Jun 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-532

આ રીતે જ યોગીનું શરીર કે જે રાગ-દ્વેષ-વિનાના જીવન વિલાસ-વાળું હોય છે-તેના પર જયારે હિંસક પ્રાણીઓનું ચિત્ત પડે છે-ત્યારે તે પ્રાણીઓનું ચિત્ત પણ તુરત જ રાગ-દ્વેષથી રહિત થઇ જાય છે,
માટે હિંસક પ્રાણીઓ યોગીના શરીરને કંઈ અડચણ કરતા નથી.
અને એજ પ્રાણી તે યોગીના શરીરથી દુર જાય છે ત્યારે તે ફરીથી હિંસકપણા ને પ્રાપ્ત થાય છે,
કેમ કે,જેવા પ્રકારનો પદાર્થ  જોવામાં આવે તે પ્રકારે જ ચિત્ત થઈ જાય છે.આ જ કારણથી હિંસક પ્રાણીઓએ વીતહવ્યના શરીરને છેદી નાખ્યું નહોતું.

હવે તમારા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે-
આત્મ-રૂપ "અનુભવ"-એ સત્તા-સામાન્ય-રૂપે,કાષ્ઠ,પથરા-આદિ સર્વ જડ પદાર્થોમાં પણ રહેલો હોય છે.
જેમ,સૂર્યનું પ્રતિબિંબ સઘળા પદાર્થોમાં પડે છે,
પણ કેવળ જળ-આદિ પદાર્થોમાં જ ચંચળ અને ચકચકિત દેખાય છે,
તેમ, આત્મા-રૂપ અનુભવ સર્વ પદાર્થોમાં રહેલો હોય છે.
પણ કેવળ લિંગ-શરીરો માં જ તે ચંચલ અને ચકચકિત દેખાય છે.

વીતહવ્યનું શરીર તત્વબોધ અને સમાધિથી નાશ પામ્યા જેવું થઇ જતાં,
તેના સ્થૂળ શરીરમાં રહેલો આત્મા-રૂપ "અનુભવ",
પૃથ્વી,જળ,વાયુ અને અગ્નિમાં રહેલા આત્મા-રૂપ "અનુભવ" જેવો નિર્વિકાર થઇ ગયો હતો.
તેથી તે મુનિનું શરીર સડી ગયું નહોતું.

હે રામ,આ વિષયમાં બીજું પણ હું તમને કહું છું તે તમે સાંભળો.
જે ગતિ-રૂપ વિકાર છે તે નાશનું કારણ છે.
એ ગતિ-રૂપ-વિકાર ચિત્ત-કે-વાયુ થી થાય છે.એમ વ્યવહારમાં પ્રસિદ્ધ છે.
પ્રાણવાયુઓ જે પોતપોતાની ક્રિયાઓ કરે છે-તે તેની ગતિ છે.
વીતહવ્યના શરીરમાં યોગ-ધારણાથી પ્રાણવાયુઓની ગતિ શાંત  થઇ જતાં,
તે પ્રાણવાયુઓ પથરા જેવા દૃઢ થઇ ગયા હતા,તેથી તે મુનિનું શરીર નષ્ટ થયા વિનાનું રહ્યું હતું.

જેના,હાથ-પગ-આદિ બહારના તથા પ્રાણ-આદિ અંદરના ભાગો સહિત-દેહમાં,
ચિત્ત તથા વાયુ થી થતો,ગતિ-રૂપી વિકાર ના હોય,તેના દેહથી વૃદ્ધિ-ક્ષય-આદિ વિકારો દુર જ રહે છે.
હે રામ,દેહના બહારના તથા અંદરના ભાગોમાં ગતિ શાંત થઇ જાય,
ત્યારે તે દેહમાં ત્વચા-આદિ ધાતુઓ કદી પણ પોતાની પહેલાંની અવસ્થાને છોડી દેતી નથી.
ચિત્ત તથા  વાયુથી થતું દેહનું હલન-ચલન બંધ થઇ જતાં,સ્તબ્ધ થઇ ગયેલ-ત્વચા-આદિ ધાતુઓ,
મેરુ-પર્વત જેવી સ્થિરતા અને દૃઢતા ને પ્રાપ્ત થાય છે.

આ લોકમાં આપણા જોવામાં આવે છે કે-પ્રાણાયામ  આદિથી,ધીર-પુરુષોનું હલનચલન શાંત થઇ જાય છે,
ત્યારે તેઓનાં અંગો લાકડાના જેવાં દૃઢ અને શબનાં અંગો જેવાં સ્થિર થઇ જાય છે.
હે રામ,આ કારણને લીધે,યોગીઓનાં શરીરો હજારો વર્ષો સુધી -સડી જતાં નથી.

હવે,તમારા "વીતહવ્ય તે જ સમયે દેહનો ત્યાગ કરી વિદેહમુક્ત કેમ ના થયા?" તેનો જવાબ આપું છું.
રાગથી રહિત થયેલા,બ્રહ્મને સંપૂર્ણ  રીતે જાણી ચૂકેલાઅને જેનું દેહાભિમાન છૂટી ગયેલું હોય છે-

એવા જે જે મહાત્માઓ હોય છે-તેઓ પોતાના દેહમાં સ્વતંત્ર જ રહે છે.એ મહાત્માઓનો જીવાત્મા જયારે અવશેષ રહેલા,પ્રારબ્ધને ભોગવવાને માટે પ્રવૃત્ત થાય છે,ત્યારે જીવનમુક્ત થયા પહેલાં કે પછી કરવામાં આવેલાં કર્મો અથવા વાસના,કે પછી ઈશ્વર -એમાંથી કોઈ પણ એને અટકાવવાને સમર્થ થતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE