Jul 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-563

જેમ,પાણીમાંથી પરપોટો ઉદય પામે છે,તેમ શુદ્ધ સત્વ-રૂપ-બ્રહ્માદિકમાંથી એ સૃષ્ટિ ઉદય પામે છે,અને,
જેમ, પરપોટો પાછો પાણીમાં જ લીન થાય છે,તેમ પ્રલયના સમયમાં સૃષ્ટિ પછી બ્રહ્માદિકમાં જ લીન થાય છે.
જેમ વાસ્તવિક રીતે જોતાં,જળ અને તરંગ એક જ છે,તેમ જ્ઞાન અને અજ્ઞાન એક જ છે.
બ્રહ્મમાં વિદ્યાપણું કે અવિદ્યાપણું કંઈ પણ નથી,કેમ કે -તે નામે "માયા" (અવિદ્યા) ની જ વૃત્તિઓ છે.

વિદ્યાથી નાશ પામતાં અવિદ્યા મિથ્યા ઠરે છે અને અવિદ્યાનો બાધ કરનારી વિદ્યા પણ મિથ્યા ઠરે છે,
કેમ કે "બાધ્ય" (અવિદ્યા) હોય તો જ "બાધક" (વિદ્યા) હોવાનો સંભવ છે.
આમ હોવાને લીધે વિદ્યાની અને અવિદ્યાની દ્રષ્ટિને ત્યજી દેતા-જે બાકી રહે છે તે-તે (ચૈતન્ય) જ છે.
હે રામચંદ્રજી,વિદ્યા કે અવિદ્યા કંઈ નથી માટે અવશેષ રહેલા ચૈતન્ય-માત્રમાં જ દૃઢ નિષ્ઠા રાખો.

વિદ્યા કે અવિદ્યાની કલ્પના રાખવી તે નકામી જ છે,કેમ કે-જેમાં પોતાથી જુદી કોઈ વસ્તુ નથી,
એવો કોઈ પદાર્થ છે-જ-અને જે ચૈતન્ય કે જ્ઞાન -એ નામે કહેવાય છે.
એ પદાર્થ (ચૈતન્ય) જ્યાં સુધી જાણવામાં ના આવ્યો હોય ત્યાં સુધી તે જ અવિદ્યા કહેવાય છે અને
તે (ચૈતન્ય) જાણવામાં આવે ત્યારે "અવિદ્યાનો બાધ" એ નામથી કહેવાય છે.

વિદ્યા નહિ હોવાને લીધે અવિદ્યા નામની કલ્પના મિથ્યા જ ઉદય પામે છે,
મનમાં રહેલી વિદ્યા અને અવિદ્યા કે જે પરસ્પર થી વિરુદ્ધ છે-તેમાંથી અવિદ્યા બાધિત થઈને -
જયારે ચૈતન્યમાં લીન પામે છે ત્યારે ત્યારે એ બંને (વિદ્યા અને અવિદ્યા) ક્ષય પામે છે.
અને આમ એ બંને કલ્પનાઓ ક્ષીણ થઇ જતાં વિદ્યાનું આનંદ-રૂપે-પૂર્ણ પ્રગટ થયેલું ફળ -અવશેષ રહે છે.

આ રીતે-અવિદ્યાનો પક્ષ મિથ્યા ઠરતાં-વિદ્યાનો પક્ષ પણ મિથ્યા જ ઠરે છે.
જે (ચૈતન્ય) અવશેષ રહે છે-તે સર્વના બાધ-રૂપ હોવાથી-તે  કાંઇ નથી એમ પણ કહી શકાય છે અને-
સદ્રુપ (સદ-રૂપ) હોવાને લીધે કાંઇક છે એમ પણ કહી શકાય છે.
એ તત્વ (ચૈતન્ય) માં જ સઘળું જોવામાં આવે છે,
અને અપવાદની દૃષ્ટિ કરતાં-એ તત્વમાં કંઈ પણ જોવામાં આવતું નથી.

જેમ વડના બીજમાં પાંદડાં તથા ફળ-વગેરે સાથે આખો વડ રહેલો છે,
તેમ,બ્રહ્મ માં "અધ્યારોપ" (દોરડામાં સર્પ ની ભ્રાંતિ ઉલટી નજર કરવી તે) ની દૃષ્ટિ કરતાં,
આ "જગત" રહેલું છે અને એ બ્રહ્મ સઘળી "શક્તિ"ઓ વાળું છે.(શક્તિઓના ડાબલા-રૂપ છે)
તે આકાશ કરતાં પણ અધિક શૂન્ય છે,અને ચૈતન્ય-રૂપે હોવાને લીધે શૂન્ય પણ નથી.
જેમ દુધમાં ઘી રહેલું છે,તેમ બ્રહ્મ-તત્વમાં આ સઘળું જગત રહેલું છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE