વસિષ્ઠ કહે છે કે-હે,રામ, જેમ સમુદ્રના કિનારા ની સમીપ થતી,ભરતી ની પ્રબળ ચકરી,બે ઘડી વારમાં ભ્રમણ થી શાંત થઇ જાય છે,તેમ,એ ગાધિ બ્રાહ્મણ,મહા-પીડા-કારી ચિત્તના ભ્રમણથી બે ઘડી-વારે શાંત થયો.તે ગાધિ નો ભ્રમ શાંત થતા તે ધીરે ધીરે જાગ્રત થયો.અને-"હું તળાવમાં નહાવા માટે ઉતરેલો ગાધિ છું અને આ તર્પણ-વગેરે મારે કરવાનું છે,રાજ્ય નહિ"એમ તે જોવા લાગ્યો.પોતાના ગાધિ-પણા નું સ્મરણ થતાં-"હું થાકી રહ્યો હતો,તેને લીધે ક્ષણવારમાં આ મોટો ભ્રમ મારા જોવામાં આવ્યો" એમ જાણીને તે જળમાંથી બહાર નીકળ્યો,અને તળાવના કાંઠે બેસીને ચિંતવન કરવા લાગ્યો-
ગાધિ ચિંતવન કરે છે અને સ્વગત કહે છે કે-હું તો નાનો હતો અને મારાં માબાપ મરી ગયાં છે,મારું લગ્ન પણ નથી થયેલું,અને હું દુષ્ટ અને ક્ષોભ ઉત્પન્ન કરાવે તેવી કોઈ સ્ત્રી (ચાંડાળી) સ્વરૂપને જાણતો પણ નથી.
મારા સ્વદેશના બાંધવો તો અહીંથી અત્યંત દૂર છે,તે છતાં,જેમની મધ્યમાં અહી,હું મરી ગયો હતો,
તો,તેઓની સાથે મારે શો સંબંધ હતો? જેમ ગાંધર્વ-નગર (ભ્રાંતિ) જોવામાં આવે તેમ,
અનેક પદાર્થો વાળું,અને જન્મ-આદિની આસક્તિ વાળું આ બધું મેં શું દીઠું?
એ જોવામાં આવ્યું તે ભલે-પણ હવે મારે તેનો વિચાર કરવાની જરૂર નથી.એ સર્વ તો સ્વપ્ન જેવી ભ્રાંતિ હતી,પ્રાણીઓ નું ચિત્ત -નિત્ય રીતે આવી જ ભ્રાંતિઓમાં નિયમિત ભમ્યા કરતુ હોય છે.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ ગાધિ બ્રાહ્મણે, ચિત્તમાં મોહ થવા વિષે,એ પ્રમાણે નિશ્ચય કરીને પોતાના આશ્રમ માં જ કેટલાએક દિવસ કાઢ્યા.એક દિવસ તેની પાસે કોઈ અતિથિ આવ્યો અને તે થાકેલો હોવાથી તેના આશ્રમમાં જ તે રાત્રિ રહ્યો. ગાધિ એ તે અતિથિ નું સન્માન કર્યું,અને ભોજન પતાવી ને કોમળ પાંદડાની શય્યા પર આવીને બેસીને બંને વાતો કરવા લાગ્યા.
ત્યારે પ્રસંગ પ્રાપ્ત થતા,અતિથિને ગાધિએ પૂછ્યું કે-હે,ઉત્તમ,બ્રાહ્મણ,તમારું શરીર બહુજ દુબળું થઇ ગયું છે
અને તમે થાકી ગયેલ હોવ,તેમ જણાવ છો,તો તેનું કારણ શું છે?
અતિથિ કહે છે કે-હે,મહારાજ,કારણ એ છે કે-ઉત્તર દિશામાં -કીર-નામનો એક દેશ છે,ત્યાં હું એક મહિના સુધી રહ્યો હતો,ત્યાંના લોકો મારું સારું સન્માન કરતા હતા.એક દિવસ એક માણસે મને કહ્યું કે-હે,બ્રાહ્મણ,આ નગરમાં,એક ચાંડાળે આઠ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.અંતે એ રાજા ચાંડાળ છે એમ લોકોના જાણવામાં આવતાં,તે રાજાએ તરત જ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો.અને તે આભડછેટ ને લીધે સેંકડો બ્રાહ્મણોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો.એમના મુખે થી આ વાત સાંભળી,ત્યાંથી નીકળીને હું પ્રયાગ ગયો અને ત્યાં મેં શુદ્ધિને અર્થે,ત્રણ ચાંદ્રાયણ વ્રત કરીને પ્રાયશ્ચિત કર્યું.અને તે વ્રત પૂરું થતાં પારણું કરીને અહી આવ્યો છું.
આ કારણે (શુદ્ધિ માટેના ચાંદ્રાયણ વ્રત ને લીધે) હું થાકી ગયો છું અને શરીરે અત્યંત દૂબળો થઇ ગયો છું.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, અતિથિના મુખેથી એ પ્રમાણે વાત સાંભળીને તે ગાધિએ ફરીવાર તે અતિથિ ને પૂછ્યું,તો તે વખતે પણ તેણે એવી ને એવી જ વાત કરી.જયારે એમાં કોઈ પણ ફેરફાર જણાયો નહિ,
ત્યારે ગાધિ બહુ વિસ્મય પામ્યો.બીજે દિવસે સવારે પ્રાતઃસ્નાન કરીને,આજ્ઞા લઈને અતિથિએ ત્યાંથી વિદાય લીધી.ત્યારે ગાધિ-બ્રાહ્મણે અત્યંત વિસ્મય પામેલી બુદ્ધિ થી વિચાર કર્યો કે-
"મેં જે ભ્રાંતિમાં જોયેલું,તેને આ બ્રાહ્મણે સાચે સાચું બનેલું છે એમ કહ્યું.રખેને આ વાત કોઈ માયા હોય!!
જો કે,બંધુઓના મધ્યમાં મેં મારું મરણ દીઠું-તે તો ખરેખર ભ્રાંતિ જ છે,એમાં કોઈ સંશય નથી.
પણ અતિથિએ કરેલા વૃતાંતનો મારે નિશ્ચય કરવો જોઈએ.અને તે માટે હું તે દેશના સીમાડા પાસે જાઉં."