એટલા કાળ સુધી તેમના દેહને તેમના જીવાત્માએ જ પાળી રાખ્યો.
પ્રાણ તો પોતાની ગતિ બંધ થઇ જવાનેલીધે,અત્યંત સૂક્ષ્મ થઇ ગયેલો હોવાને લીધે,
એ દેહને પાળી શકે તેમ નહોતો.પછી એ મુનિના જીવાત્માએ અવશેષ રહેલું પ્રારબ્ધ ભોગવવા માટે,હૃદયની અંદર અનુક્રમે વધારે વધારે પ્રગટ થઇ,સ્થૂળ-પણાને પામી,મન-રૂપ થઇ,હૃદયમાં જ કલ્પના માત્રથી નીચે પ્રમાણે ભોગો ભોગવ્યા.
કૈલાસપર્વતના સુંદર વનમાં,કદંબના ઝાડની નીચે,જ,સો વર્ષ સુધી,જીવનમુક્તપણાથી નિશ્ચિંતપણે,
વિદ્યાધરની પદવી ભોગવી,અને તે પછી પાંચ યુગ સુધી ઇન્દ્રની પદવી ભોગવી.
રામ કહે છે કે-હે મહારાજ,કૈલાસ પર્વત ઉત્તર દેશમાં આવેલો છે,
અને ઇન્દ્રની તથા વિદ્યાધરની પદવી સ્વર્ગમાં જ મળે છે,એમ "દેશ" નિયમિત (નિયમ પ્રમાણે) છે-વળી-
આટલા વર્ષ -આટલા મહિનાથી થાય,તથા યુગ આટલા વર્ષોથી થાય-એમ "કાળ" પણ નિયમિત છે,
તે છતાં,વીતહવ્ય મુનિએ પોતાના હૃદયમાં જ અને અલ્પ-કાળમાં જ--
તે તે દેશનો અને તે તે કાળનો અનુભવ કર્યો,તો એ દેશ-કાળ નો નિયમ કેમ બદલાઈ ગયો?
વસિષ્ઠ કહે છે કે-હે રામ,સર્વ-રૂપ અને સઘળી શક્તિઓવાળું ચૈતન્ય,જ્યાં જે જે પ્રકારે ઉદય પામે (સંકલ્પ કરે)
ત્યાં તે તે પ્રકારે તુરત જ થઇ જાય છે,કારણકે,અનુભવ કરનાર ચૈતન્ય નો એવો જ સ્વભાવ છે.
જ્યાં જયારે દૃઢ સંસ્કારને લીધે,જેવો સંકલ્પ થાય,ત્યાં ત્યારે તેવો જ નિયમ ગોઠવાઈ જાય છે,
કારણકે દેશ-કાળ આદિના નિયમોના ક્રમો "સંકલ્પમય" જ છે.
અત્યંત સૂક્ષ્મ નાડીના છિદ્રમાં અલ્પકાળમાં જ સંકલ્પને લીધે,
વિસ્તીર્ણ દેશ કાળ-વાળા સ્વપ્ન નો અનુભવ થાય છે.એ સર્વના જાણવામાં પણ છે.
આ કારણને લીધે,વીતહવ્યે પોતાના હૃદયની અંદર "અનુભવ-રૂપ આકાશ"માં અનેક પ્રકારનાં જગતો જોયાં.
આત્માના યથાર્થ બોધવાળા જીવનમુક્ત પુરુષોને આવા પ્રકારની જે વાસના હોય છે તે વાસના જ નથી, કારણકે,તે જ્ઞાન-રૂપી અગ્નિ થી ભૂંજાઈ ગયેલી હોય છે.અને ભુંજાયેલા બીજમાં બીજ પણું કેમ હોઈ શકે?
વીતહવ્ય મુનિએ,ઇન્દ્રની પદવી ભોગવ્યા પછી-એક કલ્પ સુધી સદાશિવ ના પાર્ષદની પદવી ભોગવી,
કે જેમાં તેમને સઘળી વિદ્યાઓમાં નિપુણપણું,તથા ત્રણે કાળનું નિઃસંશય જ્ઞાન પ્રાપ્ત થયું.
જેને જેવી રીતનો દૃઢ સંસ્કાર હોય,તે તેવી રીતનું સઘળું દેખે છે,વીતહવ્ય જીવનમુક્ત હતા,
છતાં પણ ભોગ આપનારા,"પ્રારબ્ધ કર્મે",જાગ્રત કરેલા દ્રઢ સંસ્કારથી જ
તેમને દેહના તથા ભોગ-આદિના વિચિત્ર-પણાનો ભાસ થયો હતો.
રામ કહે છે કે-જો વીતહવ્ય મુનિની જેમ,જીવનમુક્ત પુરુષોને પણ દૃઢ સંસ્કારને લીધે,
દેહ આદિના વિચિત્ર આભાસો થતા હોય,તો તેઓને બંધ અને મોક્ષના દેખાવો પણ થવા જોઈએ.
વસિષ્ઠ કહે છે કે-હે રામ,આ જે કંઈ જગત જોવામાં આવે છે-
તેને જીવનમુક્ત પુરુષો,શાંત અને આકાશના જેવા, નિર્મળ બ્રહ્મના જેવું જ જાણે છે-
માટે તેઓને બંધન-મોક્ષના દેખાવો ક્યાંથી થાય?