Jul 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-559

અજ્ઞાની લોકોની દૃઢ વાસનાઓને --પ્રલયો,યુગના ફેરફારો કે વજ્રના આઘાતો તોડી શકતા નથી-તે અજ્ઞાનનો મહિમા છે.
બ્રહ્મના આધારથી (અધિષ્ઠાનથી) જ દેખાતા પદાર્થો સત્તા ભોગવે છે
અને જળના તરંગની જેમ અનેક વાસનાઓ પ્રગટ કરે છે -એ અજ્ઞાનનો જ મહિમા છે.
જેમ પક્ષીઓ વિવિધ ફળ ચાખવા અનેક સ્થળોમાં ભટકે છે-તેમ,કર્મને આધારે ફળ ભોગવવા માટે જીવો જન્મે છે,જીવે છે ને મરે છે-તે પણ અજ્ઞાનનો જ મહિમા છે.

જેમ ચિત્રકાર વિવિધ રંગોથી ભીંતો પર ચિત્ર દોરે છે,તેમ સૃષ્ટિને જોનારો જીવાત્મા,ઇન્દ્રિયો વડે અંતઃકરણમાં સૃષ્ટિનાં અનેક ચિત્રો દોરે છે.એ અજ્ઞાનનો જ મહિમા છે.(દૃષ્ટિ-સૃષ્ટિ-વાદ મુજબ જેવી નજર તેવું જગત)
જેમ દોરડીને બળે સર્પ દેખાય છે,તેમ બ્રહ્મને બદલે જગત દેખાડનારા આ સ્થૂળ જડ પદાર્થો,
નિમેષ (પલકારા)ના  હજારમા અંશ જેટલી ઘડી રહીને નાશ પામે છે તે અજ્ઞાનનો જ મહિમા છે.

આ "ત્રણ લોક" (પૃથ્વી-પાતાળ-સ્વર્ગ) નામની એક ડોશી છે -જેનો સૂક્ષ્મ દેહ -બ્રહ્મા-વિષ્ણુ અને ઇન્દ્ર છે,
અને સ્થૂળ દેહ પર્વતો અને પૃથ્વી છે,અને જેને આકાશ-રૂપી સાડી વીંટી છે-
તે પ્રલય પામીને ફરી ઉત્પન્ન થાય છે તે અજ્ઞાનનો જ મહિમા છે.
વારંવાર ઉત્પન્ન થઈને નષ્ટ થઇ જતી,ઉગ્ર સંતાપો વાળી,અને ચૈતન્યના પ્રકાશથી જ પ્રકાશ પામતી,
આ સૃષ્ટિઓ-રૂપી વીજળીઓ-કાળ-રૂપી મેઘમાં ચમકે છે તે અજ્ઞાનનો જ મહિમા છે.

ક્ષણ-માત્રમાં આ સઘળી બ્રહ્માની સૃષ્ટિને બનાવનારા અને ક્ષણમાત્રમાં તેનો સંહાર કરી નાખનારા -
કેટલાએક મોટા દેવતાઓ કોઈ સ્થળ માં રહે છે-(એમ માનવું) એ અજ્ઞાન નો જ મહિમા છે.
આંખ મીંચવા અને ઉઘાડવા માત્રથી હજારો કલ્પોનો પ્રલય કરી નાખનારા -
કેટલાએક રુદ્રો-પણ-પરબ્રહ્મ માં રહ્યા છે (એમ માનવું) એ અજ્ઞાન નો જ મહિમા છે.

એવા એવા રુદ્રો પણ જેના નિમેષ-માત્રથી ઉત્પન્ન થાય છે અને મરી જાય છે-એવો પણ એક દેવનો દેવ છે-
કેમકે -અનંત સંકલ્પો થી ભરેલા અને વાસ્તવિક રીતે જેમાં કોઈ પણ સંકલ્પ નથી--
એવા બ્રહ્મપદમાં હજારો આશ્ચર્યોને દેખાડનારી કઈ કઈ શક્તિઓ સંભવતી નથી?

સર્વદા જે જે કોઈ સંપત્તિઓ છે,જે જે કોઈ વિપત્તિઓ છે,જે જે બાલ્ય-યૌવન-જરા-મરણ તથા ઉત્પાતો છે-
અને જે જે કોઈ સુખ-દુઃખોની પરંપરાઓથી  ડૂબવાનું થાય છે-
એ સઘળી,અજ્ઞાન-રૂપી-તીવ્ર અંધકારની જ વિભૂતિ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE