સાધન કે જે જડ હોય છે,ગતિ વિનાનું હોય છે અને કર્તાએ આપેલી પ્રેરણા વિના અશક્ત જ હોય છે-તે કર્તાએ આપેલી પ્રેરણા વિના શી રીતે કાર્ય કરી શકે?
જો કર્તા પ્રેરણા ના આપે તો સાધનમાં કોઈ જાતની શક્તિ જ હોતી નથી.
જો ઘાસને કાપનારો પુરુષ પ્રેરણા ના આપે તો -દાતરડું શું કરી શકે?
"આત્મા જ જીવપણાને પામીને સંસારમાં પીડાય છે-એટલે તેને માટે હું સઘળા પ્રયત્નો કરવાનો ખેદ ભોગવું છું" એમ જો તું ધારતું હોય તો,તારું તેમ ધારવું એ વૃથા છે.
જે તારા જેવો હોય તેને માટે જ તારે ખેદ ધરવો યોગ્ય છે-પણ આત્મા તારા જેવો નથી -એટલા માટે તેને માટે તારે ઉદ્વેગ કરવો યોગ્ય નથી.આત્માને તો કોઈ કાર્ય કરવાથી કે ના કરવાથી-કંઈ હાનિ-લાભ થાય એમ નથી.
તું જો દેહમાં અભિમાન ધરીને "હું ભોગોની સગવડ કરી આપીને દેહનો કે આત્માનો ઉપકાર કરું છું"
એમ ધારતું હોય તો-તું દેહને માટે અમસ્તું જ દુઃખી થાય છે કેમ કે-દેહમાં રહેનારાં,પાંચ પ્રાણ,મન,બુદ્ધિ અને દશ ઇન્દ્રિયો-એ સઘળાં જડ છે,માટે -તેમાં કોઈને કોઈ પણ ભોગ જોઈતો નથી.
અને,આત્મા તો સર્વદા તૃપ્ત જ છે-માટે તેને કોઈ પણ પ્રકારની (ભોગની) ઈચ્છા નથી.
સર્વ-રૂપ,સર્વમાં વ્યાપક અને એક હોવા છતાં-અનેક-રૂપ દેખાવાની શક્તિવાળો આત્મા પોતે પોતામાં જ
સર્વ જગતને બનાવે છે-માટે તેને કયો પદાર્થ અલભ્ય હોય? કે જેની તે ઈચ્છા કરે?
હે ચિત્ત,જેમ રાજાની અલબેલી રાણીને જોઇને યુવાન પુરુષ અમસ્તો જ દુઃખી થાય છે-
તેમ,તું આત્માની આ સઘળી લીલા જોઇને અમસ્તું જ દુઃખી થાય છે.
હે ચિત્ત, જો તું એમ ધારતું હોય કે "આત્માની સાથે સંબંધ રાખીને તેના અનુગ્રહથી જ ભોગો ભોગવીશ"
તો તારું તેમ ધારવું પણ વૃથા છે-કેમકે-તું આત્મા ના સંબંધને યોગ્ય જ નથી.
એકબીજાના પદાર્થ ની અંદર રહેવું અથવા બીજા પદાર્થ ની સાથે મળી જવું-એ સંબંધનું મુખ્ય લક્ષણ છે,
પણ આવો સંબંધ તારાથી ધરાવી શકાય તેમ નથી.કેમ કે તારો અને આત્માનો સ્વભાવ -એકબીજાથી વિરુદ્ધ છે.
તું અનેક પ્રકારની રચનાઓવાળાં અને અનેક પ્રકારની ક્રિયાઓ કરાવનારાં-અનેક પ્રકારનાં-
સુખ-દુઃખોની અનેક દશાઓ વાળું છે પણ આત્મામાં તેવી કોઈ એક પણ દશા નથી.
માટે તારો અને આત્માનો સ્વભાવ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ છે.
જેઓ જળ અને અગ્નિ ની જેમ પરસ્પરથી વિરુદ્ધ હોય તેઓનો સંબંધ થવો ઘટે નહિ.
અને જગતમાં જો પરસ્પરથી અત્યંત વિરુદ્ધ હોય-તેઓનો સંબંધ થાય તો તેઓમાંથી એક નો નાશ થયા વિના રહે નહિ-તેમ જોવામાં આવે છે.માટે તેઓનો સંબંધ જ રહી શકતો નથી.
તારો અને આત્માનો જો સંબંધ થાય તો-જો તારા પ્રભાવથી આત્મા દુર થઇ જાય તો-તને જાણનારો (આત્મા)
કોઈ ના રહેવાને લીધે તારી સિદ્ધિ ના થાય અને જો આત્માના પ્રભાવથી તું નષ્ટ થઇ જાય તો-
તેં પોતાના નાશ અર્થે જ આત્મા નો સંબંધ માગ્યો કહેવાય.એટલે બંને રીતે તારી હાનિ છે.
તું ભોગની લાલચથી આત્માના સંબંધને માગીને હાથે કરીને તારા સ્વરૂપનો નાશ કરવા જ ધારે છે-
માટે તેમ તું કર નહિ.સ્વરૂપ થી ભ્રષ્ટ થવું તે મોટું દુઃખ છે.
"હું સઘળું દૃશ્ય કે જે અજ્ઞાન-રૂપ છે,તેનો આત્માના જ્ઞાનપણાના પ્રભાવથી નાશ થઇ જાય તો-એકલો
નિરતિશય આનંદ-રૂપ આત્મા જ અવશેષ રહેશે-એ સારું થશે" એમ ધારીને તું એટલાથી સંતોષ માનતું હોય,
તો એકાગ્ર-ધ્યાન-રૂપ સમાધિ કરીને આત્માનું જ દર્શન કરનારું થા.