વાલ્મિકી કહે છે કે-બીજા દિવસે સવારે રામ-લક્ષ્મણ સ્નાન-સંધ્યા કરીને વસિષ્ઠ ને આશ્રમે ગયા,તેમના ચરણોમાં અર્ઘ્ય-પ્રદાન કરીને અને વસિષ્ઠ મુનિને સભામાં લઇ આવ્યા.સભામાં સર્વેએ વસિષ્ઠ ને અર્ઘ્ય-પ્રદાન કરીને આસન આપ્યું અને પછી સર્વે એ પોતપોતાનું આસન ગ્રહણ કર્યું.
ત્યાર પછી વસિષ્ઠ મુનિએ આગળના દિવસે ચલાવેલા ક્રમને અનુસરીને જ શ્રી રામચંદ્રજી ને કહ્યું કે-હે,રઘુનંદન,ગઈકાલે જે અત્યંત ગંભીર અર્થ-વાળું અને પરમાર્થનો બોધ આપનારું પ્રકરણ કહ્યું હતું તે તમારા સ્મરણમાં છે ને? હવે સ્પષ્ટ બોધને માટે બીજું પ્રકરણ કહું છું તે તમે સાંભળો.કે જેથી અખંડ પદ પ્રાપ્ત થશે.
વૈરાગ્યના અભ્યાસથી અને તત્વના બોધથી જ સંસાર તરી શકાય છે.માટે તેનો અભ્યાસ કરો.
યથાર્થ તત્વ સમજાયાથી અજ્ઞાન નાશ પામે છે અને વાસનાઓ દુર થાય છે -
ત્યારે જ શોક વિનાના પરમ-પદની પ્રાપ્તિ થાય છે.
દેશ-કાળ-વગેરેની જેને મર્યાદા નથી અને જેનો આદિ કે અંત છે જ નહિ,
એવું બ્રહ્મ જ કલ્પિત દ્વૈતને પ્રાપ્ત થઈને થઈને જગત-રૂપે થયેલું છે.
"સર્વ પદાર્થોમાં તે સત્તા-સ્વરૂપે છે,એટલે -તે બ્રહ્મમાં દ્વૈત-પણું (જગત-પણું) થવું સંભવતું જ નથી"
એવો નિશ્ચય કરીને તથા "હું" ના અભિમાન ને અંદરથી ત્યજી દઈને,
તમે મુક્ત-સ્વ-રૂપ-વાળા,વ્યાપક,એક-રૂપ,શાંત અને સાક્ષાત આનંદ-સ્વ-રૂપ થાઓ.
હે રામ,ચિત્ત પણ નથી,અવિદ્યા પણ નથી,મન પણ નથી અને જીવ પણ નથી.
એ સઘળી કલ્પનાઓ બ્રહ્મથી જ થયેલી છે,
જે જે ભોગ્ય અદાર્થો છે-જે જે ભાગ-વૃત્તિઓ છે,જે જે સ્મૃતિઓ છે અને જે જે સ્પૃહાઓ છે,
તે સઘળું -આદિ તથા અંત વિનાનું અને સમુદ્ર જેવું ભરપૂર -બ્રહ્મ જ સર્વે પ્રકાશે છે.
પાતાળ,પૃથ્વી,સ્વર્ગ અને પ્રાણીઓમાં તથા આકાશમાં સઘળા દૃશ્ય પદાર્થો-રૂપે -
તે ચૈતન્યરુપ પરબ્રહ્મ જ પ્રકાશે છે,પરબ્રહ્મ થી ન્યારું કંઈ પણ નથી.
ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થો-રૂપે,ત્યાજ્ય કે ગ્રાહ્ય પદાર્થો-રૂપે,બંધુઓ-રૂપે,વૈભવો-રૂપે અને શરીર-રૂપે.
બ્રહ્મ જ સ્ફુરે છે,કે જે બ્રહ્મ આદિ-અંત થી રહિત છે-અને સમુદ્રની જેમ ભરપૂર છે.
જ્યાં સુધી અજ્ઞાનની કલ્પના છે-ત્યાં સુધી -દ્વૈતની ભાવના છે.અને જ્યાં સુધી જગત-રૂપી જળમાં પ્રીતિ છે-
ત્યાં સુધી જ ચિત્તની,અવિદ્યાની,મનની તથા જીવની કલ્પના છે.
જ્યાં સુધી દેહમાં દૃઢ અહંતા છે અને જ્યાં સુધી દૃશ્ય પદાર્થોમાં મમતા છે,
ત્યાં સુધી જ ચિત્ત વગેરે નામ-રૂપ ની ભ્રમણાઓ છે.
જ્યાં સુધી સજ્જનો ના સમાગમના પ્રભાવથી મૂર્ખતા ક્ષીણ ના થઇ હોય અને પૂર્ણતા ઉદય પામી ના હોય,
ત્યાં સુધી જ ચિત્ત-આદિને લીધે મનુષ્યમાં નીચપણું રહે છે.
જ્યાં સુધી અંદર યથાર્થ વિચારની શક્તિથી -આ "જગતની ભાવના" શિથિલ ના થઇ હોય,
ત્યાં સુધી જ ચિત્ત વગેરે પદાર્થો જોવામાં આવે છે.
જ્યાં સુધી અજ્ઞાનપણા-રૂપ આંધળા-પણું હોય,જ્યાં સુધી વિષયોની આશાને લીધે પરવશ-પણું હોય,
અને જ્યાં સુધી મૂર્ખતાને લીધે મોહનો વધારો હોય,ત્યાં સુધીજ ચિત્તની કલ્પના છે.