉભા થયેલા સંશયને કાપો.
આપ કયા કુળમાં ઉત્પન્ન થયા છે? શી રીતે સંપૂર્ણ બ્રહ્મ-વિદ્યાને પ્રાપ્ત થયા છે? આપનું આયુષ્ય કેટલું છે?
બની ગયેલા કયા વૃતાંતો નું આપણે સ્મરણ છે? અને આપે કોના કહેવાથી અહી નિવાસ કર્યો છે?
ભુશુંડ કહે છે કે-હે મુનિ,આપ જે કંઈ પૂછો છો-તેના ઉત્તરો હું આપું છું,આપ ઉતાવળને છોડી દઈને સાવધાનપણાથી મારી વાત સાંભળો.આપના જેવા ઉદાર બુદ્ધિવાળા મહાત્માઓ જે વાતને સાંભળે,
તે વાત કહેવાથી,સઘળું અશુભ નષ્ટ થાય છે.