તે ચાંડાળ(ગાધિ) સોળ વર્ષનો થયો ત્યારે અસંખ્ય મૃગો નો શિકાર કરીને પોતાની આજીવિકા ચલાવવા માંડ્યો,સમય આવ્યે-તેને એક ચાંડાળી ની જોડે લગ્ન કર્યું.અને તેની સાથે વનોમાં વિહાર કરવા લાગ્યો.અને સમય જતાં,તેમને - વિષમ ચરિત્રવાળા પુત્રો ઉત્પન્ન થયા.
જયારે તે ચાંડાળ (ગાધિ) ઘરડો થયો ત્યારે તે પોતાના દેશમાં પાછો આવીને ઝુંપડી બાંધીને રહ્યો.પણ એક વખત ભારે પવન વાળો વરસાદ થતાં,તે ચાંડાળનું સઘળું કુટુંબ (સ્ત્રી-પુત્ર) મરણ ને વશ થઇ ગયું.આમ,(ગાધિની) ભ્રાંતિથી થયેલા અને "કટન્જ" નામથી ઓળખાતો એ ચાંડાળ દુઃખોથી દૂબળો થઈને,તથા સુખની આશા છોડીને રોતો રોતો જ -પોતાનો દેશ છોડીને વનમાં ભટકવા લાગ્યો.
ફરતાં-ફરતાં તે ગાધિને "કીર" નામની એક સુંદર રાજધાની જોવામાં આવી.
કે જ્યાં કોઈ ઉત્સવ થઇ રહ્યો હતો,અને એક હાથીને ત્યાં છૂટો મુકવામાં આવ્યો હતો.
હકીકતમાં,તે હાથી,જેમ ચિંતામણીની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઇચ્છાથી,કોઈ ઝવેરી ફરતો હોય,
તેમ એ રાજધાનીનો રાજા મરી ગયા પછી રાજ્યને યોગ્ય બીજા કોઈ ભાગ્યશાળી પુરુષની પરીક્ષા કરીને
તેને શોધી લેવાની ઇચ્છાથી ચારે બાજુ ફરતો હતો.
એ હાથીને ગાધિએ (ચાંડાળ) કૌતુક થી ખેંચાયેલી દૃષ્ટિ થી ઘણીવાર સુધી જોયા કર્યો.
ત્યારે તે હાથીએ પોતાની સામે એકાગ્ર દૃષ્ટિ થી જોઈ રહેલા તે ગાધિ ને પ્રેમપૂર્વક સૂંઢ વડે ઉપાડી લઈને,
પોતાની કાંધ પર બેસાડ્યો.એટલે સર્વે પ્રજાજનો એ જય-જય કાર કર્યો.
અને ગાધિ ને રાજા બનાવીને રાજ્યમાં બેસાડ્યો.ત્યાં તેણે મંત્રીઓને સાથે રાજ્ય-કારભાર ઉઠાવી લીધો.
કીરપુર નામના નગરમાં તે ગાધિ (ચાંડાળ) "ગવલ" એ નામથી રાજ્ય કરવા માંડ્યો.
(૪૬) ગાધિ ની ચાંડાળતા સર્વને જણાયાથી ગાધિનો અગ્નિ-પ્રવેશ
વસિષ્ઠ કહે છે કે-રાજાના સુખ થી તે ચાંડાળ(ગાધિ) પોતાના ચાંડાળ-પણાને ભૂલી ગયો હતો,
પણ એક વખત,તેની પોતાની ચાંડાળ જાતિનોએક બુઢ્ઢો મનુષ્ય ત્યાં આવ્યો,તેણે,રાજાને"કટન્જ" ના નામથી બોલાવ્યો,અને ગાધિને તે ચાંડાળ માંથી રાજા કેમ બન્યો? વગેરે વિષે પૂછવા લાગ્યો.
થોડા સમય સુધી તો ગાધિ (કે જે અત્યારે ગવલ રાજા બનેલો છે) કે -જેણે પોતાની વાત કોઈના જાણવામાં
ના આવવા દેવા માટે -ચેષ્ટાઓ થી તે મનુષ્ય નો અનાદર કરવા લાગ્યો.
પણ એ વાત ગોખમાં બેઠેલી રાણીઓ ના અને મંત્રીઓના સાંભળવામાં આવી ગઈ,
તેથી તે રાણીઓ અને મંત્રીઓ "આ અમારો રાજા ચાંડાળ છે" એમ જાણીને અત્યંત દુઃખી થયા.
આ વાત ગામમાં પ્રજાજનો માં પણ પ્રસરી જતાં,સઘળા લોકોએ તેનો બહિષ્કાર કર્યો,ત્યારે શોકથી
વ્યાકુળ થયેલો,તે ગાધિ (ગવલ રાજા કે ચાંડાળ) એ નીચે પ્રમાણે વિચાર કર્યો.
"આ સર્વનો નાશ કરનાર અનર્થ મારા કારણથી જ પ્રાપ્ત થયો છે,હવે મારે દુઃખી જીવન રાખીને શું કરવું?
મારે તો મરવું -એ જ હવે મહોત્સવ છે."
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ગવલ રાજાએ,એ પ્રમાણે નિશ્ચય કરીને પોતાના શરીર ને બળતા અગ્નિમાં હોમી દીધું.અને દાહને લીધે વ્યાકુળ અવયવો વાળો થઇ જતાં,જળમાં અઘમર્ષણ કરતો ગાધિ-બ્રાહ્મણ -પોતાના અંગમાં જાણે દાહથી ચલિત થયાનું સ્ફુરણ થતાં.તરત જ જાગ્રત થયો.