Mar 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-446

વિષ્ણુ ભગવાન કહે છે કે-હે,ગાધિ.તત્વને નહિ જાણનારા,અને પોતાનામાં રહેલા વાસનાઓ-રૂપી રોગથી પકડાયેલા ચિત્તનું જ એ રૂપ (ભ્રાંતિ) છે,કે જે મોટા જગતના ભ્રમ-રૂપે તારા જોવામાં આવે છે.
આ સઘળું ચિત્તનું જ રૂપ છે,તેથી તે બહાર પણ નથી,અંદર પણ નથી,લાંબુ પણ નથી કે ટૂંકું પણ નથી. સઘળા પૃથ્વી-વગેરે પદાર્થો, ચિત્તમાં જ છે અને ચિત્તમાંથી જ પ્રગટ થાય છે.

જેમ,વાત્વિક રીતે,પાંદડાં અને ફળ આદિ પદાર્થો અંકુરમાં જ છે,અંકુરની બહાર નહિ,તેમ,વાસ્તવિક રીતે પૃથ્વી-આદિ પદાર્થો ચિત્તમાં જ છે,ચિત્ત ની બહાર કદી પણ નથી.જેમ,કુંભાર ઘડાને બનાવે છે અને ફોડી પણ નાખે છે,તેમ,ચિત્ત જ આ જગતને બનાવે છે અને નષ્ટ પણ કરી નાખે છે.

વર્તમાન પદાર્થોનું ઇન્દ્રિયો થી અવલોકન,ભવિષ્યના પદાર્થો નું મનથી મનન,વગેરે ચિત્ત જ બનાવે છે-
અને પોતાનામાં સમેટી લે છે.સ્વપ્ન થી થયેલા ભ્રમોમાં,રાગથી થયેલા ભ્રમોમાં,અને રોગ આદિના ભ્રમોમાં,
તે,સઘળા પદાર્થો ને ચિત્ત જ બનાવે છે ને એ ચિત્ત જ બધું પાછું સમેટી લે છે.
અને આ વાત બાળકથી માંડી વૃદ્ધ સુધીનાં સઘળા મનુષ્યોના અનુભવમાં પણ છે.

જેમ,મૂળથી પૃથ્વીનું ગ્રહણ કરીને રહેલા ઝાડમાં લાખો ફળો,પાંદડાં અને પુષ્પો રહે છે,
તેમ,વાસનાઓનું ગ્રહણ કરીને રહેલા ચિત્તમાં લાખો વૃતાંતો રહે છે,અને
જેમ,પૃથ્વીમાંથી ઉખડી ગયેલા ઝાડમાં ફરીવાર પાંદડા કે ફળ થતા નથી,
તેમ,વાસનાથી રહિત થયેલા ચિત્તમાં ફરીવાર જન્મ-મરણ -આદિ થતાં  નથી.

જેમાં અનંત બ્રહ્માંડો ની જાળ રહેલી છે,એવા તે ચિત્તે,પોતાની અનંત વાસનાઓના એક-દેશ-રૂપ,
ચાંડાળ-પણાને પ્રગટ કર્યું.તો તેમાં વિસ્મય પામવા જેવું શું છે?
જે રીતે ઘણા આડંબર-વાળું અને વિચિત્ર ચિંતાઓ-રૂપી-વિકારો દેનારું,ચાંડાળ-પણું તારા જોવામાં આવ્યું,
તે જ રીતે અતિથિ બ્રાહ્મણ આવ્યો,અને તેણે જે વાતો કરી.એ ભ્રાંતિ થી જ તારા જોવામાં આવ્યું છે.
ભૂતમંડળ અને કીર દેશની તારી મુલાકાત પણ ભ્રાંતિ થી જ તારા જોવામાં આવી છે.

હે,ઉત્તમ બ્રાહ્મણ,જેને તું સાચું ગણે છે અને જેને તું ખોટું ગણે છે,તે પણ સઘળી મોહ-જાળ જ છે અને તે તારા જોવામાં પણ આવી છે.વાસનાથી ઘેરાયેલું ચિત્ત,પોતાની અંદર શું ના દેખે? એ કંઈ કહી શકાતું નથી.
કારણકે -કોઈ કામ કે જે એક વર્ષમાં પણ સિદ્ધ થઇ શકે તેવું ના હોય તે કામ,ઘણી વાર
સ્વપ્નમાં ક્ષણ-માત્રમાં સિદ્ધ થયેલું જોવામાં આવે છે.

હે મહા બુદ્ધિમાન,ગાધિ,જે સઘળું તારા જોવામાં આવ્યું છે તે માત્ર મોહથી જ તારા જોવામાં આવ્યું છે.
અઘમર્ષણ ના સમયમાં પણ જે કંઈ તારા જોવામાં આવ્યું તે,સઘળું માયા-મય જ જોવામાં આવ્યું છે.
અને તે સઘળો તારા મન નો ભ્રમ છે.
હવે તારા બ્રહ્મચર્યાશ્રમમાં ઘટે-એવાં વેદાધ્યયન -વગેરે કામમાં તું તત્પર થા અને તે પોતાનાં કર્મ કરતાં,
શાંત બુદ્ધિ-વાળો થઈને રહેજે.વર્ણાશ્રમ ના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલાં,પોતાનાં કર્મો કર્યા સિવાય,
મનુષ્યને આ જગતમાં કલ્યાણ  ની પ્રાપ્તિ થતી નથી.

ગાધિને આમ કહીને વિષ્ણુ ભગવાન પોતાના સ્થાનક-રૂપ ક્ષીર-સાગર માં પધાર્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE