જેમ ઘર બનાવવા માટે-લાકડાં વનમાંથી થાય છે-કે જે લાકડાંને પોતાને ઘર બનાવવાની જરૂર નથી,રજ્જુ વાંસની છાલમાંથી થાય છે- કે જેમને પણ ઘર બનાવવાની જરૂર નથી,
વાંસલો-આદિ હથિયારો લોઢાનાં છે-કે જેમને પણ ઘર બનાવવાની જરૂર નથી-
અને સુતાર પોતાનું પેટ ભરવાને વાસ્તે જ મજુરી કરી કાળજી રાખે છે-તેને પણ ઘરની જરૂર નથી-તેમ છતાં,પણ જુદાજુદા પદાર્થો રૂપી સામગ્રીથી,જે ઉત્તમ ઘર બને છે-
તેમ,તમે (ઇન્દ્રિયો) કેવળ પોતપોતાના વિષયોનું ગ્રહણ કરનાર છો,
પણ વિષયો-વાળા વ્યવહારને ઉત્પન્ન કરવાની જરૂર-વાળાં નથી.
તે છતાં પણ તમે જે સામગ્રી-રૂપ છો,તેનાથી જે આ ચપળ વ્યવહાર ઉત્પન્ન થયો છે-
તે કાકતાલીય ન્યાય પ્રમાણે જ થયો છે.
માટે આ વ્યવહાર નષ્ટ થઇ જાય તો પણ તેથી તમારામાંના કોઈને કશી હાનિ થાય તેમ નથી.
અવિદ્યા તો સાવ ભુલાઈ ગઈ,અને આત્મ-વિદ્યા સ્પષ્ટ પ્રમાણે પ્રાપ્ત થઇ.સાચું હતીં તે સારું થયું,
ખોટું હતું તે ખોટું થયું,વિનાશી હતું તે વિનાશ પામ્યું અને સ્થિર હતું તે સ્થિર થયું.
વસિષ્ઠ કહે છે કે-હે રામ,મહા-તપસ્વી વીતહવ્ય મુનિ આવી રીતના વિચારથી ઘણાં વર્ષો સુધી રહ્યા.
જેમાં ચિત્ત નષ્ટ થઈને પાછું કદી ઉત્પન્ન થતું નથી,અને મૂઢતા અત્યંત દૂર થાય છે-તે પૂર્ણાનંદ પદમાં -
એ મુનિ સર્વદા રહેતા હતા.સત્ય અને અખંડ આત્મામાં કોઈ સમયે ભ્રાંતિથી વિચિત્ર પદાર્થો દેખાવાથી,
થતા વ્યર્થ દુઃખનું નિવારણ કરવા માટે -
વારંવાર ધ્યાન-રૂપી આશ્વાસનો નો આશ્રય કરી,એ મુનિ સર્વદા સુખમાં જ રહેતા હતા.
ત્યાગ કરવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્ય વિષયોની પ્રાપ્તિ થતાં પણ
"આ ગ્રહણ કરવા યોગ્ય છે કે આ ત્યાગ કરવા યોગ્ય છે"
એવી દૃષ્ટિઓનો ક્ષય થયેલો હોવાથી,તે મુનિનું મન ઇચ્છાથી કે અનિચ્છાથી પણ રહિત થઇ ગયું.
વિદેહ-કૈવલ્ય ની પ્રાપ્તિ,કે જે જન્મોના તથા કર્મોના પરમ અંત-રૂપ છે-તેનો સમય થતાં
(એટલે કે અવશેષ રહેલા પ્રારબ્ધ નો ક્ષય થતાં) પ્રતિભાસ-માત્ર-રૂપે રહેલા સંસારનો ત્યાગ કરીને,
બ્રહ્મ-રસ પીવાની નવી ઉત્કંઠાથી,તે મુનિએ-છેવટે-સહ્યાદ્રીની એક સુવર્ણ-મય ગુફામાં પ્રવેશ કર્યો.
અને ફરી પાછી જગત-રૂપી જાળનો સમાગમ જ ના થાય,એવી રીતે જગત-રૂપી જાળનું અવલોકન કરીને
એ ગુફામાં પદ્માસન વાળી,સ્થિરપણાથી બેસીને એ મુનિ સ્વગત જ કહે છે કે-
"હે રાગ,તું ટળી જા,હે દ્વેષ તું પણ ટળી જા.મેં સંસારમાં ઘણા કાળ સુધી તમારી સાથે રમી લીધું.
હે ભોગો,હું તમને પ્રણામ કરું છું,જેમ રમાડનારાઓ બાળકને રમાડે,તેમ તમોએ મને સંસારમાં કરોડો જન્મ
સુધી રમાડ્યો છે.જે વિષય-સુખે મને- આ પરમ પવિત્ર,નિર્વાણ-પદ ભુલાવડાવ્યું હતું તેને હું પ્રણામ કરું છું.
હે દુઃખ,મેં તારાથી અત્યંત તપીને-આદરપૂર્વક આ આત્માને શોધી કાઢ્યો છે-
માટે મને આ સુમાર્ગ બતાવનારો ગુરુ તું જ છે.તેથી હું તને વારંવાર પ્રણામ કરું છું.
હે દુઃખ,તું "દુઃખ" એવું નામ ધરાવે છે-પણ તારા તત્વનો વિચાર કરતાં,તું અધિષ્ઠાન-રૂપે આત્મા જ છે-
અને તારી કૃપાથી જ મને આ શીતળ પદવી પ્રાપ્ત થઇ છે-માટે હું તને પ્રણામ કરું છું.