Jul 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-566

હે રામચંદ્રજી,જેમ બીજમાં અંકુર રહે છે-તેમ સ્થાવરોની અંદર પોતપોતાની વાસના રહેલી હોય છે.
એટલે-જેમાં બીજ જેવી પણ વાસના રહે છે-એવી ગાઢ નિંદ્રા જેવી સ્થિતિ-કદી મોક્ષ આપનાર થતી નથી.
જે સ્થિતિમાં-જ્ઞાન-રૂપ અગ્નિથી શક્તિ-વાળી વાસના બળી ગયેલી હોય છે-ત્તે જ જીવનમુક્તિ કહેવાય છે.અને સત્તા-સામાન્ય-રૂપે રહેલો તેવો પુરુષ,
જીવતાં કે મરી ગયા પછી -પણ દુઃખ ભોગવતો નથી.

સ્થાવર આદિ-પદાર્થોમાં ચૈતન્ય નું અત્યંત આવરણ કરનારી અને સુષુપ્તિના જેવી વાસના,બીજ-રૂપે રહેલી છે,તે વાસના પથ્થર વગેરેમાં જડપણા-કઠણ-પણા-રૂપે રહેલી છે,
ભસ્મમાં,તે કાષ્ઠ વગેરેના નાશ-રૂપે રહેલી છે,ધૂળમાં અણુ-રૂપે રહેલી છે,
શ્યામ પદાર્થોમાં તે શ્યામપણા-રૂપે રહેલી છે અને ખડગોમાં,તીક્ષ્ણ ધાર-રૂપે રહેલી છે.

ચૈતન્ય શક્તિ તો ઘટ-પટ -આદિ સર્વ પદાર્થોમાં સત્તા સામાન્ય-રૂપે રહેલી છે,
કે જેથી-વાસનાની સત્તા -પણ -તેનો બહુ વિચાર કરતાં પણ જુદી પાડી શકાતી નથી.
મેં સારી રીતે વિચારેલું આ ચૈતન્ય-શક્તિ નું સ્વરૂપ તમને કહ્યું કે જે-સ્વરૂપ સર્વથી રહિત હોવા છતાં સર્વમાં વ્યાપક છે અને સત્ય હોવા છતાં મિથ્યાભૂત માયાના વિકારોના સ્વરૂપને પામેલા જેવું છે.
આ ચૈતન્ય "શક્તિ" -તે- ના- જોવામાં આવી હોય ત્યાં સુધી સંસાર-રૂપી ભ્રમ રહ્યા કરે છે.
અને જોવામાં આવે તો તરત જ સઘળાં દુખોનો નાશ કરે છે.

આ "ચૈતન્ય-શક્તિ" નું અથવા આત્માનું અદર્શન છે-તેને જ પંડિતો અવિદ્યા કહે છે.
અવિદ્યા જ જગતના કારણ-રૂપ છે,એટલે કે તે અવિદ્યા થી જ સઘળું થાય છે.
આ અવિદ્યા કે જે વાસ્તવિક રીતે જોતાં-સ્વરૂપ વગરની જ છે-અને તેનું જો અવલોકન કરવામાં આવે-
(તેનું વિચારથી અવલોકન કરવામાં આવે) તો-તે તરત જ પીગળી જાય છે.(નાશ પામે છે)

જેમ,નિંદ્રામાંથી જાગતો મનુષ્ય,પોતાના અંતઃકરણમાં ભૂતકાળનો વિચાર કરે છે-
એટલામાં જ તેની નિંદ્રા તરત જ દુર થાય છે-અને
જેમ,રજ્જુ-સર્પાદિકમાં "આ સત્ય છે કે મિથ્યા છે" એમ વિચારમાં લેવામાં આવે-તો તરત તે (ભ્રાંતિ) દુર થાય છે,તેમ,અવિદ્યા પર પણ જરાક વિચાર કરવામાં આવે તેટલામાં જ તે ક્ષીણ થઇ જાય છે.
અને પછી કેવળ આત્મ-પ્રકાશ જ ઉદય પામે છે.

જો અંધકારને વસ્તુ-રૂપ માનતા હો-તો-પ્રકાશ આવવાથી તેનો નાશ થતો નથી પણ અદૃશ્ય થાય છે તેમ માનો.જયારે અવિદ્યાનું તો અવસ્તુ-પણું સિદ્ધ જ છે-માટે વિચાર પ્રાપ્ત થયાથી તેનો બાધ જ થાય છે-એમ માનવું.રુધિર-માંસ-અસ્થિઓના બનેલા આ યંત્ર-રૂપ દેહમાં "હું કોણ છું?" એવી રીતે પોતાથી વિચાર કરવામાં આવે,કે તરત જ અવિદ્યા-સહિત સઘળું જગત બાધિત થઇ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE