Jun 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-524

(૮૬) વીતહવ્યે રાગ-દ્વેષાદિને છેલ્લા પ્રણામો કરી તેમનો ત્યાગ કર્યો
વસિષ્ઠ કહે છે કે-હે રામ,સાયંકાળ થયો ત્યારે તે વીતહવ્ય મુનિએ ફરી વાર પોતાના મનને એકાગ્ર કરવા માટે વિન્ધ્યાચળની જાણીતી કોઈ ગુફામાં પ્રવેશ કરીને -આત્માના અનુસંધાનને નહિ છોડનાર એવા,અને જેમણે જગતનો સારાસાર જોઈ લીધો હતો,એવા- તે મુનિએ ઇન્દ્રિયો અને ચિત્તના સંબંધી નીચે પ્રમાણે વિચાર કર્યો.

વીતહવ્ય સ્વગત કહે છે કે-ઇન્દ્રિયો ને તો મેં પ્રથમ થી જ સારી પેઠે ત્યજી દીધી છે,
માટે તેમના સંબંધમાં મારે હવે ફરીવાર લાંબી ચિંતા કરવાની આવશ્યકતા નથી.
હવે હું,"જગત છે કે નથી" એવા પ્રકારની કલ્પનાને તોડી નાખી,
સાક્ષીભૂત ચૈતન્ય નો જ આશ્રય કરી- દૃઢ આસન વાળીને અવિચલ થઈને રહું.

જીવતા છતાં પણ અજ્ઞાનીઓની દૃષ્ટિથી શબ જેવો રહેવા છતાં પણ,
આત્મા ના અનુસંધાનમાં ઉદ્યોગી રહું,સમતાવાળો થઈને રહું,સ્વચ્છપણું પામીને રહું,
એકરસ ચૈતન્ય-માત્ર-રૂપે રહું,જાગતાં પણ દ્વૈતને નહિ જોનાર થઈને રહું,સ્વરૂપના અનુભવમાં સાવધાન રહું,
અને કાયાની અંદરના  સઘળા મન-આદિના વ્યાપારોને બંધ પાડીને સ્વરૂપ નું અવલંબન કરીને રહું.
હવે,એકાંતમાં સ્થિરતાથી બેસીને રાગ-દ્વેષાદિનો ત્યાગ કરીને
સર્વમાં વ્યાપક અને કલ્પનાઓથી રહિત -બ્રહ્મ-પરમ-પદમાં જ હું રહું.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,એ પ્રમાણે વિચાર કરીને,વીતહવ્ય મુનિ છ દિવસ સમાધિમાં રહીને જાગ્યા,
અને પછી,જાગ્રતમાં પણ સમાહિતના જેવી સ્થિતિથી રહેલા એ મુનિએ,લાંબાકાળ સુધી જીવનમુક્તપણાથી
વિહાર કર્યો.એમણે કોઈ વસ્તુમાં કદી પણ ગુણ-દૃષ્ટિ કે દોષ-દૃષ્ટિ કરી નહિ,કોઇથી ઉદ્વેગ પણ ધર્યો નહિ,
કે કોઇથી હર્ષ પણ ધર્યો નહિ,બેસતાં,ઉભા રહેતાં અને ચાલતાં-પણ પોતાના ચિત્તને વિનોદ આપવા માટે
હૃદયમાં પોતાના મનથી નીચે પ્રમાણે વાતો કર્યા કરતા હતા.

વીતહવ્ય મનને કહે છે કે-હે ઇન્દ્રિયોના અધ્યક્ષ મન,તેં વૈરાગ્ય રાખવાથી સર્વ જગતને આનંદ આપનારું
કેવું સુખ મેળવ્યું છે-તે જો.હે ગતિ કરનારાઓમાં ઉત્તમ મન,આવું સુખ તને વૈરાગ્યથી જ મળ્યું છે,
માટે તારે એ વૈરાગ્યની દશાને જ ધારણ કરી રાખી અને ચપળતાને છોડી દેવી.

હે ઇન્દ્રિયો-રૂપ ચોરો,હે અભિમાન-વાળી દુષ્ટ આશાઓ,આ આત્મા તમારો નથી અને તમે આત્માના નથી,
તમે નષ્ટ થઇ જાઓ.તમારી આશાઓને મેં નિષ્ફળ કરી નાખી છે.ક્ષણભંગુર વિષયોમાં લાગનારાં તમે-
મને દબાવવા સમર્થ નથી."અમે આત્મા છીએ" એવી તમને જે વાસના હતી.
તે વાસના રજ્જુમાં દેખાયેલા સર્પની જેમ -તત્વને ભૂલી જવાને લીધે જ થઇ હતી.
અનાત્મા માં આત્મા અને આત્મા માં અનાત્માની ભાવના -અવિચારથી જ થઇ હતી.

હે ઇન્દ્રિયો તથા મન,વિવેકથી જોતાં,આ વ્યવહાર-રૂપી ખટપટ ઉભી કરવાનો,કોઈને માથે દોષ મૂકી શકાય
તેમ નથી,કેમકે-તમે કેવળ પરતંત્ર છો,માટે તમે તમારી ઇચ્છાથી કશું કરતા નથી.
અહંકાર પણ કેવળ અભિમાન જ ધારણ કરે છે -પણ બીજું કશું કરતો નથી.
અને બ્રહ્મ-અદ્વિતીય છે-માટે તેમાં કોઈ જ ક્રિયાઓ નો સંભવ જ નથી.
કર્તા-પણું પ્રાણની ગતિમાં થાય છે,પણ તે પ્રાણ જડ છે,જીવ કેવળ ભોગવે છે,મન કેવળ મમતા રાખે છે,-
માટે આ વ્યવહારની ખટપટ માટે કોનો-કેવો અને શો દોષ કહેવાય?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE