Jul 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-553

હે મુનિ,આ દિશાઓનું સઘળું મંડળ (કે જે અનાત્મપણું મટી જવાને લીધે) સારી પેઠે નિર્મળ થઇ ગયું છે,
તેને હવે હું યથાર્થ-બ્રહ્મ-રૂપે જોઉં છું.મારા સઘળા સંદેહો ટળી ગયા છે,
આશા-રૂપી-ઝાંઝવાની નદી શાંત થઇ ગઈ છે.
વિષયોની વાસનાઓ તથા વૈરાગ્ય આદિ વૃત્તિઓથી -પણ રહિત થવાને લીધે,હું શીતળ થયો છું.

હું પોતાથી જ-અંત વગરના-અંદરના અનહદ આનંદ ને પ્રાપ્ત થયો છું-
કે જે આનંદની આગળ,અમૃતના રસનો આનંદ પણ તૃણ-વત (તુચ્છ) લાગે છે.
આજ હું મારા મૂળ સ્વભાવને પ્રાપ્ત થયો છું,સ્વસ્થ થયો છું,આનંદ પામ્યો છું
અને જેમાં સઘળા આનંદોનો સમાવેશ થાય છે તેવા આનંદ-રૂપ થવાથી-હું હવે- ખરો "રામ" થયો છું.
હું મને પોતાને પ્રણામ કરું છું અને આપને પણ પ્રણામ કરું છું.

જેમ પ્રભાતમાં સૂર્યનો ઉદય થતાં,મૂર્ખ લોકોએ રાતમાં કલ્પેલું,પિશાચોનું કુટુંબ શાંત થઇ જાય છે-
તેમ,મારા સર્વ સંશયો અને સર્વ કલ્પનાઓ શાંત થઇ ગયાં છે.
જેમ શરદ-ઋતુમાં તળાવ નિર્મળ થાય છે-
તેમ,નિર્મળ,વિસ્તીર્ણ,શીતળ અને પરમાનંદથી સંપન્ન થયેલા મારા હૃદયમાં,મારું મન શાંતિ પામ્યું છે.

"આત્માને અજ્ઞાન-રૂપી કલંક શા કારણથી આવ્યું હશે? સ્વયંપ્રકાશ આત્મા માં એ કલંક કેમ રહેવું જોઈએ? અને આત્માને એ કલંક કેમ ઢાંકી દે છે?" વગેરે મારા સંશયો નિર્મૂળ થઇ ગયા છે.
જે કંઈ છે તે સઘળું-સર્વત્ર અને સર્વદા-સ્ફુરણમય-આત્મા જ છે.
માટે તેમાં "આ પદાર્થ જુદો છે" એવી કલ્પના ક્યાંથી હોય?

હું હમણાં પરમ-પ્રકાશ-વાળો થયો છું,તેથી મને મારી પ્રથમની (આગળની) સ્થિતિ પર હસવું આવે છે કે-
હું આત્મજ્ઞાન વિના તૃષ્ણા-રૂપી બેડીઓથી બાંધીને કેવો થઇ ગયો હતો?
અહા,હવે મને સારી પેઠે સ્મરણ પ્રાપ્ત થયું કે-"હું સર્વદા પૂર્ણ જ છું"
આપની વાણી-રૂપી-અમૃત-ના પૂરમાં નાહવાથી-હું આવી રીતનો બની ગયો છું.

અહો,હું એવી પવિત્ર અને વિસ્તીર્ણ ભૂમિ પર ચઢ્યો છું કે-જે અહીં જ છે.(પાતાળની જેમ દુર નથી)
હું હવે,જન્મ-મરણ-રૂપી સંસાર-સમુદ્ર તરીને સંસારના અધિષ્ઠાન-રૂપ થયો છું
અને તેથી સર્વદા સર્વ લોકોને પ્રણામ કરવા યોગ્ય છું,હું તેમને પ્રણામ કરું છું.
હવે,હું પોતામાં પોતાથી જ મોટા ઉત્કર્ષને પ્રાપ્ત થયો છું.
હે પ્રભુ,આપના ઉત્તમ ઉપદેશથી -પોતાના સ્વરૂપના અનુભવને લીધે,
શોક વગરની અને સર્વદા પ્રકાશ-રૂપ જીવનમુક્તિને હું હવે પ્રાપ્ત થયો છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE