Jun 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-533

હે રામ,માટે તત્વવેત્તાઓનો જીવાત્મા પ્રારબ્ધના અવશેષ રહેલા ભોગોને જયારે અકસ્માત ભોગવવાને ધારે છે-ત્યારે જે જે ઈચ્છે છે તે તુરત જ કરી શકે છે,વીતહવ્યના જીવાત્માએ,કાકતાલીય રીતિથી તે સમયે જીવવાનું જ ધાર્યું હતું,તેથી તેણે જીવનને જ તુરત દૃઢ કરી દીધુ હતું.
જ્યારે પ્રારબ્ધના ભોગ પૂરા થઇ રહેતાં,તેમના જીવાત્માએ વિદેહમુક્તિની ધારણા કરી,ત્યારે તે જીવાત્મા વિદેહમુક્ત થઇ ગયો-કેમ કે તેની સ્થિતિ સ્વતંત્ર હતી.

વાસનાઓથી અને પાશોથી રહિત થયેલો અને વાસ્તવિક આત્મ-સ્વ-ભાવથી પ્રકાશિત થયેલો જીવાત્મા જે જે ઈચ્છે છે-તે તે ક્ષણમાત્રમાં થાય છે,કેમ કે-તે જીવાત્મા પોતે સર્વ-શક્તિઓથી સંપન્ન પરમાત્મા જ થયેલો હોય છે.

(૯૦) સરૂપ અને અરૂપ ચિત્ત-નાશ

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જયારે  વિચારથી ચિત્તનો નાશ થયો
ત્યારે વીતહવ્ય મુનિને મૈત્રી આદિ ગુણો પ્રાપ્ત થયા હતા.

રામ કહે છે કે-હે મહારાજ,ચિત્ત, બ્રહ્મમાં અસ્ત પામ્યા પછી,મૈત્રી આદિ ગુણો કોને પ્રાપ્ત થાય છે?
અને તેઓ શામાં સ્ફુરે છે? તે મને કહો.એ ગુણો નાશ પામેલા ચિત્તને થાય છે કે-અધિષ્ઠાન ને થાય છે?
અને તે ગુણો જીવમાં કે અધિષ્ઠાનમાં સ્ફુરે છે? કેમ કે આપે કહ્યું હતું તેમ,
ઝાંઝવાનાં પાણીની નદી,નાશ પામ્યા પછી તેને શીતળતા-આદિ ગુણો સંભવતા નથી.
અને નિર્જળ ભૂમિને પણ તેવા ગુણો સંભવતા નથી-એ ગુણોનું જેમાં સ્ફુરણ થાય એવું કંઈ પણ સંભવતું નથી.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,સરૂપ અને અરૂપ-એમ બે પ્રકારે ચિત્તનો નાશ થાય છે.
જીવનમુક્તિ થી ચિત્તનો જે નાશ થાય છે-તે સરૂપ (ચિત્તના કંઇક પ્રતિભાસ વાળો) થાય છે.અને,
વિદેહમુક્તિથી ચિત્તનો જે નાશ થાય છે-તે અરૂપ (ચિત્તના લેશમાત્ર પ્રતિભાસ થી રહિત) થાય છે.
આ સંસારમાં ચિત્તનું હોવું દુઃખ આપનારું જ છે અને ચિત્તનો નાશ સુખ આપનારો થાય છે.
ચિત્તની સત્તાનો ક્ષય કરીને ચિત્તનો નાશ કરી નાખવો જોઈએ.

જે ચિત્ત,અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વાસનાઓની જાળોથી વ્યાપ્ત હોવાને લીધે,પુનર્જન્મ નું કારણ થઇ પડે -
એવું હોય તે ચિત્તને તમે સતા-વાળું સમજો.એ સત્તા-વાળું ચિત્ત કેવળ દુઃખ-દાયી જ હોય છે.
અનાદિ-કાળના અધ્યાસને લીધે,પ્રાપ્ત થયેલા દેહાધિકના ધર્મોને જે ચિત્ત "મારાં છે" એમ માની લે-
તે ચિત્તને સત્તા-વાળું સમજવું.અને આ સત્તાવાળું ચિત્ત જ અજ્ઞાની,દુઃખિત,અને જીવ કહેવાય છે.
અને જ્યાં સુધી ચિત્તની સત્તા હોય ત્યાં સુધી દુઃખનો ક્ષય થાય જ ક્યાંથી?
ચિત્ત નાશ પામે છે ત્યારે જ સંસાર અસ્ત પામે છે.

રામ કહે છે કે-હે મહારાજ,કોના ચિત્તને નષ્ટ થયેલું ન સમજવું? નષ્ટ થયેલું ચિત્ત કેવું હોય છે?
ચિત્તનો નાશ કેવા પ્રકારનો થાય છે? અને ચિત્તની સ્થિતિ શાથી રહે છે?

વસિષ્ઠ કહે છે કે-હે રામ,ચિત્તની સ્થિતિ અજ્ઞાનથી થતી વાસનાઓની જાળોથી રહે છે-એ હું કહી ચૂક્યો છું.
હવે ચિત્તના નાશ વિષે કહું છું તે તમે સાંભળો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE