વસિષ્ઠ કહે છે-કે-હે,રામ,તે પછી,તે ગાધિ ત્યાંથી 'ભૂતમંડળ' દેશના સીમાડા પાસે ગયો.અને ત્યાં તેને,પોતે જે સ્વપ્નમાં જોયું હતું તેવું જ સર્વ જોવામાં આવ્યું.તેણે ત્યાં ચાંડાળોનું ફળિયું જોયું,અને ત્યાંથી આગળ જઈને તે ગામમાં ગયો,ત્યાં જઈને તેણે લોકોની પાસે પૂછપરછ કરવા માંડી.
ગાધિ પૂછે છે કે-આ ગામની પાસેના બહારના ભાગમાં પૂર્વે એક ચાંડાળ રહેતો હતો,તેના વિષે તમને ખબર છે? ત્યારે ગામના લોકોએ,જે રીતે ગાધિએ જે રીતે સ્વપ્ન જોયું હતું તે જ રીતનું તે "કટન્જ" ચાંડાળ નું વર્ણન કર્યું.
વસિષ્ઠ કહે છે કે-આ પ્રમાણે,વારંવાર લોકોને પૂછ્યા કરતો એ ગાધિ બ્રાહ્મણ એક મહિના સુધે એમ ને એમ ફર્યા કર્યો.પણ સર્વ ના મુખે થી ચાંડાળ વિશેનું એ જ વર્ણન સાંભળતો રહ્યો.અને એ વર્ણન ને લગતા કેટલાક પદાર્થો ને સારી રીતે ઓળખીને અત્યંત લજ્જા પામેલો અને લાજને લીધે,મનની વાત મનમાં જ છૂપાવતો તે ગાધિ અત્યંત વિસ્મય ને પ્રાપ્ત થયો,કે જે વિસ્મય કલંક ની પેઠે હૃદયમાં ડંસી રહ્યું.
(૪૮) ગાધિએ ફરી તપાસ કરી અને વિષ્ણુએ "સઘળી માયા છે" એવો નિશ્ચય કરાવ્યો
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, વિસ્મય પામેલો તે ગાધિ ફરીથી તે ચાંડાળ ના ફળિયામાં ગયો,ભાંગી-તૂટી ગયેલા
(સ્વપ્નના) પોતાના ઘરને જોવા લાગ્યો,અને મનમાં ને મનમાં ત્યાં બેસીને સ્વપનમાં બનેલી વાતોને
સંભાળવા માંડ્યો.વિસ્મયથી માથું હલાવ્યા કરતો તે ગાધિ દૈવની ગતિને અદભૂત માનવા માંડ્યો.
ત્યાંથી તે "કીર-દેશ" માં પહોંચ્યો અને લોકો ને ચાંડાળ રાજા વિશેપૂછવા માંડ્યો.
ત્યારે પણ લોકોએ -તેના સ્વપ્ન માં જે બન્યું હતું તે રીત નું જ વર્ણન કર્યું.
ત્યારે ગાધિ વિચારે ચડીને સ્વગત કહે છે કે-આ કીર-દેશનું રાજ્ય મેં પૂર્વે ભોગવ્યું હતું,તે આજ બીજા જન્મના
ચરિત્ર ના પેઠે,ના સંભવે,તે રીતે મને પ્રત્યક્ષ થયેલું છે.આ તો વિસ્મયકારક વાત છે કે-પૂર્વે મને જે સ્વપ્ન જેવું જોવામાં આવ્યું હતું તે -આજ જાગ્રતના પદાર્થ-રૂપ થઈને મારી પ્રત્યક્ષ ખડું થયું છે.સમજી શકાતું નથી કે-આ માયા શા કારણથી પ્રગટ થઈને આ રીતે દેખાય છે !!
અહો,જેમ જાળ,પક્ષીને પરવશ કરી નાખે છે-તેમ,મને આ મનના,લાંબા અને વધતા જતા મોહે,પરવશ કરી નાખ્યો છે,આ બહુ ભૂંડું થયું છે.કે વાસનાથી ખરાબ થયેલું મારું મૂઢ -મન,મોટા ભ્રમોના સમૂહને જુએ છે.
હા, હવે મને સંપૂર્ણ સ્મરણ પ્રાપ્ત થયું,તે બહુ સારું થયું.આ મોટી માયા મને વિષ્ણુ ભગવાને જ દેખાડી છે.
હવે હું પર્વત ની ગુફામાં જઈને તપ કરીને એવો પ્રયત્ન કરીશ કે આ દુષ્ટ ભ્રમના કારણને જાણી શકું.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે પછી તે ગાધિ તે નગરમાંથી નીકળીને એક પર્વતની ગુફામાં જઈને શાંતિથી રહીને,દોઢ વર્ષ સુધી તપ કર્યું,ત્યારે વિષ્ણુ ભગવાન ગુફામાં પધાર્યા.અને બોલ્યા કે-
"હે,ગાધિ,તેં મારી મોટામાં મોટી માયા જોઇને? આ જગત-રૂપી જાળની લીલા કે જે દેખાવ પુરતી જ છે,
તે તારા જોવામાં આવીને? તને મારી માયા જોવાની જે ઈચ્છા હતી તે તો હવે સારી રીતે પૂર્ણ થઈને?
હવે,કહે કે-અહીં ફરીથી તપ કરીને તું બીજું શું ઈચ્છે છે?"
ત્યારે ગાધિએ વિષ્ણુ-ભગવાન નું પૂજન કરીને,તેમની પ્રાર્થના કરવા માંડી અને કહ્યું કે-
હે,દેવ,આપે જે અત્યંત અંધકાર-મય (અજ્ઞાન-મય) આ માયા દેખાડી,એ માયાની મને સમજણ પાડો.
વાસનાઓ-રૂપી મેલોથી ઘેરાયેલું મન,સ્વપ્ન ની પેઠે જ મિથ્યા પદાર્થો-રૂપ ભ્રમને દેખે -
તે ભ્રમ,જાગ્રતમાં પણ કેમ જોવામાં આવે?
હે,પ્રભુ, મને જળ ની અંદર,સ્વપ્ન જેવો ભ્રમ -જે બે ઘડી-વાર માટે જોવામાં આવ્યોતે ભ્રમ પાછો,
પ્રત્યક્ષપણાને કેમ પ્રાપ્ત થયો?
મને જે ચાંડાળપણાની ભ્રાંતિ થઇ હતી,તે ભ્રાંતિએ કરેલા કાળની-લંબાઈ-ટૂંકાઈ અને જન્મ-મરણો,
મારા મન ની અંદર જ નહિ રહેતાં બહાર પણ કેમ થયાં?