Mar 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-447

(૪૯) ગાધિ બ્રાહ્મણ જીવનમુક્ત થયો-આખ્યાનની સમાપ્તિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,વિષ્ણુ ભગવાન પધારી ગયા પછી,પણ તે ગાધિ બ્રાહ્મણ પોતાના મોહનો ફરી વિચાર કરવા લાગ્યો અને ફરીવાર અનુક્રમથી તે ભૂતમંડળ અને કીરદેશમાં ફરવા લાગ્યો અને ફરીથી પણ તેને એ જ વૃતાંત લોકો પાસેથી સાંભળવામાં આવ્યું.એટલે તે ફરીથી મૂંઝાઈ ગયો,અને તેથી તે,ફરીવાર પર્વતની ગુફામાં રહીને વિષ્ણુનું આરાધન કરવા લાગ્યો.

થોડો કાળ જતાં જ વિષ્ણુ ભગવાન પધાર્યા-કેમ એ એકવાર આરાધન કરવાથી પ્રભુ મિત્ર જેવા  થઇ જાય છે,
એટલે,જ,જેમ મેઘ મોરને દર્શન દે છે,તેમ અત્યંત પ્રસન્ન થયેલા વિષ્ણુએ ગાધિ ને દર્શન દઈને પૂછ્યું કે-
"વળી તું તપ કરીને શું માગે છે?"

ગાધિ કહે છે કે-હે,પ્રભુ,હું ફરીવાર એ ભૂતમંડળ-અને કીર દેશમાં ફર્યો,અને તેમ કરતાં,પણ લોકોની વાતો અને બીજા ચિહ્નોમાં પણ મારા વૃતાંત સંબંધી કશો ફેરફાર જોવામાં આવ્યો નહિ.(એટલે કે તે ભ્રાંતિ નહોતી)
જયારે,આપે તો કહ્યું હતું કે-એ સઘળું ભ્રાંતિ થી જ જોવામાં આવ્યું હતું,તો તે શી રીતે મનાય?
ભ્રાંતિથી જોવામાં આવેલા પદાર્થો,અવશ્ય બીજા કાળે,ફેરફાર પામી જાય છે,અને મારા જોયેલા પદાર્થો તો,
બીજા કાળે પણ ફેરફાર પામ્યા નહિ,માટે એ ભ્રાંતિ છે-એમ કેમ માની શકાય?
મહાત્માઓના વચનથી તો મોહ નો નાશ જ થવો જોઈએ,વૃદ્ધિ નહિ,
પરંતુ આપનાં વચનોથી તો,ઉલટી મારા મોહની વૃદ્ધિ થઇ છે,

વિષ્ણુ ભગવાન કહે છે કે-જેમ તારા ચિત્તમાં ચાંડાળ ની સ્થિતિ પ્રાપ્ત થયેલી છે,તે જ રીતે,કાક-તાલીય ન્યાય
મુજબ,ભૂતમંડળ અને કીરદેશના સઘળા માણસોના મનમાં ચાંડાળની સ્થિતિ પ્રતિબિમ્બિત થયેલી છે,
તેથી તેઓ તારા વૃતાંતને,બરોબર તે જ રીતે (તારા વૃતાંત મુજબ જ) કહે (વર્ણવે) છે.
આવો,જે મિથ્યા આભાસ થયો હોય તેનો જ્ઞાનથી બાધ થયા વિના-નાશ થતો નથી.

કોઈ ચાંડાળે,ગામના સીમાડામાં ઘર બનાવ્યું હશે અને તે ભાંગી-તૂટી પણ ગયું હશે,
તે તારા જોવામાં આવ્યું,અને તે ઘરમાં તેં પ્રવેશ કર્યો.
અને,કોઈ કાક-તાલીય ન્યાય (કાગનું બેસવું અને ડાળ નું ભાંગવું) પ્રમાણે,
ઘણા માણસોને એક પ્રકારનો આભાસ પણ થાય છે,કેમ કે મન ની ગતિ વિચિત્ર છે.
જેમ,નિંદ્રાની પેઠે ભ્રાંતિ આપનારા,મદ્યપાન થી બગડી ગયેલા ચિત્ત-વાળાઓને સઘળી દિશાઓ ઘૂમતી જોવામાં આવે છે,તેમ,ઘણાં માણસો કોઈ એક જ સમયે,એક પ્રકારના જ સ્વપ્ન (આભાસ કે ભ્રાંતિ) ને દેખે છે.
એ વાત ઘણી વખત આપણા જોવામાં આવતી હોય  છે.

હે,ગાધિ,"જો જગત એ એક જાતની મન ની જ કલ્પના હોય,તો-કોઈ કાળમાં અમુક છોડવાઓનો નાશ થાય છે અને અમુક ધાન્ય ના છોડવાઓનો ઉદય થાય છે,એવી કાળની વ્યવસ્થા રહેવી જોઈએ નહિ,
પણ,મનની કલ્પનાથી સર્વ કાળમાં સર્વ સરખી રીતે થવું જોઈએ."
એવી શંકા પણ તારે રાખવી જોઈએ નહિ,કારણ કે એ "કાળ" પણ મનથી કલ્પાયેલો એક પદાર્થ જ છે.
સૂર્યની "ક્રિયા" ને જોઇને મનથી જ,ઋતુ,મહિના-આદિ (કાળ) ની દ્રઢ કલ્પના કરી લેવામાં આવી છે.

કલ્પિત "કાળ" ના અધિષ્ઠાન-ભૂત જે આત્મા છે-તે તો સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહે છે,
એટલે તે કોઈનો પ્રતિબંધ પણ કરતો નથી કે કોઈનો ઉદય પણ કરતો નથી.
જે વાસ્તવિક અખંડ કાળ છે તે આત્મા જ છે એમ-વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે.
અને તે આત્મા કદી કોઈનું કંઈ લેતો નથી કે મૂકતો પણ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE