ચંદ્રની કળાઓના ટુકડાઓ જેવા બ્રહ્માના વાહન-રૂપ કેટલાએક હંસો જોવામાં આવ્યા.હંસોનાં બચ્ચાં કે જેઓ સામવેદ નું રટણ કરતાં હતાં અને ગુરુમુખથી બ્રહ્મ-વિદ્યાનો અભ્યાસ કરતાં હતાં, તે પણ જોવામાં આવ્યાં.અગ્નિના વાહન-રૂપ પોપટો કે જે મંત્રોના સમૂહનું ઉચ્ચારણ કરતા હતા,અને મનોહર હોવાને લીધે દેવતાઓની દ્રષ્ટિનું આકર્ષણ કરતા હતા.
કાર્તિકેય ના વાહન-રૂપ,મોર કે જે ઉત્તમ પીંછા-વાળા હતા,તે કાર્તિકેયે ઉપદેશ કરેલા સઘળા શિવ-શાસ્ત્રમાં
પ્રવીણ હોય તેવા દેખાતા હતા,અને તેમના પીંછાઓના સમૂહનું પાર્વતીજી રક્ષણ કરતા હતાં.
બ્રહ્માંડના સઘળાં પક્ષીઓ ત્યાં એકઠાં થયેલ હોય તેમ જણાતું હતું.
પછી અત્યંત દુર પ્રદેશમાં રહેલી એ વૃક્ષની એક દક્ષિણ તરફની મોટી શાખા ઉપર મેં દૃષ્ટિ કરી,
ત્યારે લોકાલોક નામના પર્વતના ઉપર શરીરે કાળા એવા કાગડાઓનું મંડળ જોવામાં આવ્યું.
ત્યાં કાગડાઓની સભા મધ્યમાં -જાણે કાળા કાચના ટુકડાઓમાં મોટો ઇન્દ્રનીલ મણિ શોભતો હોય,
તેવો શોભતો,ઊંચા શરીરવાળો,શાંતિથી ભરપૂર મનવાળો,માન આપવા યોગ્ય સમતાવાળો,
અંગોમાં સુંદરતા વાળો,પ્રાણના ચલણના નિરોધથી સર્વદા અંતર્મુખ રહેનારો,સુખી,ચિરંજીવી,
અને કલ્પોના અનેક ઉત્પત્તિ-નાશોને જોવાના અનુભવ પામેલા મનવાળો-
ભુશુંડ-એ નામથી ખ્યાતિ પામેલો કાગડો ત્યાં -મારા જોવામાં આવ્યો.
એ કાગડો,પ્રત્યેક કલ્પોમાં -રુદ્ર તથા અગ્નિ-આદિ-લોક્પાલોના જન્મોની પરંપરા ગણીને થાકી ગયો હતો,
થઇ ગયેલ દેવતાઓનાં-દૈત્યોનાં અને રાજાઓનાં નામ જાણતો હતો.
તે પ્રસન્ન અને ગંભીર મનવાળો હતો,ચતુર હતો,સ્નેહથી ભરેલી અને મધુર વાણીવાળો હતો,
ઝીણા વિષયોને પણ સરળતાથી સમજાવનારો હતો,સઘળા શાસ્ત્રીય વિષયોને જાણનાર હતો,
મમતા અને અહંતાથી રહિત હતો,મૃત્યુને પણ પુત્રની જેમ પ્યારો હતો,
તે બ્રહ્મ-રૂપ હોવાને લીધે,સર્વદા સર્વ પ્રાણીઓને બંધુ અને મિત્ર સમાન માનતો હતો,
બુદ્ધિથી તે બૃહસ્પતિનો પણ ગુરુ થાય એવો હતો,અસંગ-પણાથી વ્યવહાર કરનાર હોવાને લીધે,
જીવનમુક્ત હતો,અને સૌમ્ય,પ્રસન્ન,મધુર મનવાળો,પ્યારો લાગે તેવો,અંદર અખંડ શીતળતાવાળો,
મનને પોતામાં જ રાખનારો,સ્વચ્છ,ગંભીરતાને નહિ ત્યજનારો,સ્પષ્ટ જણાતા આશયવાળો,
અને વિશાળ આશયવાળો-હોવાને લીધે,સરોવરની પેઠે શોભતો હતો.
(૧૬) ભુશુંડે વસિષ્ઠ મુનિનો કરેલ સત્કાર
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી,હું તે કાગડાઓની સભા ક્ષુબ્ધ થાય એ રીતે -તે ભુશુંડ ની નજીક
આકાશમાંથી,ઉતર્યો.હું અચાનક રીતે જ ગયો-તો પણ મને દેખતાં જ ભુશુંડ જાણી ગયો કે-
"આ વસિષ્ઠ મુનિ આવ્યા છે"