Jun 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-526

હે સંસારમાં નિઃસાર જીવન વાળા મિત્ર "દેહ",તારું કલ્યાણ થજો.
કોઈ દિવસે તારે અને મારે જુદું પડવું જ પડે-એ નિયમ જ છે-માટે મારા જુદા પડવાથી તારે કોઈ ખેદ કરવો નહિ.હવે અમે અમારા સ્થાનમાં જઈએ છીએ.આ લિંગ-શરીરની સાથે  હું સેંકડો જન્મો સુધી  રહ્યો-પણ આજ મારા સ્વાર્થને માટે -જુદો પડું છું.અહો પ્રાણીઓના સ્વાર્થોની ગતિ વિચિત્ર જ છે.હે મિત્ર લિંગ-દેહ,તું કે જે લાંબા કાળનો બાંધવ છે-તેને હું છોડી દઉં છું.એ મારો અપરાધ નથી-કેમકે-તેં જ આત્મજ્ઞાન મેળવીને તારે હાથે જ તારી હાનિ કરી છે.


હે માતા તૃષ્ણા,તું શાંત થતાં,તું એકલી થઇ ગઈ છે,સુકાઈ ગઈ છે અને રાંક થઇ ગઈ છે,
તો પણ તારે દુઃખ ધરવું નહિ.અને હવે તો હું તને ત્યજી જાઉં છું,પણ તેમ કરવાથી મારું કલ્યાણ થવાનું છે-
માટે હવે તારે તારા ભવિષ્યના નાશનું દુઃખ પણ હવે ધરવું નહિ.
હે મહારાજ કામદેવ,મેં તમને જીતવા માટે વૈરાગ્ય -આદિ તારા શત્રુઓના સેવનો કર્યા છે,
તો મારા એ અપરાધોની તારે ક્ષમા કરવી,હવે હું સંપૂર્ણ શાંતિમાં જાઉં છું,તું મને આશીર્વાદ દે.

હે પુણ્યદેવ,હું તને પ્રણામ કરું છું,તેં મને પૂર્વે નરકોમાંથી તરીને સ્વર્ગમાં મોકલ્યો હતો,
એ મારા ઉપર તારો ઉપકાર છે-અને પાપો કે જે યાતનાઓ આપનાર છે-તેને પણ હું પ્રણામ કરું છું.
મેં જેને સાથે રાખીને,લાંબા કાળ સધી ઘણીઘણી પામર યોનિઓ ભોગવી છે-અને જે આજે અદૃશ્ય થઇ ગયો છે-
તે મોહને હું પ્રણામ કરું છું.આ ગુફાઓ કે જેમને સમાધિના સમયોમાં સહાયતા મને આપતી હતી
તેમને હું પ્રણામ  કરું છું.હે દંડ,તેં ઘડપણમાં મારી ઘણી સહાયતા કરી છે-માટે હું તને પ્રણામ કરું છું.

હે સ્થૂળ દેહ,રુધિર આદિથી ખરડાયેલાં આંતરડાં-રૂપી તંતુઓ વાળું,
આ તારું અસ્થિ-પિંજર કે જેમાં રુધિર આદિ વિના બીજો કશો સાર નથી,
તેને લઈને તું જતો રહે.તારા સ્નાન કરવાના પ્રકારો-કે જે મળથી-જળને દુષિત કરનાર જ હતા(તેમ છતાં)
તેઓને હું પ્રણામ કરું છું.તારા વ્યવહારોને અને વ્યવહારોને માટે થતી દોડધામોને હું પ્રણામ કરું છું.

હે પ્રાણવાયુઓ,તમે મારા જુના સહજ મિત્રો છો,માટે અનુક્રમે આજ હું તમને પણ પ્રણામથી માન આપું છું.
તમારુ ભલું થજો.હું જાઉં છું.મેં બ્રહ્માંડની અંદર તમને સાથે રાખ્યા વિના,મેં  કંઈ પણ કર્યું નથી,
કંઈ પણ લીધું નથી,ક્યાંય ગતિ કરી નથી,કંઈ પણ દીધું નથી,અને કોઈનો પણ આશ્રય કર્યો નથી.
હવે તમે પોતપોતાના માર્ગે જાઓ.

હે પ્યારા પ્રાણવાયુઓ,હું તમારાથી છૂટો પાડીને જાઉં છું.
હે સઘળાં મન તથા ઇન્દ્રિયો-આદિ-સંબંધીઓ,જેમ,આ સંસારના માર્ગમાં,ભરતી પછી ઓટ હોય છે,
ચડતી પછી પડતી હોય છે,અને સંયોગો પછી વિયોગો હોય છે.તેમ આપણો આજે વિયોગ થાય છે.

આ મારી ચક્ષુ -ઇન્દ્રિય સૂર્યના મંડળમાં પ્રવેશ કરો,ઘ્રાણ-ઇન્દ્રિય પૃથ્વીમાં પ્રવેશ કરો,
પ્રાણવાયુ (ત્વચા) ગતિવાળા વાયુમાં પ્રવેશ કરો.શ્રોત્ર ઇન્દ્રિય આકાશમાં પ્રવેશ કરો,
રસના ઇન્દ્રિય જળમાં પ્રવેશ કરો.

જેમ તેલ બળી જતાં,દીવો શાંત થાય છે-તેમ હું સઘળા સંકલ્પો થી રહિત થઇ -
ॐ કાર ની છેલ્લી અર્ધમાત્રાથી જ જણાતા,પોતાના સ્વરૂપમાં પોતાથી જ શાંત થાઉં છું.
મારામાંથી સઘળા કાર્યોની પરંપરાઓ જતી રહી છે,મારી સ્થિતિ સઘળાં દ્રશ્યોથી રહિત થઇ છે,
મારી બુદ્ધિ,લાંબા ઉચ્ચારાયેલા ॐ કારથી બ્રહ્મરંઘ્રમાં જે શાંતિ થાય છે,તેને અનુસરીને શાંત થઇ છે,
અને હું હવે,અવશેષ રહેલા પ્રારબ્ધે ટકાવી રાખેલા,અવિદ્યાના લેશથી રહિત થઈને રહ્યો છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE