હે રામ, હવે,મોક્ષ આપનારો તથા ઇન્દ્રિયો અને મનને સમજાવવા-રૂપ એક બીજો વિચાર કહું છું તે તમે સાંભળો.જે વિચારથી,વીતહવ્ય નામના મુનિએ સઘળા સંદેહોથી રહિત થઈને પરમ પદમાં નિવાસ કર્યો હતો.
પૂર્વે,મહાતેજસ્વી વીતહવ્ય મુનિ,સંસારથી કંટાળી જઈને,સમાધિ કરવાનું સ્થળ શોધવા માટે,વિન્ધ્યાચળની
ગુફાઓની આસપાસ ફરતા હતા.આખરે તેઓએ સુગંધ-વાળી અને કપૂરથી ધોળેલી,કેળનાં પાંદડાઓથી બનાવેલી,પર્ણ-શાળામાં પ્રવેશ કર્યો.
મૃગચર્મ પાથરીને,તેઓ શુદ્ધ અને સમતા-વાળા આસન પર બેઠા.પદ્માસન વાળી,પગનાં તળિયાં પર હાથની આંગળીઓ રાખી,ડોકને ઉંચી રાખી,શરીરને સ્થિર કરી,શિખરની પેઠે તેમણે સ્થિતિ કરી.
તે મુનિએ.વિષયોમાં ચારે તરફ વિખરાયેલા પોતાના મનને ધીરે ધીરે સમેટી લીધું.અને અનુક્રમે બહારના તથા અંદરના વિષયોનો ત્યાગ કરતાં,પોતાના મનથી વિચાર કર્યો.
વીતહવ્ય સ્વગત કહે છે કે-અહો,વિષયોમાંથી પાછું વાળેલું છતાં પણ ક્ષણ-માત્રમાં ચંચલ થઇ જતું,આ મન,
તરંગો થી તણાતાં જતાં પાંદડાની જેમ,સ્થિરતાને પ્રાપ્ત થતું નથી.
ચક્ષુ-આદિ પ્રચંડ ઇન્દ્રિયોએ -ભ્રમથી પકડેલા વિષયોની માટે,આ મન,હાથથી પછાડેલા દડાની જેમ નિરંતર ઉછળ્યા જ કરે છે.આ મન ઇન્દ્રિયોએ વધારેલી વૃત્તિઓમાં,એક ને ત્યજી બીજીને અને બીજીને ત્યજી ત્રીજીને-
એમ અનેક વૃત્તિઓમાં ભટક્યા કરે છે.અને જેમાંથી પાછું વાળીએ-તો તેમાંજ ગાંડાની માફક પાછું દોડે છે.
જેમ વાંદરો વૃક્ષોમાં કૂદયા કરે છે તેમ આ મન,જુદાજુદા વિષયોમાં કૂદયા કરે છે.
હવે હું,પ્રથમ મનને નીકળવાનાં પાંચ-દ્વારો-રૂપ,આ તુચ્છ,ચક્ષુ-આદિ કે જે "ઇન્દ્રિયો" એ નામથી ઓળખાય છે,તેઓનું જ સારી રીતે અવલોકન કરું.
હે,અભાગણી ઇન્દ્રિયો,જેમ સમુદ્રના જળને સ્થિર થવાનો અવસર મળતો નથી,તેમ તમને પણ સ્થિર થવાનો અવસર નથી મળતો કે શું? તમે જો સ્થિર થાઓ,તો જ મને સમાધિથી આત્માનું દર્શન મળે.
હે ઇન્દ્રિયો,કેવળ અનર્થોમાં પડવા માટે તમે ચપળતા કરો નહિ.
ચપળતા કરવાથી ભૂતકાળમાં જે ઘણાં ઘણાં દુઃખો પડ્યાં હતાં-તેઓનું સ્મરણ કરો.
હે મનનાં દ્વારો-રૂપ અધમ ઇન્દ્રિયો,તમે જડ જ છો,અને જે જડ હોય છે,તેઓનું ઉછળવું-એ-,ઝાંઝવાંના
પાણીની જેમ વ્યર્થ જ હોય છે.તમે કે જેઓ સર્વથા મિથ્યા સ્વ-રૂપ-વાળી જ છો,તેમનું આ સાચા તત્વને સમજ્યા વિનાનું ઉદ્ધત-પણું,આંધળા મનુષ્યને દોડવા સમાન જ થાય છે.
હે અભાગણી ઇન્દ્રિયો,મહા સમર્થ ચૈતન્ય-રૂપ હું જ છું,સાક્ષી-પણાથી સઘળું કરું છું,તે છતાં,તમે નાહક આકુળ-વ્યાકુળ શા માટે થાઓ છો? તમે ભ્રાંતિથી ખાલી-મફતની જ મસ્તી કર્યા કરો છો.
સર્વને પ્રકાશ આપનારો-જે સાક્ષી-ઇન્દ્રિયોને (ચક્ષુ-વગેરે) જાણે છે,-તેની સાથે તેને કોઈ જ સંબંધ નથી.
જેમ સ્વર્ગલોકને અને પાતાળલોકને કોઈ સંબંધ નથી,અને જેમ માર્ગમાં ચાલતો મનુષ્ય,સર્પોથી દૂરજ રહે છે,
તેમ અખંડિત ચૈતન્ય-રૂપ આત્મા ઇન્દ્રિયોથી દૂર જ રહે છે.