Aug 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-571

ચિદાત્મા કે જે ત્રૈલોક્ય માં રહેલાં શરીરો-રૂપી મોતીઓમાં ગૂંથાઈને ફેલાયેલા,તંતુ-રૂપ છે,
અને જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિને કરનાર છે -તેને હું પામ્યો છું.
ચિદાત્મા-કે જે પોતે જ -ઘેરેલાં જગતો-રૂપ-પક્ષીઓને,પોતાની અંદર લઈને-
વિચિત્રતા-વાળી મોટી જાળની પેઠે-છુપાઈને રહેલ છે-તેને હું પામ્યો છું.

ચિદાત્મા-કે જેમાં સઘળું જગત છે પણ ખરું અને  જગત જરા પણ નથી-ખરું,
જે સૃષ્ટિમાં સર્વને સત્તા આપનાર હોવાથી "સદ-રૂપ" છે,
અને પ્રલયમાં સર્વનું અસત-પણું કરનાર હોવાથી "અસદ-રૂપ" છે-અને એક જ છે-તેને હું પામ્યો છું.
ચિદાત્મા કે જે -એક ચૈતન્ય-રસ-રૂપ છે,પૂર્ણ છે.સઘળા આનંદોનું સ્થાન છે-અને-
સઘળા આકારોમાં તથા વિહારોમાં રહેલ છે-તેને હું પામ્યો છું.

શબ્દ-સ્પર્શ-રૂપ-રસ તથા ગંધ-ઇત્યાદિ-રૂપે પ્રગટ થયેલા -પણ વાસ્તવિક રીતે જોતાં-
તેઓના સંબંધથી રહિત રહેનારા શાંત ચિદાત્માનું હું અનુસંધાન કરું છું.
ચિદાત્મા કે જે આકાશના કોશની જેમ નિર્લેપ હોવા છતાં આકાશ નથી-તેને હું પામ્યો છું.
"આ સઘળું જગત હું છું અને સઘળું જગત મારું જ છે-
અપવાદની દૃષ્ટિથી હું અહંકાર પણ નથી અને અન્ય-રૂપ તો હું નથી જ" એવી રીતે હું પાકું સમજ્યો છું.
માટે જગત માયામય હોય તો પણ ભલે અને આત્મ-રૂપે સત્ય હોય તો પણ ભલે-
હું તો સઘળા સંતાપોથી મુક્ત છું.

(૧૨) જીવન્મુકતોના વ્યવહારનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-આવી રીતના નિશ્ચય-વાળા અને તેને લીધે સત્યતાને પામેલા-
એ -નિષ્પાપ જનકરાજા-આદિ મહાત્મા લોકો,શાંત અને સમતાવાળા સત્પદમાં સુખથી રહેલા છે.
આવી રીતના નિશ્ચયથી,પૂર્ણ બુદ્ધિવાળા અને રાગથી રહિત તથા સમ-ચિત્તવાળા -
એ જીવનમુક્ત લોકો જીવન ને કે મરણને નિંદતા  નથી અને તેની પ્રશંસા પણ કરતા નથી.

હે રામ,એ લોકો કર્તા-પણાનો આગ્રહ ન રાખતાં ભોગોને ભોગવતા હતા,
અને સારાં ફળો મેળવવાની કે નરસાં ફળ ટાળવાની ઈચ્છા કરતા ન હતા.
એ લોકો ધારેલાં કાર્ય સિદ્ધ થતાં ફૂલી જતા નહોતા,શત્રુઓનાં દબાણો આવી પડતાં ખિન્ન થતા નહોતા,
સુખોની પ્રાપ્તિ થતાં રાજી થતા નહોતા અને સંકટોની પ્રાપ્તિ થતાં ગ્લાનિ પામતા નહોતા.

એ લોકો કષ્ટોમાં મૂંઝાઈ જતા નહોતા,વિપત્તિઓ]ના દબાણોથી શોકમાં ડૂબી જતા નહોતા,
શુભ ફળોની પ્રાપ્તિમાં રાજી થતા નહોતા,અને શોકમાં રોતા પણ નહોતા.
પોતાના વ્યવહારને ચલાવવા,જે કંઈ કામ કરવાનું પ્રાપ્ત થાય,તે કામને આગ્રહ વિના કરતા હતા.
અને જાણે બીજો મેરુ-પર્વત હોય-તેમ કોઈ જાતના વેગમાં નહિ આવતાં-સ્થિર રહેતા હતા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE