Jun 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-522

 જેમ બળી ગયેલું કપડું,પ્રથમ જેવા જ આકારવાળું જોવામાં આવતું હોવા છતાં,કશા કામનું  નથી,
તેમ જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં,મિથ્યા થઇ ગયેલું જગત,
પ્રારબ્ધ ના અવશેષ-પણાને લીધે દેખાતું હોવા છતાં,પણ તેઓને બંધન આપનાર થતું નથી.આ બ્રહ્મ-રૂપ ચૈતન્ય,સર્વને આત્મ-સ્વ-રૂપ માની લઈને,ઘણાંઘણાં જગતનો અનુભવ કરી ચુક્યું છે-અને ઘણાંઘણાં જગતનો અનુભવ કરે છે.

પૃથ્વીમાં દબાઈ રહેલા તે વીતહવ્ય મુનિના ચૈતન્યમાં,ખોટા જ ગોઠવાયેલા,અસંખ્ય લોકોમાં-
જે અજ્ઞાની ઇન્દ્ર હતો,તે હમણાં "દિન" નામના દેશમાં રાજા થયો છે.જયારે સદાશિવના ગણની પદવી મળી હતી,તે સમયમાં કૈલાસ ના વનના કુંજમાં,તેમનો ક્રીડા કરવાનો જે હંસ હતો-તે હમણાં ભીલ લોકોનો રાજા થઈને રહ્યો છે.

રામ કહે છે કે-વીતહવ્યના જોવામાં આવેલી એ સૃષ્ટિઓ જો વીતહવ્યના મનથી થયેલી હોય -
તો તેઓમાં જે ઇન્દ્ર-હંસ વગેરે પ્રાણીઓ (જીવો) દેખાયા હતાં.તેઓ પણ ભ્રાંતિમાત્ર જ હોવાં જોઈએ,
અને જો તેઓ ભ્રાંતિમાત્ર હોય તો-ચેતનવાળાં હોવાં કેમ ઘટે?

વસિષ્ઠ કહે છે કે-હે રામ,વીતહવ્યે જોયેલા જગતની પેઠે આ તમારા જોવામાં આવતું જગત ભ્રાંતિમાત્ર જ છે,
તે છતાં,આ જગતનાં પ્રાણીઓ ચેતનાવાળાં તો  દેખાય જ છે.
જેમ આ જગતનાં પ્રાણીઓ ચેતનાવાળાં છે તેમ -
તે જગતનાં (વીતહવ્યે જોયેલા) પ્રાણીઓ પણ ચેતનાવાળાં જ હતાં.
હે રામ,આ જગત પણ ચૈતન્યમાત્ર જ છે અને કેવળ મનની ભ્રાન્તિને લીધે,જુદા આકારવાળા જેવું દેખાય છે.
અને તેવી જ રીતે તે જગત,ચૈતન્યમાત્ર જ હતું અને કેવળ મનની ભ્રાન્તિને લીધે જુદા આકાર વાળું જણાયું હતું.
વાસ્તવિક રીતે જોતાં તે જગત પણ નહોતું અને આ જગત પણ નથી જ.

તમે જે આ જગત જુઓ છો તે મુદ્દલે છે જ નહિ,જે કંઈ જગત દેખાય છે,તે કેવળ બ્રહ્મ જ પ્રકાશે છે.
ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ નું આ જગત બ્રહ્મ-રૂપ છે અને વીતહવ્યને દેખાયેલું જગત પણ બ્રહ્મ-રૂપ જ હતું.આ જે કંઈ દૃશ્ય-રૂપ જગત છે તે,તે સઘળું બ્રહ્મ-રૂપ અધિષ્ઠાનમાં,મનથી કલ્પાયેલું છે.
આવા પ્રત્યક્ષ દેખાતા રૂપ-વાળું જગત--
જ્યાં સુધી--તે-- "બ્રહ્મ-રૂપ અધિષ્ઠાનમાં કલ્પિત છે" એમ જાણવામાં ના આવે--
ત્યાં સુધી તે વજ્ર જેવું દૃઢ થઇ પડે છે અને જાણવામાં આવે -કે તરત જ -તે જગત બ્રહ્મ-રૂપ થઇ જાય છે.

પરબ્રહ્મ કંઈ પણ વિકાર નહિ પામતાં,માયાથી ચિત્ત-રૂપ થાય છે,
ચિત્ત જ વારંવાર મનન કરવાથી-મન-એ નામને પ્રાપ્ત થાય છે, અને તે મને જ આ જગતને ફેલાવ્યું છે.
હે રામ,આ દૃશ્ય જગત આ રીતે જ થયું છે,અને વાસ્તવિક રીતે જોતાં કંઈ પણ થયું જ નથી.

(૮૫) વીતહવ્ય મુનિ જીવનમુક્ત સ્થિતિમાં રહ્યા

રામ કહે છે કે- હે મહારાજ,પછી વીતહવ્ય મુનિએ પૃથ્વીના ગર્ભમાં રહેલા (પૃથ્વીમાં દટાયેલા) પોતાના દેહને તેમાંથી બહાર કાઢ્યો કે નહિ?કાઢ્યો તો શી રીતે કાઢ્યો?
અને કાઢ્યા પછી એ મુનિ શી રીતે વિચર્યા અને શી રીતે વિદેહમુક્તિ પામ્યા?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE