Jun 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-538

ચિત્તના બીજ-રૂપ પ્રાણની ગતિ અને વાસના -એ બંનેનું બીજ -શબ્દાદિ-"વિષયો" છે એમ પણ કહી શકાય છે,કેમ કે-શબ્દાદિ વિષયોથી હૃદયમાં પ્રાણની ગતિનું અને વાસનાનું સ્ફુરણ થાય છે.
જેમ,મૂળના છેદનથી વૃક્ષ તરત નષ્ટ થઇ જાય છે,
તેમ શબ્દાદિ વિષયોના ત્યાગથી પ્રાણની ગતિ અને વાસના મૂળ-સહિત તુરત નષ્ટ થઇ જાય છે.

શબ્દાદિ વિષયોને આત્માથી અભિન્ન ધારવા-એ જ શબ્દાદિ વિષયોનો ત્યાગ છે.
કેમ કે આત્મા જ પોતાના ધીરપણા ને ત્યજી દઈ,શબ્દાદિ વિષયો જેવો થઈને ચિત્તના બીજ-રૂપ થાય છે.
જે આત્મા છે તે જ સંકલ્પથી સ્ફૂરીને પોતાથી પોતામાં જ શબ્દાદિ વિષયો ને દેખે છે.
જેમ સ્વપ્ન માં મરણ -એ-આત્માના પોતાના ચમત્કારથી જ થાય છે,
તેમ જાગ્રતના વિષયો પણ આત્માના પોતાના ચમત્કારથી જ થાય છે.
આત્માને વિવેક-દશામાં જે પોતાના તત્વનું જ્ઞાન થાય છે,તે પણ પોતાના સંકલ્પથી જ થતું હોવાને લીધે,
તે પણ સ્વપ્ન જેવું જ છે.કેમ કે અદ્વિતીય સ્વ-રૂપમાં તત્વજ્ઞાન આદિ કંઈ પણ વાસ્તવિક રીતે સંભવતું નથી.

હે રામ,જેમ,બાળકને પોતાના સંકલ્પથી ઉઠેલા ભ્રમથી જ  વેતાલ દેખાય છે,
તેમ,જીવાત્માને પોતાના સંકલ્પથી ઉઠેલા ભ્રમને લીધે જ આ જગત-રૂપી-જાળ દેખાય છે.
જેમ રજ્જુમાં દેખાતું સર્પ-પણું સારી રીતે અવલોકન કરવાથી ટળી જાય છે-
તેમ,આત્મામાં દેખાતું જગત-રૂપી-મિથ્યા-જ્ઞાન, એ "યથાર્થ-જ્ઞાન"થી ટળી જાય છે.

"આત્મા શુદ્ધ છે અને તેમાં જગત મુદ્દલે છે જ નહિ"એવી રીતનો જે દૃઢ નિશ્ચય છે તે જ યથાર્થ જ્ઞાન છે,
એમ વિદ્વાનોએ સિદ્ધાંત કર્યો છે.
આ આત્માએ પૂર્વે જોયેલું -અથવા-પૂર્વે નહિ જોયેલું,જે કોઈ દ્વૈત દેખાય છે,
તેને સમજુ પુરુષે પ્રયત્ન થી ટાળી નાખવું જોઈએ.
એ ટાળી નાખવામાં આવતું નથી એટલે જ આત્માને સંસાર નો સંબંધ છે,
અને તે ટાળી નાખવામાં આવે -એ જ મોક્ષ છે.એમ સિદ્ધ થાય છે.

જગતનું દર્શન એ જન્માદિ - (વિનાશી) સુખને માટે છે અને જગતના દર્શનથી રહિત થઈને ચેતનપણાથી રહેવું,એ "અવિનાશી સુખ"ને માટે છે.હે રામ,માટે તમે જગતના દર્શનનો ત્યાગ કરીને,
ચૈતન્ય-એકરસ-અને પૂર્ણાનંદ થાઓ.આત્મા કે જે જગતના દર્શનથી રહિત છતાં ચૈતન્ય છે-તે જ તમે છો.

રામ કહે છે કે-હે મહારાજ,જગતના દર્શનનો ત્યાગ કરીને ચેતન રહેનારો પુરુષ કેવો થાય?
જગતનું દર્શન ટળી જાય તો જડ-પણું પ્રાપ્ત થયા વિના રહે નહિ,તો એ જડ-પણું કેવી રીતે ટળે?

વસિષ્ઠ કહે છે કે-હે રામ, જીવનમુક્ત પુરુષ વ્યવહારના અધ્યાસને માત્ર દેખાડે જ છે,
પણ તેના મનમાં ભૂત-ભવિષ્ય કે વર્તમાન કાળની કોઈ પણ વસ્તુમાં સત્યતા માનવારૂપ ભ્રાંતિ હોતી નથી,
એટલા માટે તે પુરુષ જગતનાં દર્શન નો ત્યાગ કરનારો છે અને ચેતન છે.
જે પુરુષને સેંકડો કાર્યો કરવા છતાં,પણ જગતમાં સત્ય-પણાની ભ્રાંતિ ના રાખતો હોય,
તે પુરુષ,જગતના દર્શનનો ત્યાગ કરનારો અને ચેતન કહેવાય છે.

જેની બુદ્ધિ જરા પણ લેપાતી ના હોય,તે પુરુષ જગતના દર્શન નો ત્યાગ કરનારો,ચેતન અને જીવનમુક્ત કહેવાય છે.જયારે સઘળી વિષય વાસનાઓ ટળી જવાને લીધે,આત્મ-સ્વ-રૂપ વિના બીજું કંઈ પણ નાશ પામે એવું નથી,એમ માનવામાં ના આવે-અને બાળકના તથા મૂંગા-આદિના જ્ઞાનની પેઠે,
નિર્વિક્ષેપ-પણાથી રહેવામાં આવે,ત્યારે જડતા વિનાનાં સ્વચ્છ અનુભવનો આશ્રય કર્યો -કહેવાય છે.
અને એ આશ્રય કરવાને લીધે જીવનમુક્ત પુરુષ ફરીવાર જન્મ-મરણ-આદિ ના લેપને પ્રાપ્ત થતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE