તમે જો પોતાના ચિત્તમાં વિકાર આપનારી-એ મલિન વાસનાને ત્યજી દઈ,સ્વસ્થ થઈને રહેશો,તો વ્યવહાર સંબંધી કાર્યો કરવા છતાં પણ લેપાશો નહિ.
હે રામ,હર્ષ,ક્રોધ અને ખેદથી તમારો રંગ બદલાઈ જતો ના હોય,
હે રામ, તમે જો આશાથી થતા,પરવશપણાનો ત્યાગ કરીને -
દુઃખોથી -જો ગ્લાનિ પામતા ના હો,અને,સુખોથી પ્રસન્ન થતા ના હો-તો તમે જીવનમુક્ત જ છો.
જે તમે વ્યવહારોમાં વિહાર કરતાં,પ્રાપ્ત થતી સુખ-દુઃખોની દશાઓમાં-
બ્રહ્મથી એકરસ-પણાને ના છોડતા હો-તો તમે જીવનમુક્ત જ છો.
હે રામ,તમારા ચિત્તનો સ્વભાવ સઘળા ઇષ્ટ-અનિષ્ટ વિષયોમાં એકસરખો રહેતો હોય અને -
તેમ રહીને,વ્યવહારથી કરવા પડતાં કાર્યો ને અનુસરતો હોય,તો તમે જીવનમુક્ત જ છો.
હે રામ,ચિત્ત પર કોઈ જાતનો બળાત્કાર નહિ કરતાં,ચિત્તનું સહજ અસંગપણું કે જે જીવનમુક્તની,
સ્થિર સ્થિતિ-રૂપ છે-તેનું અવલંબન કરીને તમે રાગથી રહિત થાઓ,સમ થાઓ અને સ્વસ્થ થાઓ.
વૃથા ભાષણ નહિ કરનારો અને જેણે,ઇન્દ્રિયો-રૂપી પિશાચોને વશ કર્યા હોય છે,
એવો જીવનમુક્ત પુરુષ,માનથી,મદથી,મત્સરથી તથા સંતાપથી રહિત જ રહે છે.
સર્વદા સઘળી વસ્તુઓમાં સમ બુદ્ધિ-વાળો,સ્પૃહા વિનાનો,અને કશાની પણ યાચના નહિ કરનારો,
જીવનમુક્ત પુરુષ વર્ણના,આશ્રમના તથા કુળના ક્રમથી પ્રાપ્ત થયેલા વ્યાપાર સિવાય બીજું કશું કરતો નથી.
વર્ણના,આશ્રમના તથા કુળના ક્રમથી પ્રાપ્ત થયેલું પોતાનું જે કંઈ સહજ કર્મ હોય,
તેને જ કોઈ જાતનો ખેદ ધર્યા વિના કરતો એ જીવનમુક્ત પુરુષ-
આસક્તિથી તથા ફળની ઇચ્છાથી રહિત,થયેલી બુદ્ધિ વડે,પોતાના સ્વરૂપ માં જ રમે છે.
તે જીવનમુક્ત પુરુષ,મોટી સંપત્તિ કે મોટી વિપત્તિને પામ્યા છતાં પણ-
પોતાના પ્રથમથી સિદ્ધ કરી રાખેલા,શમ-દમ-સમદૃષ્ટિ- આદિના સ્વભાવને છોડતો નથી.
જેમ, ચંદ્ર,પોતાની ક્ષીણતા થતાં કે વૃદ્ધિ થતાં,શોક કે હર્ષ થી રહિત જ રહે છે,
તેમ,જીવનમુક્ત પુરુષ નીચી યોનિ ને કે ઇન્દ્રની પદવી ને પણ પ્રાપ્ત થતાં શોક-હર્ષ રહિત જ હોય છે.
હે રામ,રાગ-દ્વેષને છોડી દઈ,ભેદને દુર કરી નાખી અને અનેક પ્રકારના તુચ્છ ફળો આપનારી,
વાસનાને પણ શાંત કરીને-એવી રીતે આત્મા નો વિચાર કરો કે-
જે વિચારથી ગંભીર ચિત્તવાળા તથા અવશ્ય મેળવવા યોગ્ય પુરુષાર્થમાં તમે સ્થિર થાઓ.
હે રામ,વિચારને લીધે ઉદય પામેલી,સમાધિના વિલાસથી,સઘળી વાસનાઓનો ક્ષય થતાં,શુદ્ધ થયેલી,
આત્માને જોનારી,અને આત્માના દર્શનથી જ અવિદ્યાને (તથા અવિદ્યાના કાર્યો ને) બાળી નાખવામાં સમર્થ થયેલી-"બુદ્ધિ" વડે,દુઃખ-રહિત,નિરતિશય આનંદરૂપ પરમપદમાં તમે રહો.
એ પરમપદમાં રહેવાથી તમે આ સંસારમાં ફરીવાર જન્મો-રૂપી બંધનોથી બંધાશો નહિ.
ઉપશમ-પ્રકરણ-૫-સમાપ્ત