એટલે અવિદ્યા કે માયા નું મિથ્યા-પણું-એ અવિદ્યા-કે માયા-એ નામને લીધે જ જણાઈ રહે છે.
જેમ,જીભ ઉપર આવેલા પદાર્થ નો સ્વાદ જીભથી જ જણાય છે-
તેમ માયા-અવિદ્યા નું મિથ્યા-પણું,તેઓના નામો પરથી જ જણાય છે.
આમ,અવિદ્યા ક્યાંય છે જ નહિ,પણ તે અખંડિત બ્રહ્મ જ છે-કે જે બ્રહ્મથી,અનંત-સારી-નરસી-કલ્પનાઓ-વાળું,સઘળું જગત વ્યાપ્ત છે." આ જગત બ્રહ્મ નથી" એવો નિશ્ચય -એ જ અવિદ્યા (માયા) નું સ્વરૂપ છે.અને-"જે જગત છે તે બ્રહ્મ છે" એવો નિશ્ચય -તે જ અવિદ્યા (માયા) નો ક્ષય છે.
(૧૧) જીવનમુકતો ની સ્થિતિનું સામાન્ય વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,હું વારંવાર એ (તત્વ) નો ઉપદેશ કરું છું-તે તમારા બોધની દૃઢતા માટે કરું છું,
કેમ કે વારંવારના અભ્યાસ વિના આત્મ-સ્વ-રૂપ ની ભાવના ખીલતી નથી.
અજ્ઞાન કે જેનું બીજું નામ અવિદ્યા છે-તે અજ્ઞાન બલવત્તર છે,અને હજારો જન્મોથી ઉઠેલું હોવાને લીધે બહુ જ ઘાટું થઇ ગયું છે,માટે તેનો નાશ એક વારના ઉપદેશથી થઇ શકે નહિ.
(નોંધ-અહીં એકનું એક જ્ઞાન વારંવાર કેમ કહ્યું છે-તેનો ઉત્તર નોંધનીય છે)
દેહની સ્થિતિની દશામાં -બહારના તથા અંદરના પદાર્થો સહિત અજ્ઞાન,
સઘળી ઇન્દ્રિયોથી અનુભવવામાં આવે છે,
અને દેહની મરણની દશામાં સાક્ષીથી અનુભવાય છે.માટે તે (અજ્ઞાન) અત્યંત પ્રબળતાને પામેલું છે.
જયારે-આત્મ-જ્ઞાન તો કોઈ પણ ઇન્દ્રિયોના વિષય-રૂપ નથી અને મન તથા પાંચે જ્ઞાનેન્દ્રિયો થી પર થવાય -
ત્યારે જ -આત્મ-તત્વ નો અનુભવ થાય છે-માટે તે (આત્મ-જ્ઞાન) અતિ દુર્લભ છે.
ઇન્દ્રિયોની વૃત્તિ-મર્યાદાથી પર હોવાને લીધે-આત્મા-તત્વ-એ "પ્રત્યક્ષ પ્રમાણ" થી સમજી શકાય તેમ નથી.
માટે તે જીવથી અનુભવાતું નથી.
હે રામચંદ્રજી,તમે હૃદય-રૂપી ઝાડમાં ઉગેલી આ અવિદ્યા-રૂપી-લતાને,જ્ઞાનના અભ્યાસ-રૂપ-ખડગથી,
કાપી નાખો-કે જેનાથી સ્વ-રૂપની પ્રાપ્તિ થાય.
અને,જે કંઈ જાણવાનું છે તે જાણી ચૂકેલો જનકરાજા જે રીતે વિહાર કરે છે-
તે રીતે-તમે પણ આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર રહીને,વિહાર કરો.
વ્યવહારમાં અને સમાધિમાં -પણ-આત્મતત્વ માં લીન રહીને વિહાર કર્યા કરતા એ જનકરાજાને-
જાગ્રત-આદિ-સઘળી અવસ્થાઓમાં બ્રહ્મ-તત્વ નો પાકો નિશ્ચય થઇ ગયેલો છે.