વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ફરી પણ મારું ઉત્તમ વચન સાંભળો.
મારા ઉપદેશથી તમને પ્રસન્ન થતા જોઇને,તમારું હિત કરવાની ઇચ્છાથી હું આ વચન કહું છું.અત્યાર સુધી તમામ "અભેદ ના સિદ્ધાંત" ને અનુસરીને તમને ઉપદેશ આપ્યો,પણ હવે,ઘડીભર,"ભેદ નો સ્વીકાર" રાખીને પણ હું આ વચન કહું છું તે તમે સાંભળો,કે જેથી,તમારી
અજ્ઞાનને વશ રહેનારા મૂર્ખ મનુષ્યને અનાત્મા-રૂપ-દેહ માં જ આત્મા-પણાની ભાવના ઉદય પામેલી હોય છે.
અને તેના એ અપરાધને લીધે (એ સમજ ને લીધે) ઇન્દ્રિયો-રૂપી શત્રુઓ જાણે ક્રોધ પામ્યા હોય-
તેમ તે મનુષ્યને દબાવી દે છે.જયારે જ્ઞાન ધારણ કરનાર સમજુ મનુષ્ય,પરમાર્થ-રૂપ-આત્મામાં જ રહે છે,
એ તેના (આત્માના) વાસ્તવિક બોધથી,ઇન્દ્રિયો જાણે સંતુષ્ટ થયેલી હોય તેમ-
તેની સાથે મિત્ર-ભાવ રાખીને,તે ભલા મનુષ્યના વશમાં રહીને,તેને અનુકુળ રીતે (તે ઇન્દ્રિયો) વર્તે છે.
વ્યવહાર કરવા છતાં જે મનુષ્ય,ભોગ્ય પદાર્થોમાં રહેલા દોષોને જ જોયા કરે છે અને તેના ગુણોને જોતો નથી,
તે પુરુષ કેવળ દુઃખ ભોગવવાને વાસ્તે,શા માટે દેહને આત્મા-રૂપ માને?
આત્માને શરીર સાથે કે શરીરને આત્માની સાથે કંઈ લગતું વળગતું નથી.
જેમ અંધકાર અને પ્રકાશ -એ પરસ્પરથી વિલક્ષણ છે,તેમ,શરીર અને આત્મા -પરપરથી વિલક્ષણ છે.
આત્મા જન્મ-મરણ-આદિ સઘળા ભાવ-વિકારોથી સર્વદા રહિત અને નિર્લેપ હોવાથી,
કદી પણ અસ્ત કે ઉદય પામતો નથી.પણ સર્વદા પ્રકાશિત જ છે.
આ શરીર-રૂપી-પથ્થર કે જે જડ છે,અજ્ઞ છે,તુચ્છ છે,વિનાશી છે અને પોતે આત્માની સત્તાથી સત્તા પામેલો
હોવા છતાં,પણ આત્માને જ દુઃખી કરનાર હોવાથી કૃતઘ્ન છે,માટે તે શરીરનું જે થતું હોય તે ભલે થાય.
દેહ અને આત્મા એ બંનેમાંથી-આત્માને ઓળખીએ તો-દેહનું જડ-પણું જ બાકી રહે છે.
તો પછી તે જડ દેહ,સર્વદા પ્રકાશિત ચૈતન્ય-પણાના સ્થાનને શી રીતે લઇ શકે?
દેહના સુખ-દુઃખોથી આત્માને સુખ-દુઃખ થાય છે અને આત્મા ના સુખ-દુઃખો થી દેહને સુખ-દુઃખ થાય છે-
એ વાત કેવી રીતે સંભવ હોઈ શકે ? (એ વાત ખોટી છે)
દેહ અને આત્મા એ કદી સમાન નથી અને સમાન ધર્મ-વાળા નથી,તેઓને પરસ્પર કંઈ લાગતું વળગતું નથી,
તો પછી તેઓને પરસ્પરનાં સુખ-દુઃખોથી સુખ-દુઃખ થવું કેમ સંભવે? તેઓનું પરસ્પર-રૂપ થવું પણ કેમ સંભવે? દેહ કે જે સ્થૂળ છે તે અણુ કેમ થઇ શકે અને આત્મા જે અણુ છે તે સ્થૂળ કેમ થઇ શકે?
જેમ,દિવસ એ રાત્રિનો વિરોધી છે,તેમ,આત્મા દેહથી ઉલટો છે અને દેહ આત્માથી ઉલટા ગુણો ધરાવે છે.
માટે તેમનું પરસ્પરનું ઐક્ય સંભવે જ કેવી રીતે?