હે રામ, માટે વિવેકી પુરુષે પુરુષ-પ્રયત્ન કરી ,ભોગોની ઈચ્છા ને દૂર ત્યજી દઈને,
તત્વજ્ઞાન,ચિત્ત (મન) અને વાસના નો ક્ષય-એ ત્રણે ના સંપાદનનો સામટો જ અભ્યાસ કરવો જોઈએ.જ્યાં સુધી,આ ત્રણેના સંપાદનનો,સામટી રીતે,વારંવાર અભ્યાસ ના થયો હોય,ત્યાં સુધી સેંકડો વર્ષો વીતી જતા પણ બ્રહ્મપદ ની પ્રાપ્તિ થતી નથી.
હે રામ,તમે આ ત્રણેનો લાંબા કાળ સુધી અભ્યાસ કરશો,તો સંસાર નો લેપ થશે નહિ.અને
અહંતા-મમતા-રૂપી દૃઢ ગાંઠો,સંપૂર્ણ રીતે તૂટી જશે.
જેનો સેંકડો જન્મોથી અભ્યાસ થતો આવ્યો છે -એવી "સંસારની સ્થિતિ"
આ ત્રણેના અભ્યાસ વગર ક્ષીણ થતી નથી.
એટલે તમે,ચાલતાં,સાંભળતાં,સ્પર્શ કરતાં,સુંઘતાં,ઉભા રહેતાં,જાગતાં અને સૂતાં-પણ,
પરમ કલ્યાણ ને અર્થે,આ ત્રણે (તત્વબોધ-ચિત્તનો નાશ અને વાસનાનો ક્ષય) નો અભ્યાસ કર્યા કરો.
જેવો વાસનાનો ક્ષય ફળદાયી છે,તેવો જ પ્રાણાયામ પણ ફળદાયી છે-એમ તત્વવેત્તાઓ કહે છે.
માટે પ્રાણાયામ નો પણ એવી જ રીતે અભ્યાસ રાખવો.
વાસનાનો ત્યાગ કરવાથી ચિત્ત પણ નાશ પામે છે અને પ્રાણની ગતિ રોકવાથી પણ ચિત્ત નાશ પામે છે,
માટે ચિત્તનો નાશ કરવાને માટે એ બે પક્ષમાંથી તમે ગમે તે પક્ષ લો.
લાંબા કાળ સુધી પ્રાણાયામના અભ્યાસથી,યોગાભ્યાસમાં નિપુણતાવાળા ગુરુએ બતાવેલી યુક્તિથી,
આસનના જય થી,ભોજન ના નિયમોથી,અને યોગને લગતા એવા બીજા પ્રકારોથી પ્રાણની ગતિ રોકાય છે.
વસ્તુઓના આદિ-મધ્ય અને અંતમાં-
જે નિર્વિકાર અને અવિનાશી રહે છે,તે આત્મ-તત્વ ને જાણવાથી વાસના ક્ષીણ થાય છે.
આસક્તિ રાખ્યા વિનાનો વ્યવહાર કરવાથી,સંસાર સંબંધી મનોરથો નો ત્યાગ કરવાથી,અને
"શરીર વિનાશી છે" એમ જોયા કરવાથી-વાસના ક્ષીણ થાય છે.
જેમ પવનની ગતિ શાંત થતાં,ધૂળ ઊડતી નથી,તેમ વાસનાનો નષ્ટ થતાં ચિત્તની પ્રવૃત્તિ બંધ પડી જાય છે.
વળી, જે પ્રાણની ગતિ છે તે જ ચિત્તની ગતિ છે એટલે વારંવાર એકાગ્ર ચિત્તથી બેસીને,
બુદ્ધિમાન પુરુષે,પ્રાણની ગતિ જીતી લેવા માટે સારી પેઠે પ્રયત્ન કરવો જોઈએ.
પ્રાણની ગતિને રોકવાનો (આગળ) જે ક્રમ કહ્યો-તે ક્રમ નહિ કરતાં,
જો તમે બીજા ઉપાયોથી જ ચિત્તને દબાવવા નું ધરતા હો- તો બહુ લાંબા કાળે ચિત્તને દબાવી શકશો.
જેમ અંકુશ વિના મદોન્મત્ત હાથીને વશ કરી શકતો નથી,
તેમ,યોગ્ય યુક્તિઓ વિના મનને જીતી શકાતું નથી.
ચિત્તને જીતી લેવા માટે,બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ,મહાત્માઓનો સમાગમ,વાસનાનો ત્યાગ અને
પ્રાણની ગતિ ને રોકવી-એ ઉત્તમ યુક્તિઓ છે.કે જેનાથી ચિત્ત તુરત જ જીતાઈ જાય છે.