નિર્વિકલ્પ સમાધિ કરવાથી,સઘળી વાસનાઓ વિનાનો બ્રહ્માકાર વૃત્તિ-રૂપી મોટો આનંદ ઉદય પામે છે,કે જે આનંદમાં જીવનમુક્ત પુરુષો સર્વદા રહે છે. જીવનમુક્ત પુરુષનો એ બ્રહ્માકાર-વૃત્તિ-રૂપ આનંદ,પણ વિદેહમુક્તિના સમયમાં જીવનમુક્તિની સાથે સાથે જ-પરબ્રહ્મ માં લીન થઇ જાય છે.જગતના જગત-રૂપે દર્શનનો ત્યાગ કરનારો મહા-સુખી જીવનમુક્ત પુરુષ ચાલતાં,બેસતાં કે વિષયોનું ગ્રહણ કરતાં પણ એ બ્રહ્માકાર-વૃત્તિ-રૂપી આનંદથી યુક્ત રહે છે-માટે,તે ચેતન,એકરસ અને પૂર્ણાનંદ-રૂપ કહેવાય છે.
હે રામ,યત્નો-દ્વારા ગમે તેવું કષ્ટ વેઠીને પણ,જીવનમુક્ત-પણા ને મેળવી,આ સંસાર-રૂપી દુઃખમય સમુદ્રને પારને પ્રાપ્ત થાઓ.જેમ,બીજમાંથી કાળે કરીને આકાશ સુધી પહોંચનારૂ મોટું વૃક્ષ ઉઠે છે,
તેમ,જીવાત્મા ના સંકલ્પથી જ આ અત્યંત મોટું જગત ઉઠેલું છે.
જયારે જીવાત્મા,સંકલ્પો કરી-કરીને,પોતાના દેહ-રૂપી આકારને કલ્પી લે છે,
ત્યારે એ જ ,જીવાત્મા,આ જન્મોની જાળના બીજ-પણાને પ્રાપ્ત થાય છે.
હે રામ,એ રીતે,જીવાત્મા પોતાને વારંવાર જન્મો આપીને તથા વારંવાર મોહ પમાડીને,
અંતે કોઈ સદગુરુ -આદિના સમાગમથી પોતાને મોક્ષ પણ પમાડે છે.
એ જીવાત્મા જે વિષયની જે રૂપે ભાવના કરે છે,તે વિષય-રૂપ તે ક્ષણમાત્રમાં થઇ જાય છે,
એટલા માટે જ્યાં સુધી પોતે વિષયોની ભાવનાઓથી રહિત ના થાય,
ત્યાં સુધી,ઘણો કાળ વીતી જતાં પણ પોતાના સત્ય-સ્વ-રૂપ ને પ્રાપ્ત થતો નથી.
હે રામ,આ દેવ-અસુર-યક્ષ -વગેરે કોઈ મુદ્દલે છે જ નહિ,પણ આત્મા પોતાની અનાદિ-સિદ્ધિ-માયાથી,
આ જગત-રૂપી નાટકને રચી,દેવ-આદિના વેષો ધારણ કરીને નાચ્યા કરે છે.
એ જીવાત્મા કોશેટા ના કીડાની પેઠે પોતે જ પોતાને બાંધી લઈને,પછી રોઈરોઈ ને ઘણે કાળે,
વિવેક-આદિથી પાછો પોતાના અસંગ-રૂપ (બ્રહ્મ-પણા) ને પ્રાપ્ત થાય છે.
હે રામ,"સઘળું જગત મારું જ સ્વ-રૂપ છે,અને જગતમાં મારા સિવાય બીજું કંઈ છે જ નહિ"
એવી રીતનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે એ આત્મા પોતાના સ્વાભાવિક રૂપને પ્રાપ્ત થાય છે.
જયારે એ જીવાત્મા પોતાનાથી ન્યારું કંઈ પણ ના જાણે,બાહરના વિષયોથી કંપે નહિ,
અંદરના વિષયોથી ડગે નહિ,અને પોતાના સ્વ-રૂપમાં જ સ્થિતિ પામે-ત્યારે એ કોઇથી લેપાતો નથી.
હે રામ,એ જીવાત્માનું બીજ "સત્તા" છે,
જેમ સૂર્યમાંથી પ્રભા ઉદય પામે છે તેમ,સત્તામાંથી તે જીવાત્મા ઉદય પામે છે.
અનેકતા વાળી અને એકતાવાળી-એમ સત્તાના બે પ્રકાર છે.
તેઓમાં જે એકતાવાળી સત્તા (એટલે કે સમષ્ટિ સત્તા કે ઈશ્વર) છે તે જીવાત્માનું બીજપણું છે,
ઘટ-પટ પણું કે તું કે હું પણું-વગેરે અનેક વિભાગોથી જે જુદીજુદી સત્તા છે-તે અનેકતાવાળી સતા છે.
સત્તાના ઘટ-પટ-વગેરે જે જુદાજુદા આકારો છે-તે કદી પણ સાચા નથી,
એટલા માટે તેઓનું ધ્યાન કરવાની પણ આવશ્યકતા નથી.
એકતાવાળી જે નિર્મળ સત્તા (ઈશ્વર) છે તે અનેકતાવળી સત્તાની જેમ કદી નાશ પામતી નથી.
અને કદી પણ પોતાના સ્વ-રૂપને ભૂલતી નથી.