રામ કહે છે કે-હે ગુરુ મહારાજ,આપે શરીરથી માંડીને શબ્દાદિ વિષયો સુધી જે બીજો કહ્યાં,અને જીવાત્મા થી માંડીને બ્રહ્મ સુધીનાં જે બીજો કહ્યાં,તેઓમાં કયા બીજનો આશ્રય કરવાથી,બ્રહ્મ-રૂપ પરમ પદની તુરત પ્રાપ્તિ થાય? તે મને કહો.
વસિષ્ઠ કહે છે કે-હે રામ,મેં શરીરથી માંડીને શબ્દાદિ વિષયો સુધી જે દુઃખ-રૂપ બીજો કહ્યાં,તે સઘળાં એક પછી એકને દુર કરવાથી પરબ્રહ્મ-રૂપ પરમ પદની પ્રાપ્તિ તુરત થાય છે.
બળાત્કારે પુરુષ-પ્રયત્નથી તુરત જ વાસનાનો ત્યાગ કરીને પરબ્રહ્મ-રૂપ પરમ પદ કે જે-
સમષ્ટિ સત્તા થી (એટલે કે ઈશ્વરથી) પણ ઉપર છે તેનો સાક્ષાત્કાર કરીને-
તે પરમ-પદમાં ક્ષણમાત્ર -જો-ચિત્તની નિશ્ચલ-સ્થિતિ કરો-તો-
આ ક્ષણમાં જ એ સર્વોત્તમ પરબ્રહ્મ-રૂપ-પદને સારી રીતે પ્રાપ્ત થાઓ.
હે રામ,જો સ્વરૂપને શુદ્ધ કરીને તેમાં ચિત્તની સ્થિતિ બાંધશો,તો કંઇક વધારે પ્રયત્નથી,
પરબ્રહ્મ-રૂપને પ્રાપ્ત થઇ શકશો.પણ,
જો જીવાત્માના સ્વરૂપને શુદ્ધ કરીને તેમાં ચિત્તની સ્થિતિ બાંધશો,
તો ઉપરના પ્રયત્ન કરતાં પણ થોડા વધારે પ્રયત્ન થી પરમ બ્રહ્મ-રૂપ પદને પામી શકશો.
હે રામ,"જેમ ઈશ્વરના તથા જીવાત્મા ના સ્વરૂપને -જડ ભાગથી રહિત કરવા-રૂપી શુદ્ધિ આપીને-
તેઓનું ધ્યાન કરવું એ બ્રહ્મ-પ્રાપ્તિનો ઉપાય છે-
તેમ-જડ ને ચૈતન્યમાંથી રહિત કરવા-રૂપી શુદ્ધિ આપીને જડનું ધ્યાન કરવું-
એ પણ બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય શા માટે ના હોય?"
એવી શંકા રાખવી નહિ,કેમ કે,ચૈતન્ય વિના એકલા જડ પદાર્થનું સ્ફૂરણ થવું સંભવતું જ નથી.
ચૈતન્ય સર્વદા સર્વ માં વ્યાપક છે,માટે ચૈતન્ય વિના એકલા જડ નું ગ્રહણ થઇ શકે એમ જ નથી.
તમે જે કંઈ ચિંતવો છો,જ્યાં જાઓ છો,જ્યાં ઉભા રહો છો,અને જે કરો છો-ત્યાં ચૈતન્ય રહેલું જ છે.
જેમ,રજ્જુ-સર્પના ભ્રમમાં,રજ્જુ વિના એકલો સર્પ હોતો જ નથી,
તેમ ચૈતન્ય વિના એકલું જડ હોતું જ નથી.સઘળું જડ ચૈતન્યમાં અધ્યસ્ત છે,
માટે જેમ ચૈતન્ય જડ થી છૂટું પડી શકે છે-તેમ જડ ચૈતન્યથી છૂટું પડી શકતું નથી.
હે રામ,વાસના નો ત્યાગ કરવામાં અને મનનો નાશ કરવામાં યત્ન કરો,તો તમારા સઘળા આધિ-વ્યાધિઓ,
ક્ષણમાત્રમાં શિથિલ થઈ જાય.પણ ઉપર કહેલા પ્રયત્નો કરતાં -આ પ્રયત્ન અઘરો લાગે છે-કેમ કે-
વાસનાનો ત્યાગ કરવો-વધારે દુઃસાધ્ય છે.
જ્યાં સુધી મનનો લય થાય નહીં,ત્યાં સુધી,વાસના નો ક્ષય થતો નથી,અને
જ્યાં સુધી વાસના નો ક્ષય ના થાય ત્યાં સુધી ચિત્ત શાંત થતું નથી.
જ્યાં સુધી આ તત્વજ્ઞાન થયું ના હોય ત્યાં સુધી ચિત્તનો નાશ થતો નથી.અને
ચિત્તનો નાશ ના થાય ત્યાં સુધી તત્વજ્ઞાન થતું નથી.
તે જ રીતે જ્યાં સુધી વાસના નો નાશ થયો ના હોય ત્યાં સુધી તત્વજ્ઞાન થતું નથી,અને,
જ્યાં સુધી તત્વજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી વાસના નો નાશ થતો નથી.